28 અને 29 ઓક્ટોબર, 2019 દરમ્યાન એશીયન નેટવર્ક ઓફ રાઈટસ ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ઓક્યુપેશનલ વીક્ટીમ્સ (એનરોવ) સંસ્થાની દ્વીવાર્ષિક પરિષદ દક્ષિણ કોરીઆની રાજધાની સીઓલમાં યોજાઈ ગઈ. પરિષદમાં ભાગ લેવા આવેલા પ્રતિનિધિઓ માટે 30મીએ પ્રવાસ ગોઠવાયો.
મેં ગ્રીન હૉસ્પિટલમાં જતા જૂથમાં મારું નામ નોંધાવ્યું હતું. પ્રવાસમાં અમારી સાથે અમારા યજમાનો પૈકીની મુખ્ય વ્યક્તિ અને વ્યાવસાયિક આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર અધ્યાપક ડૉ. ડોમ્યુંગ પીક હતા.
ડોમ્યુંગ શ્રમજીવીઓના અધિકારો માટે બહુ આગ્રહી અને શ્રમજીવીઓના સંઘર્ષમાં તન-મન-ધનથી સાથ આપનારા સાથી. સવારના આયોજનમાં અમને કબ્રસ્તાનની મુલાકાત કરાવી. ત્યાં જે મહાનુભાવોને દફન કર્યા હતા તેમનો પરિચય આપ્યો અને એ દ્વારા ત્યાંની મજૂર ચળવળના ઇતિહાસની અમને સફર કરાવવામાં આવી. બપોર બાદ અમને ગ્રીન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
હૉસ્પિટલ ખૂબ સ્વચ્છ અને આકર્ષક હતી. તેમાં ભીંત પર સુશોભન માટે જે ચિત્રો મૂકવામાં આવ્યાં હતાં તે પ્રભાવિત કરનારાં હતાં. દર્દીઓ શિસ્તપૂર્વક સેવાઓ લઈ રહ્યા હતા. ક્યાંય કોઈ ભીડ કે ગરબડ દેખાયાં નહીં. સ્ટાફ ચપળતા અને સ્ફૂર્તિપૂર્વક ઝડપથી અહીંથી તહીં દોડાદોડ કરતો જોવા મળ્યો છતાં એક અજબ શાંતિ હતી.
હૉસ્પિટલમાં અમને ભૂગર્ભના ફ્લોર પર દોરી જવામાં આવ્યા. ત્યાં એક નાનો કલાસરૂમ હતો. તેમાં બેસાડી અમારું સ્વાગત કરવામાં આવ્યું. હૉસ્પિટલના નિયામક ડૉ. યુન ક્યુન લી થોડી વારે આવ્યા અને પાવર-પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અમને હોસ્પિટલનો ઇતિહાસ જણાવ્યો અને બીજી માહિતી આપી. તે પછી અમને એમના સાથી વિવિધ વિભાગો બતાવવા લઈ ગયા.
મારા માટે આ બહુ ઉપયોગી મુલાકાત હતી. આવી હૉસ્પિટલ ભારતમાં બને તેવું મારું સ્વપ્ન રહ્યું છે. તે દૃષ્ટિએ મને ઘણું જાણવા-શીખવા મળ્યું.
વર્ષ 1988માં સીઓલમાં મુન સોંગમ્યુન નામનો 15 વર્ષનો કિશોર માધ્યમિક શાળાનું શિક્ષણ પૂરું કરી આગળ ભણવા માટે કુટુંબને મદદ કરવાને ઈરાદે હીપસંગ ગાયગોંગ નામના કારખાનામાં કામે લાગ્યો અને તેણે રાત્રી શાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. આ કારખાનામાં પારાના થર્મોમીટરનું ઉત્પાદન થતું હતું.
