શબાના બુઆનો ચમત્કાર : અદિતી સુબેદી

(મરાઠી સાપ્તાહિક ‘સાધના’ના 14 નવેમ્બર 2020ના યુવા અંકમાં અદિતી સુબેદી નામની 17 વર્ષની દીકરીની પ્રગતિ તેમજ આત્મવિશ્ર્વાસની વાતનો સારાંશ અહીં રજૂ કર્યો છે.  )

સંપાદક

ભારતના સુપ્રસિદ્ધ કવિ, લેખક તેમજ સામાજિક કાર્યકર્તા કૈફી આઝમીનું મૂળગામ મિજવાન, ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાનું એક નાનકડું ગામ. ઠેઠ 2004 સુધી તો તેને પીનકોડ આપવાની પણ જરૂર નહોતી ગણાઈ. આ ગામમાં સ્થાપેલી મિજવાન વેલ્ફેર સોસાયટીએ કોઈ મોટો ઢંઢેરો પીટ્યા વિના જે કામો કર્યાં છે તે નોંધવાપાત્ર છે. હવે તેમનાં દીકરી શબાના આઝમી તેમજ દીકરા બાબા આઝમી પિતાની સ્થાપેલી સંસ્થા દ્વારા ગામને સતત ઊર્જા આપતાં રહે છે.

માંડ 150 ઘરો વાળું ઉત્સાહથી ભરેલું આ સંપીલું ગામ છે. અદિતી સુબેદી કહે છે, ‘અમારા ગામમાં કોઈ પ્રકારના ભેદભાવ તમને જડશે નહીં. અમારું ગામ ઘણું સુંદર છે. ગામ પર કુદરતે પણ ઘણા આશીર્વાદ વરસાવ્યા છે. લોકો સ્વસ્થ, જાગૃત તેમજ મહેનતુ છે. ગામ સમરસ, મેળમિલાપથી રહેનારું, દીકરી-દીકરા વિશે પણ ભેદ ન કરનારું છે. સમાનભાવે પ્રગતિ કરવાનો અહેસાસ આપનારું આહ્લાદક વાતાવરણ અમારે ત્યાં અમને મળતું રહે છે.

અલબત્ત, તેમાં દાદાબાબાની સંસ્થાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. બાબા અંકલ અને શબાના બુઆ નિયમિત રીતે અહીં આવીને યુવાઓની પ્રગતિમાં રસ લે, પૂરી આત્મીયતાથી ગામનાં થઈ વર્તે. શબાના બુઆ એટલે આખા ગામની બુઆ. નાનાં-મોટાં સૌ કોઈ તેમને એ જ નામે સંબોધે. એ ગામમાં આવે એટલે સહુ કોઈ એમને વીંટળાઈ વળે. દુનિયા ભરની વાતો અમને સૌને કરે ને મહેફિલ જમાવે. સૌને ખુલ્લાદિલે મળીને પોતાના બનાવે. ગામની જરૂરિયાતો, પ્રશ્ર્નો પાર પાડવા તત્પર રહે ને સૌ કોઈને ઉપયોગી બને. શબાના બુઆનું વર્તન જ એવું હોય કે તેમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે ! તેમાં યુવાનોને પ્રોત્સાહિત કરવાનું કામ તો અવ્વલ નંબરે આવે ! મને જુઓને કેવી ઊંચકી લીધી ! એ ઉપરાંત અમારા બે મિત્રોને વધુ આગળનું જાણવા-ભણવાની ઉત્સુકતા હતી તો એકને અમેરિકાની યુનિવર્સિટીના પ્રાધ્યાપક સાથે તો બીજાને લંડનના પ્રાધ્યાપક સાથે જોડાણ કરી આપ્યું.

હું બહુ નાની હતી ત્યારે જ તેમની નજર મારા પર પડી ગઈ હતી. શબાના આઝમી કહે છે, “એ છોકરીની આંખોની ચમક જોઈને થયું કે આ છોકરીમાં ઘણા ગુણો હોવા જોઈએ. અને તે જરૂર વિશેષ પ્રગતિ કરી શકશે. વિખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે મળીને દર વર્ષે ‘મિજવાન વેલ્ફેર સોસાયટી’ ‘મિજવાન ફેશન શૉ’નું આયોજન કરે છે. જ્યારે શબાના બુઆ 2017માં અમારે ગામ આવ્યાં ત્યારે મેં તેમને કહ્યું કે મારે પણ આ ફેશન શોમાં ભાગ લેવો છે. તો તેમણે કહ્યું કે ‘સારું, આ વખતે હું તને બોલાવીશ’ અને તેમણે પોતાનું વચન પાળ્યું. હું પહેલી જ વાર વિમાનમાં બેઠી. 13-14 વર્ષની ઉંમરે મને શાહરુખખાન અને અનુષ્કા શર્મા સાથે આ ‘શૉ’માં ભાગ લેવાનો મોકો મળ્યો. આ એક અનોખો અનુભવ હતો.

