19 જાન્યુઆરી 1951 સ્વ. ઠક્કરબાપાના મૃત્યુદિવસ નિમિત્તે
जे का रंजले गांजले, त्यासि म्हणे जो आपुले
तोचि साधु ओकखावा, देव तेथेचि जाणावा
હેરાન થયેલા અને પીડિત લોકોને જે અપનાવી લે છે – પોતાના કરી લે છે. તો જાણવું કે તે સાધુ છે, તે પરમાત્મા છે.
આ તુકારામનો બહુ પ્રસિદ્ધ અભંગ છે. આજે જે પુરુષના અવસાનના સમાચાર આપણે સાંભળ્યા છે, એમનું ચરિત્ર આ અભંગમાં કરાયેલા વર્ણન જેવું છે. મને એ ખબર છે કે તુકારામનો આ અભંગ ઠક્કરબાપાને બહુ જ પ્રિય હતો. એમની માતૃભાષા તો ગુજરાતી હતી, છતાં પણ તે મરાઠી બહુ સારી રીતે સમજતા હતા. ગોખલે, દેવધર વગેરે ભારત-સેવકોની સંગતિમાં એમનો સમય વીત્યો છે. તેમાંથી જ એમને સેવાસ્ફૂર્તિ મળ્યાં છે. એમના આયુષ્યનો પૂર્વાર્ધ કુટુંબના ઉદ્યોગમાં વીત્યો તે પછી બધાં જ બંધનો તોડી-ફોડી તેઓ દીન-જનોની સેવામાં લાગી ગયા. જીવનનો ઉત્તરાર્ધ પૂરેપૂરો એમની સેવામાં અર્પણ કરી દીધો.
ઠક્કરબાપાનું ધ્યેય બિલકુલ સરળ હતું. બધાં પહોંચી શકે તેવું. તેઓ ધ્યાનયોગી નહોતા, જો કે નિરંતર કર્મ કરતા હતા. હું એમને કર્મયોગી પણ નહીં કહું, પણ ‘તેઓ ભક્તિમાર્ગી’ હતા. ભક્ત હતા. બીજાનાં દુ:ખો દૂર કરવાનો પ્રયત્ન એ જ એમનું ધ્યેય હતું, તે જ એમની ભક્તિ હતી અને તે જ એમનો માર્ગ હતો. ભક્તિપંથ બહુ જ સરળ છે. તુકારામે કહ્યું છે કે, –
‘अवध्या वाटा झाल्या क्षीण, कली न घडे साधन’
આ કઠિન કળિકાળમાં સાધન નથી બની શકતા, સાધનના બધા રસ્તા ક્ષીણ થઈ ગયા છે. ધ્યાનયોગ કોણ કરે ? એક જ જગ્યાએ ચાલીસ ચાલીસ વર્ષ પોતાની જાતને બંધ કોણ કરે ? તે અરવિંદ જેવાનું જ કામ છે. એ જ રીતે સમાજના પ્રતિનિધિ બનીને બધાના વતી છાતી પર ભાર સહન કરવો અને હજારો માલગાડીના ડબ્બા પોતાની શક્તિથી ખેંચીને લઈ જવા, આટલું મોટું એન્જિનનું કામ કોણ કરે ? આવું કામ એકાદ સરદાર વલ્લભભાઈ જ કરે અથવા તો એમની બરોબરી કરનારો કોઈ બીજો જ કરે. પરંતુ આપણા બધાથી આવા વિષમકાળમાં તે કઈ રીતે થશે ?
તમને આ પણ વાંચવું ગમશે
તુકારામને આપણે બહુ મોટી પદવી આપી છે. પણ તેઓ પોતાની જાતને આપણા જેવી જ સમજતા હતા. તેઓ કહ્યા કરતા, “મારાથી બહુ કઠિન સાધના નથી થતી. મને આ ભક્તિમાર્ગ જ સારો લાગે છે.