એક જ મહિનો કામ કર્યા બાદ કાર્બનિક દ્રાવકો અને પારાની ઝેરી અસરોને કારણે તે મૃત્યુ પામ્યો. તેના મરણનો આઘાત આખા સમાજને લાગ્યો. આ ધક્કાને કારણે કોરીઅન સમાજમાં કામને કારણે થતા અકસ્માતો અને વ્યાવસાયિક રોગો અંગે જાણકારી મેળવવાની બાબતે ગંભીરતા અને ઉતાવળ ઊભી થઈ. તેથી તેની અંતિમ-ક્રિયામાં અનેક સામાજિક જૂથો અને મજૂર સંગઠનો જોડાયાં.
ડોન્યાંગ રેયોન ફેક્ટરી એક જાપાનીઝ કંપની હતી. કોરીઆના એક જાપાનતરફી સાહસિક પાર્ક હ્યુંગસીકે 1960ના દસકામાં તે ખરીદીને મશીનો કોરીઆ લાવી સીઓલમાં વોન્જીન રેયોન ફેક્ટરી શરૂ કરી. વખત જતાં વોન્જીન રેયોન ફેક્ટરીમાં 1000 કામદારો કાર્બન ડાયસલ્ફાઈડની ઝેરી અસરોનો ભોગ બન્યા. કાર્બન ડાયસલ્ફાઈડની ઝેરી અસરનો વિશ્ર્વનો આ સૌથી ગંભીર અકસ્માત કે આફત (ડીઝાસ્ટર) ગણાય છે.
મુન સોંગમ્યુનના મરણ પછી જ વોન્જીન રેયોન ફેક્ટરીના કામદારોને લાગ્યું કે એમને જે તકલીફો થાય છે તે કામને કારણે હોઈ શકે. જો કે 1987માં પહેલી વાર આ કંપનીના એક કામદારને સેરીબ્રલ વાસ્ક્યુલર ડીસીઝ નામનો મગજની નસોનો રોગ થયાનું જાણવા મળ્યું હતું.
એ અગાઉ આ ફેક્ટરીના જે કામદારોનું નિદાન વ્યાવસાયિક રોગનું થયું હતું તે કામદારો હૉસ્પિટલને બિછાને હતા. તેવા કામદારોનાં કુટુંબો આ ચળવળમાં જોડાઈ ગયાં. ‘યુનિયન ઓફ ફેમીલીઝ ઓફ વોન્જીન ઓક્યુપેશનલ ડીસીઝીસ’ નામે ચળવળ શરૂ થઈ. તેને ડોક્ટરો, મજૂર સંઘના આગેવાનો અને યુનિવર્સિટીના અધ્યાપકોનો ટેકો મળ્યો. જેમણે ‘વોન્જીન ઓકયુપેશનલ ડીસીઝ કાઉન્સિલ’ બનાવી.
તેમણે સૌએ ભેગા થઈ ઓલમ્પીકની ટોર્ચને લઈ જતી રેલીના રસ્તાને બ્લોક કર્યો. તેમણે આ રોગને વ્યવસાયને કારણે થયેલો રોગ ગણવાની માગણી કરી. એ કારણે સરકાર પર દબાણ આવ્યું. સરકારે કંપની પર દબાણ કયુર્ં અને વિરોધ પક્ષના આગેવાનોએ ટેકો આપ્યો. આખરે સપ્ટેમ્બર 1988માં કંપની અને કાઉન્સિલ વચ્ચે સમાધાન થયું.
તમને આ પણ વાંચવું ગમશે
આ કરાર મુજબ મેનેજમેન્ટ અને મજૂરો દ્વારા સંયુક્ત રીતે નક્કી કરાયેલ 6 નિષ્ણાતોની સમિતિ નક્કી કરે કે કરાયેલ દાવો વ્યાવસાયિક રોગનો છે કે નહીં, જો હોય તો એ કારણે આવેલી અપંગતાનું પ્રમાણ કેટલું છે અને એને આધારે કંપની વળતર ચૂકવે અને વીમાવાળા પણ વળતર ચૂકવે.
કામદારોની સલામતી અને કામની સ્થિતિમાં સુધારા કરવામાં આવે. અને આરોગ્ય માટે શિક્ષણ અપાય એ કરાર થયા બાદ કામદારોની તબીબી તપાસ શરૂ થઈ. તેના એક વર્ષ બાદ ‘વોન્જીન રેયોન વર્કર્સ કાઉન્સિલ ઓફ ઓક્યુપેશનલ ડીસીઝીસ’ની સ્થાપના થઈ.