ત્યાર પછી વરસેક પછી બાબા અંકલનો ફોન આવ્યો કે તેઓ એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં એક છોકરીની ભૂમિકા કરવાની છે. તે કરવા જો અદિતી તૈયાર હોય તો તેણે પોતાનો વિડીયો બનાવીને મોકલી આપવો. મેં મારી બહેનની મદદથી આવો એક વિડીયો તૈયાર કરીને અંકલને મોકલી આપ્યો, અને તેમને તે ગમ્યો. પછી તો વાત આગળ ચાલી-આખી ફિલ્મની વાર્તા તેમણે મને કહી, મારે જે પાત્ર ભજવવાનું હતું તે સમજાવ્યું, અને તે બધું ભજવી બતાવવાનું કહ્યું. વળી ભરતનાટ્યમ્ શીખવા મુંબઈ પણ બોલાવી. ત્યાં મારી ઓળખાણ દિપાલી સલીલ સાથે થઈ. તેમણે મને ડાન્સ કરી બતાવવા કહ્યું. મેં કહ્યું, મેં કદી ભરતનાટ્યમની તાલીમ લીધી નથી. તેમણે કહ્યું, તને જે ફાવે તે ગીત પર ડાન્સ કરી બતાવ. મેં તેમ કર્યું. ત્યાર બાદ તેમણે બાબા અંકલને કહ્યું, “જુઓ મારી ત્રણ શરતો છે, તે પૂરી કરવા આ છોકરી તૈયાર હોય તો ચાર મહિનામાં હું આ છોકરીને ભરતનાટ્યમ શીખવી શકીશ.

(1) મારી પરિશ્રમ કરવાની તૈયારી કેટલી છે ?

(2) મારામાં તાલ અને સૂરની સમજણ કેટલી છે ?

(3) નૃત્ય કરતી વખતે મારો આત્મવિશ્ર્વાસ કેટલો છે ?

આ શરતો મારે માટે ભારે તો હતી પણ મારે આગળ વધવું હતું અને દિપાલી અક્કા મને શીખવવા તૈયાર થયાં એ સાંભળીને જ હું ખુશ હતી. પરંતુ ધીમે ધીમે મને સમજાતું ગયું કે ભરતનાટ્યમ કંઈ ખાવાના ખેલ નથી. પગને ઘૂંટણથી વાળવાના, એક ‘હીરા’ જેવી ચોકડી બનાવીને કલાકો સુધી ઊભા રહેવું, હાથ, પગ, માથું, ચહેરો બધાયને કાબૂમાં રાખીએ ત્યારે બધું પાર પડે ! વધારામાં વળી હાથની આંગળીઓ – અંગૂઠાને મુદ્રા માટે તૈયાર કરવા. હું તો થાકી થાકી જાઉં. માને ફોન પર બધી વાત કરું. મા કહે, તારે ભરતનાટ્યમ શીખવું હોય તો આ બધું કરવું પડે. મહેનત કરતી જઈશ તેમ ટેવાતી જઈશ. તારે પ્રયત્ન કરતા રહેવો જોઈએ. શરૂઆતમાં તો કોઈ જ વસ્તુ સહેલી ન હતી. બંને ઘૂંટણમાં સોજો આવ્યો. ડોક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું કે મારા ખોરાકમાં કેલ્શિયમ ઓછું છે.

તે પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો. હાડકાં અને શરીરને યોગ્ય પ્રમાણમાં પોષણ આપવાની વાત પહેલી જ વાર મને સમજાઈ. પરંતુ, બાબા અંકલ, શબાના બુઆ અને તેમની સમગ્ર ટીમે મારા ખોરાકથી લઈને બધી જ બાબતોની જે કાળજી લીધી તેને કારણે મારો રસ્તો સરળ બનતો ગયો. મને પણ એ સમજાયું કે આપણે પોતાના શરીરની કાળજી ન રાખીએ તો પોતાની ઇચ્છા પ્રમાણેની વસ્તુ ન કરી શકીએ. અને ડાન્સ તો મારી ખૂબ જ ગમતી વસ્તુ હતી. એટલે મેં આ બધું જ ગંભીરતાપૂર્વક કરવા માંડ્યું. અને જોતજોતાંમાં હું દિપાલી અક્કાની વહાલી દીકરી બની ગઈ !

