માનવ અધિકારો વિરુદ્ધ ધર્માંધતા

દરેક રાજ્ય-વ્યવસ્થા માટે માનવઅધિકારો શાશ્ર્વત અને અફર છે. સમુખત્યાર દેશોમાં માનવઅધિકારોનું જતન-પાલન શક્ય હોતું નથી. પરંતુ તેથી માનવઅધિકારોનો છેદ ઊડી જતો નથી. દ્વિતીય વિશ્ર્વયુદ્ધની ભયાનક સંહારકતા બાદ કેટલાક દેશોને જ્ઞાન લાધ્યું કે આ રીતે નિર્દોષ નાગરિકો મૉતને આધીન થવા જોઈએ નહીં. આવાં રાષ્ટ્રોની બેઠક સાનફ્રાંસિસ્કોમાં 1945માં મળી અને તેમણે તૈયાર કરેલ રૂપરેખા યુનોએ માનવ-અધિકારોની વૈશ્ર્વિક ઘોષણા તરીકે 10 ડિસે. 1948ના દિને પ્રગટ કરેલ છે.

એ નોંધનીય છે કે આ કવાયતમાં ડૉ. હંસા મહેતાની આગેવાની હેઠળનું ભારતનું પ્રતિનિધિમંડળ પણ સામેલ હતું. બરાબર આ સમયે ભારતમાં બંધારણસભાની બંધારણ ઘડવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ભારતના બંધારણ ભાગ-3 અને ભાગ-4માં સમાવિષ્ટ અનુક્રમે મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વાસ્તવમાં માનવઅધિકારો છે. દા.ત. વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સભા સ્વાતંત્ર્ય, સંગઠન સ્વાતંત્ર્ય, મુક્ત રીતે હરવા ફરવાનું સ્વાતંત્ર્ય, વેપાર-ધંધા, વ્યવસાયનું સ્વાતંત્ર્ય, ગૌરવપૂર્વક જીવન અને વૈયક્તિક સ્વાતંત્ર્ય, ધર્મ સ્વાતંત્ર્ય, કાનૂની ઉપચારનું સ્વાતંત્ર્ય, વગેરે માનવઅધિકારો છે. રાજ્ય આ (મૂળભૂત તેમ જ માનવ) અધિકારોનું જતન અને રક્ષણ કરવા બંધાયેલ છે.

ધર્માંધતા (Fundamentalism) ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ ધર્મમાં અને તેનાં ધર્મશાસ્ત્રોમાં દૃઢ શ્રદ્ધા ધરાવે, ધર્મશાસ્ત્રો પૂર્ણ સત્ય ધરાવતાં હોવાનું માને અને તેને અક્ષરશ: અનુસરવામાં જ પોતાના જીવનનું લક્ષ્ય સમજે. આવી વ્યક્તિ પોતાના ધર્મ માટે ઝનૂની અને ઉગ્ર સંવેદનશીલ હોય છે. ઉદાર મતવાદી કે વિધર્મીને હણી નાખવામાં તેને કોઈ લાજ શરમ કે અફસોસ નથી. ધર્માંધ વ્યક્તિ એ સ્વીકારવા તૈયાર નથી કે હજારો વર્ષ જૂનાં ધર્મશાસ્ત્રો વર્તમાન સમયમાં અસંમત બન્યાં છે. ઊલટું તે ધર્મશાસ્ત્રો પવિત્ર અને દૈવી હોવાનું માને છે. દા.ત. ખ્રિસ્તી ધર્માંધ વ્યક્તિ બાઇબલને અને મુસ્લિમ ધર્માંધ વ્યક્તિ કુરાનને અને હિંદુ ધર્માંધ વ્યક્તિ ગીતાને પૂર્ણ અને આખરી સત્ય માને છે. શીખો પણ ગ્રંથસાહિબ માટે આવી માન્યતા ધરાવે છે.