કંપનીના વીસ્કોઝ પ્લાન્ટમાં 4 વર્ષ કામ કર્યા પછી કીમ બોંધવાન નિવૃત્ત થયા. એમણે તબીબી તપાસ માટે ફોર્મ ભર્યું. સાડાંગ દવાખાનાના તબીબે અભિપ્રાય આપ્યો કે કીમ કાર્બન ડાયસલ્ફાઈડની ઝેરી અસરનો ભોગ બન્યા છે. જો કે યુનિવર્સિટી હોસ્પિટલમાં તેમની તપાસ થાય તે પહેલાં જ 5 જાન્યુઆરી 1991ને દિવસે તેમનું અવસાન થયું.
સાથી કામદારોએ લડત આપવાનું નક્કી કર્યું અને તેમનો રોગ વ્યાવસાયિક રોગ હતો તેમ ન સ્વીકારાય ત્યાં સુધી તેમના મૃતદેહને મોર્ગમાં મૂકવાનો નિર્ણય કર્યો. એમનું મરણ વ્યાવસાયિક રોગને કારણે થયું તેવુંં જાહેર કરવાની કામદારોએ માગણી કરી. કંપનીએ તે નકારી કાઢતાં કામદારો હડતાલ પર ગયા. તેમની માંગણીઓ નીચે મુજબ હતી –
- કીમબોધવાનના કુટુંબને અંતિમક્રિયાનો ખર્ચ અને વળતર ચૂકવવામાં આવે.
- આ સમસ્યાનો એપીડેમિયોલોજીકલ (રોગશાસ્ત્ર) અભ્યાસ કરો.
- કામની પરિસ્થિતિમાં સુધારા કરો.
- કામદારોને તાલીમ અને જોખમોની માહિતી આપો.
- કામદારોની તબીબી તપાસ કરો.
- વ્યાવસાયિક રોગોની તપાસ માટે હૉસ્પિટલ શરૂ કરો.
ઘણા પ્રયાસો પછી પણ આંદોલનને સફળતા ન મળી અને આખરે માર્ચના અંતમાં હવે વધુ વાટ ન જોવાનું નક્કી કરી કીમ બોંધવાનની અંતિમક્રિયા કરવાનો નિર્ણય લીધો. કીમની ઠાઠડી લઈ તેમણે જે પ્લાન્ટમાં કામ કર્યું હતું તે પ્લાન્ટ ફરતે પ્રદક્ષિણા કરવાનો કાર્યક્રમ ઘડ્યો. કંપનીએ વિરોધ કરતાં ઠાઠડીને કંપનીના ઝાંપા પાસે મૂકી ધરણાં કરવામાં આવ્યાં.
દિવસે દિવસે ત્યાં વધુ ને વધુ લોકો ભેગા થવા માંડ્યા અને ટી.વી. અને માધ્યમો દ્વારા સમાધાન માટે જાહેર મત કેળવવાનું કામ થયું. સંસદે પોતાના પ્રતિનિધિ તપાસ માટે મોકલ્યા અને કામદાર સંગઠનોએ હડતાલ પાડી. 137 દિવસ પછી 22 મેને દિવસે આખરે કીમની દફનવિધિ થઈ.
કાર્બન ડાયસલ્ફાઈડ એક રંગ અને ગંધ વગરનો વાયુ છે, જે ચામડી અને શ્ર્વાસ દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. ભારતમાં પણ ગ્વાલીયર રેયોનમાં આ વાયુની ઝેરી અસરનો ભોગ કામદારો બન્યા હતા, જે અંગે 1989માં વી.ટી.પદ્મનાભન નામના પત્રકારે અહેવાલ રજૂ કર્યો હતો અને તેની પુસ્તિકા પ્રગટ કરી હતી. તેની ઝેરી અસરને કારણે લકવો થવો, લાંબા ગાળે કિડની બગડી જવી, હૃદયરોગનો હુમલો થવો, મગજના રોગો થવા જેવી અસરો થાય છે.