ફિલ્મનો મુખ્ય ઝોક, એક મુસ્લિમ છોકરી ભરતનાટ્યમ શીખે છે તેનો સમાજ વિરોધ કરે છે તે બાબતનો છે. મુલ્લાઓને તો આ બાબત પ્રત્યે નફરત છે જ અને હિંદુઓને પણ મુસ્લિમ છોકરી ભરતનાટ્યમ શીખે તેનો મોટો વાંધો. તેથી તે છોકરીના પિતાને ઘણું જ સહન કરવાનું આવ્યું. એ ભાગ જ્યારે ભજવવાનો આવ્યો ત્યારે વાસ્તવમાં મારા બાપુને કેટલું સહન કરવું પડશે તેના વિચારો આવતાં મૂંઝાતી. પણ અમારા ગામમાં તો એવું કંઈ થાય જ નહીં ને !

ફિલ્મનું પોસ્ટર

મને ખબર જ ન હતી કે “મી રકસમ (I Dance) ફિલ્મના દિગ્દર્શક ‘બાબા અંકલ’ પોતે જ હતા. આખી ટીમે સાથે મળીને રીહર્સલ કરવા માટે જુહુમાં આવેલી જાનકી કુટિરમાં રહેવાનું બન્યું. એમાં સિદ્ધહસ્ત એક્ટીંગ કરનારા પણ હોય ને મારા જેવી સાવ નવી ને નાની વ્યક્તિ પણ. પરંતુ, બાબા અંકલ જુદા જ માણસ. સરળ અને સહજ. આત્મીયતાથી બધાની સાથે બધા જેવા થઈને જીવે. અમે સહુ ભેગા મળીને રસોઈ કરીએ અને અમથાં ગપ્પાં મારીએ, તે બધામાં કોઈ વડીલ હાજર છે એવું ભાન પણ ન કરાવે તે બાબા અંકલ ! એક ટીમ તરીકે કામ ચાલતું રહ્યું અને તેથી જ ફિલ્મ સફળ થઈ.

મારું પાત્ર હતું ‘મરિયમ’નું. મારાથી ભૂલો યે થતી. ત્યારે મારે કારણે ફરી ફરી બધાને એ સીન કરવો પડે, તેનો મને ઘણો અફસોસ થતો. હું ખૂબ મહેનત કરતી ને આવા પ્રસંગ ન ઊભા થાય તે માટે જાગૃત રહેતી. ફિલ્મમાં ‘મરિયમ’ પર જે સામાજિક ભેદભાવનાં આક્રમણોના પ્રસંગો છે, તેવો અનુભવ તારી જિંદગીમાં તને ક્યારેય થયો છે ? – એવું મને પૂછવામાં આવ્યું. મેં કહ્યું, “ક્યારેય નહીં, અમારા મિજવાન ગામમાં તો વાતાવરણ જ સુમેળનું છે.

મને નસીરુદ્દીનજીએ સમજાવ્યું કે આટલી નાની ઉંમરે, 8મા ધોરણથી એક્ટીંગ કરવાનું ભલે થયું હોય, તારે ભણવામાં ધ્યાન આપવું જોઈએ. તું જરૂર સારી એક્ટર બન પરંતુ સારી સમજણ અને જ્ઞાન ધરાવનારી એક્ટર તારે બનવાનું છે. આ વાત મને બરોબર ગળે ઊતરી છે. ફિલ્મની સફળતાને કારણે મને પૂછવામાં આવતું હોય છે કે તારો શો મત છે? જીવનમાં શું કરવું જરૂરી છે ? ત્યારે હું કહું છું કે ‘દરેક વ્યક્તિ પાસે કંઈક બનવાનું સ્વપ્ન હોવું જોઈએ અને તે સ્વપ્ન સાકાર કરવા માટે પરિશ્રમ કરવો જોઈએ. પૂરી પ્રામાણિકતા અને દિલોજાનથી મંડ્યા રહેવું પડે. મહેનત કરીને શીખતા રહીએ તો મદદ કરનારા તો આવી જ રહે. મને દિપાલી આક્કા, શબાના બુઆ અને બાબા અંકલ મળ્યાં છે. તેમણે મારા પર પૂરો વિશ્ર્વાસ મૂક્યો અને તે વિશ્ર્વાસ સાચો પાડવાની જવાબદારી પૂરી કરવા હું મથતી રહું છું. સાચા માનવી બનવામાં ક્યારેય કોઈ રુકાવટ કોઈનેય નડતી નથી એવો મારો વિશ્ર્વાસ છે.

‘મી રકસમ’ (I Dance) એ ફિલ્મ Cos -Ff 2020 (The Coalition of South Asian Film Festival)માં ઓપનીંગ નાઈટ ફિલ્મ તરીકે બતાવવામાં આવી હતી. જેમાં આઝમગઢના એક ખોબા જેવા ગામની 17 વર્ષની દીકરીએ મુખ્ય નાયિકાની ભૂમિકા ભજવી હતી.

(મરાઠી ‘સાધના’માંથી અનુવાદિત)           – દિપાલી અવકાળે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s