‘तुझे थोर-थोर भक्त करिती विचार’ – હે ભગવાન, તારા મોટા મોટા ભક્તો થઈ ગયા, તેઓ બહુ ગહન ચિંતન કરતા હતા, જપ તપ વગેરે સાધન કરતા હતા. પરંતુ जप – तपादि साधनें भज चिंतवेमा मनें – હું તો એ સાધનોનો મનથી વિચાર પણ નથી કરી શકતો. હું દીન છું, મારે તો તમારી કરુણા જ માંગવી છે. અને દીનજનોના દુ:ખને જેટલું સમજું છું, એટલી એમની સેવા કરવી છે. ઠક્કરબાપાની આ ભૂમિકા હતી. એટલે અરવિંદની જેમ એમને આ દિવ્ય અસફળતા સાધવી નહોતી. સરદાર વલ્લભભાઈની જેમ સફળતા – નિષ્ફળતાનો લાભ પણ એમને મેળવવો નહોતો, પણ આખા સંસારને સમજણ પડે એવી સીધી-સાદી સફળતા જ એમને મેળવવી હતી. કોઈ તરસ્યાને જો પાણી પાયું તો, એ કામ તરત જ સફળ થઈ ગયું. ‘તરત દાન મહાપુણ્ય’, ત્યાં ઉધારીનું કામ જ શું ? તરસ્યો તૃપ્ત થઈ ગયો. પાનારો મહાતૃપ્ત થઈ ગયો. બંને વાતો તરત જ જોઈ લો. ભગવાને કહ્યું છે કે “આ સેવાનો રાજમાર્ગ બહુ સરળ છે. એમાં ફળ પ્રત્યક્ષ છે. હમણાં કર્યું અને હમણાં મળ્યું. આજે ભોજન કર્યું તો પેટ ભર્યા પછીની તૃપ્તિને માટે શું કાલ સુધી રાહ જોવી પડે છે ? તે ખાતાં-ખાતાં જ મળી જાય છે.
આવી સેવાના પથનું અનુસરણ ઠક્કરબાપાએ કર્યું, સંસારને માર્ગ બતાવ્યો. તેઓ તો સફળ થઈ જ ગયા. સંસારનાં દુ:ખો પૂરાં થયાં નથી હવે તમારું અને મારું કામ છે. દુ:ખ દેખાય છે તેથી નિરાશ થવાનું નથી. મને સેવાનું સુખ નિરંતર મળે એટલે જાણે પરમેશ્ર્વરે આ દુ:ખોને ચિરંજીવ બનાવ્યાં છે. એટલે આપણે બધા લગની લગાવીને સેવામાં જોડાવા તત્પર બનીએ. સંસારનાં દુ:ખો દૂર કરવાનો ઉત્સાહ રાખીએ.
આજે એક સરસ કામ થયું. એનાથી ઠક્કરબાપાને પણ સારું લાગશે. વર્ધાના હરિજન છાત્રાવાસના વિદ્યાર્થીઓ અહીં પરંધામમાં કૂવો ખોદવાના યજ્ઞમાં ભાગ લેવા માટે, છ માઈલ ચાલીને આવ્યા. આજનો દિવસ એમનો પહેલેથી નક્કી હતો. પણ આજે ઠક્કરબાપાના મૃત્યુની ખબર મળવા છતાં એમણે એમનો સંકલ્પ છોડ્યો નહીં અને અહીંયાં 40-50 છાત્રોએ ત્રણ કલાક કૂવો ખોદ્યો. એમને નિષ્કામ સેવાનો લાભ થયો. હરિજન બાળકો ઠક્કરબાપાને કેટલાં પ્રિય હતાં ! એમનો આત્મા આજે કહેશે, “મારાં આ પ્યારાં બાળકો મને ભૂલ્યાં નથી. એમણે મારા સંદેશને ઓળખ્યો. મારા દેહના મૃત્યુની ખબર સાંભળીને પણ એમણે સેવાના કામમાં રૂકાવટ થવા દીધી નહીં, પરંતુ વિશેષ ઉત્સાહથી એમણે નિર્ધારિત કામ પૂર્ણ કર્યું. મારો સંદેશ આ બાળકોની પાસે પહોંચી ગયો.
આવી સેવાભાવના આપણા બધાની સતત રહે. દેહ જવાનો હોય તો જાય, રહેવાનો હોય તો રહે, પણ જ્યાં સુધી તે છે, ત્યાં સુધી એના દ્વારા સેવા થતી રહે એ જ પ્રભુપ્રાર્થના.
અનુવાદ : ભદ્રા સવાઈ ગુણ-નિવેદનમ્ : વિનોબા