કાર્બન ડાયસલ્ફાઈડ રેયોન બનાવવા માટેનો મહત્ત્વનો કાચો માલ છે. રેયોનના ધાગામાંથી હોઝીયરી વગેરે બનાવવામાં આવે છે. હવે ‘કોરીઆ ડેવલપમેન્ટ બેન્ક’ જેવી કાનૂની દેખરેખ હેઠળ કંપનીનો વહીવટ ચાલતો હતો, તેણે જાહેર કર્યું કે તે વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા દર્દીઓની સમસ્યા સામે વધુ લાંબો સમય આંખ બંધ રાખી શકશે નહીં અને તે કારણે કંપનીને આર્થિક ખોટ જાય તે ચલાવી લેશે નહીં. જુલાઈ, 1993ને દિવસે બેન્કે કંપની બંધ કરી. હવે કંપનીના કામદારોએ આ નિર્ણયની સામે આંદોલન ચાલુ કર્યું.
કામદાર સંગઠનો અને ‘વોન્જીન ઓક્યુપેશનલ ડીસીઝ કાઉન્સિલ’ દ્વારા તાળાબંધી બાદ ઊભી થનારી પરિસ્થિતિ અંગે રજૂઆત કરી. દરમિયાન દર્દીઓની સંખ્યા વધતી ચાલી. તે પછી એવી માગણીએ જોર પકડ્યું કે તમામ કામદારોની તબીબી તપાસ કરવામાં આવે અને કંપની દ્વારા ભવિષ્યમાં આવનારા દર્દીઓને વળતર ચૂકવવા માટે એક અનામત ભંડોળ રાખવામાં આવે.
બીજી માગણી હતી, આ કામદારોને વૈકલ્પિક રોજગાર મળે તેની ખાતરી મેળવવી. તાળાબંધી પછી મ્યુંગયોંગ કેથોલિક ચર્ચમાં ધરણાંનું આયોજન કર્યું. તેને કારણે વળતર ચૂકવવા અને તેનો વહીવટ કરવા ‘વોન્જીન મેનેજિંગ ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ.
5 અબજ કોરીયન કરન્સીની રકમ સાથે 28 નવેમ્બર 1993ને દિવસે વોન્જીન ફાઉન્ડેશનની નોંધણી બિનસરકારી સ્વૈચ્છિક સંસ્થા તરીકે કરવામાં આવી. દર્દીઓની સંખ્યા વધતી જતી હોવાને કારણે આ રકમ પૂરતી ન હતી. તેથી 21 એપ્રિલ 1994ને દિવસે બેન્કે કંપનીની બધી અસ્કયામતો વેચી કાઢવાનો નિર્ણય લીધો.
બધાં મશીનો ચીનને વેચી દેવામાં આવ્યાં. પછી બધી જમીન અને સ્થાયી અસ્કયામતો. જમીન વેચીને બધાં દેવાં ભર્યા બાદ 160 અબજ વધ્યા. આ નાણાંમાંથી વ્યાવસાયિક રોગો માટે હોસ્પિટલ અને લેબોરેટરી ઊભી કરવા કામદારોએ હડતાલો અને ધરણાં દ્વારા બેન્ક પર દબાણ કર્યું. તેને પરિણામે 23 એપ્રિલ, 1997ને દિવસે એક કરાર થયો.
તમને આ પણ વાંચવું ગમશે
ગુજરાતમાં સીધી રીતે ન જોઈ શકાય તેવી રીતે પ્રાણીઓ પર થતી હિંસા !
કચ્છના નાના રણમાં બનનાર રણસરોવરની પૂર્વ-ભૂમિકા અને મહત્ત્વના મુદ્દા
શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?