ધર્મશાસ્ત્રોની ટીકાનો અહીં આશય નથી. કારણ કે ધર્મશાસ્ત્રોમાં પણ નીતિમત્તાનાં સૂચવાયેલ કેટલાંક ધોરણો પ્રશસ્ય છે. આમ છતાં ધર્માશાસ્ત્રોની કેટલીક બાબતો વર્તમાન સમય સાથે સુસંગત નથી. દા.ત. મુસ્લિમ ધર્મમાં સ્ત્રી-પુરુષ સમાનતાનો અભાવ છે. હિંદુ ધર્મમાં વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતા સ્વીકારાયેલ છે. દરેક પ્રકારની ધર્માંધતા જ્ઞાન અને સામાજિક પ્રગતિને અવરોધક છે. દા.ત. રાજા રામમોહનરાયે શરૂ કરેલ સતી પ્રથા વિરુદ્ધ ઝુંબેશનો હિંદુઓએ જ વિરોધ કર્યો હતો. વિદ્યાસાગરે વિધવા વિવાહની તરફેણ કરી ત્યારે તેમણે હિંદુઓનો રોષ વહોરવો પડ્યો હતો. તે જ રીતે, મુસ્લિમ સ્ત્રીઓને કોઈપણ પ્રકારનું સ્વાતંત્ર્ય આપવા સામે જુનવાણી ધર્માંધ લોકો વિરોધ કરી રહ્યા છે. 1985માં શાહબાનુ કેસમાં સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ સ્ત્રીની તરફેણમાં ભરણપોષણના હક્ક માટે ચુકાદો જાહેર કર્યો ત્યારે ધર્માંધ મુસ્લિમોએ તેનો વિરોધ કરી રાજીવ ગાંધી સરકારને તેની વિરુદ્ધ કાયદો ઘડવાની ફરજ પાડી હતી. આમ ધર્માંધતાને વળગી રહેવાથી સમાજ પછાતપણા તરફ ધકેલાય છે.

ધર્માંધતાથી માનવઅધિકારનો નકાર થાય છે. કોઈ ધર્મની ટીકા કરી શકાતી નથી કે ઘસાતું બોલી શકાતું નથી. સલમાન રશદી વિરુદ્ધ ધર્માંધ મુસ્લિમોએ મોતનો ફતવો બહાર પાડ્યો હતો. ભારતમાં દબાણ હેઠળ તેમની નવલકથા “સૈતાનિક વર્સીસ પર સરકારે પ્રતિબંધ મૂકયો હતો. બ્રિટન સરકારે તેમને રક્ષણ પૂરું પાડેલ હતું. તસ્લીમા નસરીને કુરાન વિરુદ્ધ કરેલ ટીકાઓ બદલ તેમની સામે પણ મોતનો ફતવો જાહેર કરાયો હતો અને તસ્લીમાને દેશ છોડી જવાની ફરજ પડી હતી. આમ જોઈએ તો તમામ ધર્મો પોતાને સહિષ્ણુ હોવાનું જાહેર કરે છે.

પરંતુ વાસ્તવમાં ધર્મ વિરુદ્ધ થનારી ટીકા સહન કરી શકતા નથી અને ટીકા કરનારના મોત નિપજાવવાની હદ સુધી જઈ શકે છે. ભારતમાં પણ બાબરી મસ્જિદનો ધ્વંસ થયો છે. મુંબઈમાં શિવસેના અને બજરંગ દળના સૈનિકોએ ખ્યાતનામ ચિત્રકાર હુસૈનનાં ચિત્રોની તોડફોડ કરી હતી. શીખ ધર્મમાં પણ આવી ધર્માંધતા જોવા મળે છે. તેઓ ગુરુગ્રંથને આખરી સત્ય માને છે. પીઅર સિંગ અને પશુઆરા સિંગે પોતાના સંશોધનના અંતે એવું તારણ જાહેર કરેલ કે શીખોના પાંચમા ગુરુ અર્જુન દેવે મૂળ મંત્રમાં સુધારો કર્યો છે. પશુઆરા સિંગ અમેરિકા હોવાથી બચી ગયા હતા. પરંતુ અકાલ તખ્તે પીઅર સિંગને સુવર્ણ મંદિર ખાતે જૂતાં પૉલિશ કરવા ફરજ પાડી હતી.

ધર્માંધ લોકોની મુશ્કેલી એ છે કે તેમને તર્ક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની તાલીમ હોતી નથી. આથી તેઓ લાગણીથી દોરવાય છે. તાર્કિક કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી વાતથી તેમની ધાર્મિક લાગણી દુભાય છે. પરિણામે તેઓ ઝનૂની બની બિનલોકશાહી માર્ગો અખત્યાર કરે છે. માનવઅધિકારો અને સામાજિક પ્રગતિના સમથર્કોએ આ ધર્માંધતાનો વિરોધ કરવો જોઈએ અને માનવઅધિકારોનું જતન તેમજ સામાજિક પ્રગતિ સાધવામાં સહાય કરવી જોઈએ.

(16, શ્યામવિહાર, અંગોલા રોડ, પાલનપુર)   – અશ્વિનકુમાર ડી. કારીઆ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s