બેન્કે 9.6 અબજ વોન (કોરીઅન નાણું) વળતર માટે જાહેર કર્યા. આમ, આ આંદોલનને કારણે કોરીઅન કામદારોને ઘણા લાભ મળ્યા. તેમજ કામદારોની આરોગ્યની દેખભાળ માટેનો એક પાયો નંખાયો, કામદારો અને નિષ્ણાતો સાથે મળી જાહેર હિત માટે કામ કરી શકે છે તેનો એક આદર્શ સ્થાપિત થયો અને વ્યાવસાયિક આરોગ્ય માટે હૉસ્પિટલ અને લેબોરેટરી ઊભી થઈ.
1998માં આ કંપનીને કારણે વ્યાવસાયિક રોગોનો ભોગ બનેલા કામદારોની સંખ્યા 800 પર પહોંચી હતી. વોન્જીન ફાઉન્ડેશને એક મકાન ભાડે લઈને 5 જૂન, 1999ને રોજ વોન્જીન ગ્રીન હૉસ્પિટલ શરૂ કરી. તે સમયે 50 પથારીની સુવિધા હતી.
ઇન્ટરનલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, ફેમીલી મેડિસિન, પેડીયાટ્રિક, રેડિયોલોજી, ઓક્યુપેશનલ મેડીસીન, ડેન્ટીસ્ટ્રી અને કોરીઅન મેડીસીન એવા 9 વિભાગ હતા. ડો0 કીમ લોખો પહેલા નિયામક નિમાયા.
સ્પ્ટેમ્બર, 2001માં ફાઉન્ડેશને સોલ ક્રીશ્ર્ચીયન હૉસ્પિટલ હસ્તગત કરી. જુદી જુદી વિદ્યાશાખાના 23 આરોગ્ય નિષ્ણાતો, વ્યાવસાયિક આરોગ્યના 5 નિષ્ણાતો, 6 બુદ્ધિજીવીઓ, 7 સામાજિક કાર્યકરો, 7 પત્રકારો અને કલાકારો, એક દિવ્યાંગ, વોન્જીન ફાઉન્ડેશનના 9 સભ્યો, વોન્જીન ઓક્યુપેશનલ કાઉન્સિલના 6 સભ્યો અને મજૂર સંગઠનના 5 સભ્યો થઈ કુલ 80 વ્યક્તિઓની એક સમિતિ બની. અનેક પાસાં પર પારાવાર ચર્ચા વિચારણા બાદ 400 પથારીની હૉસ્પિટલ 20 સપ્ટેમ્બર, 2003ને રોજ શરૂ થઈ.
લેબર એન્વાયર્નમેન્ટ રીસર્ચ ઇનસ્ટિટ્યૂટની મદદથી 1999માં ‘વોન્જીન ઇન્સ્ટીટટ્યૂટ ઓક્યુપેશનલ એન્ડ એન્વાયર્નમેન્ટ હેલ્થ’ની સ્થાપના થઈ. 2003થી તે હાલના સ્થળે છે.
હાલ હૉસ્પિટલના જે ડાયરેક્ટર છે તે જ્યારે મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે આ ચળવળ ચાલતી હતી. તેથી તેઓ આખી બાબતને બરાબર સમજે છે.
કોરીઆમાં સ્થળાંતરિત કામદારોને કોઈ કાનૂની અધિકારો હોતા નથી. તેમને વિમો હોતો નથી. 1988માં છાપામાં પહેલી વાર અહેવાલ પ્રગટ થયો જેમાં 915 કામદારોને વ્યાવસાયિક રોગ લાગુ પડ્યો હોવાનું અને 240નાં તે કારણે મૉત થયાનું જણાવવામાં આવ્યું. 1993માં કંપની બંધ થઈ ગઈ. બિમાર કામદારોની સારવાર હવે શી રીતે ચાલુ રાખવી તે સવાલ ઊભો થયો.
કોર્ટમાં લાંબી લડત ચાલી અને પછી સમાધાન થયું. તેમાં કામદારોએ 2 કરોડ અમેરિકન ડોલર આ હોસ્પિટલની સ્થાપના કરવા આપવાની માગણી કરી, જે સ્વીકારવામાં આવી અને તે નાણાંમાંથી આ સંસ્થા ઊભી થઈ.
જે ચાર જુદાં જુદાં ક્ષેત્રોમાં સંશોધનનું કામ ચાલે છે તે છે :
- ઓક્યુપેશનલ મેડીસીન
- કેમિકલ સેન્ટર
- ઈર્ગોનોમિક સેન્ટર
- એજ્યુકેશન એન્ડ પૉલિસી સેન્ટર
ઈર્ગોનોમિક સેન્ટરના સંશોધને મસ્ક્યુલોસ્કેલીટલ (હાડકાં અને સ્નાયુના રોગો) અંગે સંશોધન કરવામાં અને તે અંગેનો કાયદો ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો.
એજ્યુકેશન એન્ડ પૉલિસી સેન્ટરે કામદાર સંગઠનોની પ્રવૃત્તિ માટે વ્યાવસાયિક આરોગ્ય અંગેની નીતિ ઘડવામાં ફાળો આપ્યો. કામદાર સંગઠન દ્વારા આગેવાની લેવાતી હોય તેવા સહભાગી સંશોધનનું મોડેલ વિકસાવ્યું. સંશોધનનું કામ ખેતી અને સેવાક્ષેત્રો સુધી વિકસાવ્યું. કામનાં સ્થળોમાં પ્રદૂષણની માત્રાનું માપન કરવાનું તેમજ કામને કારણે થતા કેન્સરનું નિદાન અને સારવારનું કામ પણ તે કરે છે.
ઝેરી રસાયણોથી સમાજને મુક્ત કરવાની ચળવળ ચલાવે છે. જોખમોનું આકલન-રીસ્ક એસેસમેન્ટ-થી લઈ નિદાન અને સારવાર સુધીનું કામ કરે છે.
પર્યાવરણ અને વ્યવસાયને કારણે થતા રોગોના નિદાન અને સારવાર, એન્વાયર્નમેન્ટલ એપીડેમીઓલોજીકલ અભ્યાસ, કામદારોના આરોગ્યની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવું, વધુ પડતું કામ, માનસિક આરોગ્ય, માહિતીનો અધિકાર, કામદાર શિક્ષણ અને વળતર જેવાં કામ કરે છે.
તેમની સામે જે પડકારો છે તેમાં વ્યાવસાયિકો – પ્રોફેશનલની સમાજમાં શી ભૂમિકા હોય ? તેઓ એક નિષ્ણાત તરીકે તો સેવા આપે જ પણ એક નાગરિક તરીકે તેમની સામાજિક ભૂમિકા પણ હોય. કામદારો અને નાગરિકો સુધીની પહોંચ શી રીતે વધારવી ? સલામતી અને આરોગ્યને ક્ષેત્રે જે અસમાનતા છે તેનું શું ? સલામતી અને આરોગ્ય સમાજ માટે એક મહત્ત્વનો મુદ્દો બને તે માટે શું કરવું ? વગેરેનો સમાવેશ થતો હોવાનું ડૉ. યુને જણાવ્યું.
કોરીઆની આ એવી પહેલી હૉસ્પિટલ છે, જે માનવ અધિકારોના ભંગનો ભોગ બનેલાને સેવા આપે છે. કામદારોની લડત ચાલતી હોય, ભૂખ હડતાલ ચાલતી હોય ત્યાં તેના કાર્યકરો પહોંચી જાય છે અને સેવા આપે છે.
કામદારો પોતાના પગારના 1% જેટલું દાન આ સંસ્થાને આપે છે. ગયા વર્ષ સુધી એ ખોટમાં ચાલતી હતી પણ હવે સરકારે સબસિડી વધારી છે તેથી હવે થોડી આવક થાય છે. 15 વર્ષ સુધી તેણે ખોટ સહન કર્યે રાખી. એક સંતર્પક અનુભવ લઈ અમે બહાર નીકળ્યા. ત્યારબાદ સેમસંગના મુખ્યાલય સમક્ષ જે સ્થળે પીડિતોએ 1023 દિવસ સુધી સતત ધરણાં કરી સફળતા મેળવી હતી તે સ્થળની મુલાકાત અને ધરણાંનો કાર્યક્રમ હતો.
– જગદીશ પટેલ