‘યુનાઇટેડ સ્ટેટ્સમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે થતાં મરણની સંખ્યા વધુ નથી’, એવું વિધાન ત્યાંના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક કર્યું. જે દિવસે તેમના દેશમાં આ વાયરસને કારણે મૃત્યઆંક 1,60,000ને પાર થઈ ગયો હતો, ત્યારે તેમણે આ કહ્યું હતું.
આ વિધાન ઘણી રીતે નિંદનીય લાગે, પરંતુ એક રીતે જોઈએ તો ટ્રમ્પના વિધાનમાં સત્ય છે. જો આપણે માત્ર યુ.એસ.માં થઈ રહેલાં મરણની કુલ સંખ્યાને ધ્યાનમાં રાખીએ એટલે કે માત્ર મૃત્યુદરને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો – યુ.એસ.ની સ્થિતિ મોટા ભાગના દેશો કરતાં વધુ સારી છે એમ કહી શકાય.
યુ.એસ.માં મૃત્યુદર લગભગ 3.3 ટકા જેટલો છે. તેની તુલનામાં, યુનાઇટેડ કિંગડમ અને ઈટાલીમાં મૃત્યુદર 14 ટકાથી વધુ અને જર્મનીમાં લગભગ 4 ટકા જેટલો છે. આથી, તેમનું વિધાન એક રીતે તો સાવ સાચું છે અને બીજી રીતે તે ખોટું પણ સાબિત થાય છે.
યુ.એસ.માં કોરોના વાયરસનો ચેપ નિયંત્રણમાં નથી – વિશ્ર્વની 4 ટકા વસ્તી ધરાવતા દેશમાં વાયરસનો મૃત્યુઆંક 22 ટકા જેટલો છે. પરંતુ અંતે તો વાત ત્યાં આવીને અટકી જાય છે કે, તમે અભ્યાસ માટે કયા ડેટા પોઇન્ટ્સ(માહિતીના બિંદુઓ) પસંદ કરો છો અને તમે કયા આંકડાઓને અગ્રતા આપો છો.
ભારત સરકાર કહેતી રહે છે કે કોરોના સામે આપણી હાલત એટલી ખરાબ નથી. આપણે ત્યાં મૃત્યુદર ઘણો ઓછો રહ્યો છે – માત્ર 2.1 ટકા – જે યુ.એસ. કરતાં પણ ઓછો છે. તેથી, આપણે ત્યાં કોરોનાનો ચેપ લાગવાનો દર ઊંચો હોઈ શકે પરંતુ, તેના પ્રમાણમાં ઓછા લોકો મરી રહ્યાં છે.
પરંતુ, સરકાર એમ પણ કહે છે કે ભારત એક વધુ વસ્તી ધરાવતો દેશ છે તેથી, તુલનાત્મક રીતે ચેપની અને મૃત્યુની સંખ્યાઓ વધુ હશે. તેથી જ, આપણે ત્યાં દરરોજ આશરે 60,000 નવા કેસ ઉમેરાઈ રહ્યા છે (આ આંકડો 6 ઓગસ્ટ આસપાસનો છે).
તેમ છતાં, દસલાખ વસ્તી દીઠ કેસોની સંખ્યા 1,400 છે – એટલે કહી શકાય કે કોરોના હજી પણ નિયંત્રણમાં છે અથવા વિશ્ર્વના અન્ય ભાગો કરતાં ઓછામાં ઓછું સંક્રમણ ફેલાયું છે. યુ.એસ.માં દસલાખ લોકો દીઠ 14,500 કેસ છે; યુ.કે.માં 4,500 છે અને સિંગાપોરમાં પણ દસલાખની વસ્તી દીઠ 9,200 કેસ છે.
આપણે ત્યાં કેસોનું પ્રમાણ ઓછું નોંધાય છે કારણ કે આપણે ત્યાં પરીક્ષણ (ટેસ્ટીંગ) જ ઓછું થાય છે, જો કે તેમાં વધારો થયો છે. હજી પણ કુલ વસ્તીના પ્રમાણમાં તે વધારો નગણ્ય છે. ઓગસ્ટ 6, 2020 સુધી, ભારતે દર હજાર લોકો પર 16 પરીક્ષણો કર્યાં જ્યારે તેની સામે યુ.એસ.એમાં 178 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું. એ બાબત સ્પષ્ટ છે કે, આપણા દેશની વસ્તી અને આર્થિક ક્ષમતાના પ્રમાણમાં યુ.એસ.ના પરીક્ષણ દર સાથે બરાબરી કરવી અશક્ય રહેવાની. આ હકીકત છતાં આપણે ત્યાં બધું બરાબર ચાલી રહ્યું છે તેવી દલીલ કરવા માટે યુ.એસ. સાથે આપણે પોતાને શા માટે સરખાવીએ છીએ?
આ બધા વચ્ચે પ્રશ્ર્ન તો એ છે કે શી ભૂલો થઈ અને હવે આપણે શું કરવું જોઈએ. આ અંગે મારું માનવું છે કે ભારતે યુ.એસ. કરતાં સારું પ્રદર્શન કર્યું છે.
આપણે ત્યાંના નેતૃત્વે શરૂઆતથી ચેપની ગંભીરતા ઓછી આંકી નથી અથવા માસ્ક પહેરવાની જરૂરિયાત અંગે મિશ્ર સંકેતો આપ્યા નથી. આ ઉપરાંત વિશ્ર્વના અન્ય ભાગોમાં સલામતી માટેની જે પદ્ધતિઓ સફળ રહી તેને અનુસરવાના પ્રયાસો કર્યા છે.
તમને આ પણ વાંચવું ગમશે
ભારતે માર્ચના અંતિમ સપ્તાહમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી, જેની ખૂબ મોટી આર્થિક કિંમત આપણે ચૂકવી રહ્યાં છીએ. આ લોકડાઉનને કારણે દેશના અતિ ગરીબ લોકોએ મોટા પ્રમાણમાં આજીવિકા ગુમાવી તેમજ જાન-માલનું નુકસાન પણ થયું.
આપણે જે કરી શકીએ તેમ હતા તે કર્યું. પરંતુ એ હકીકત છે કે વાયરસ જીતી ગયો છે – અથવા ઓછામાં ઓછો હમણાં જીતી રહ્યો છે એવું તો કહી જ શકાય. આજે આપણે વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે…. આ સમય લોકોનું ધ્યાન બીજે દોરવાનો કે ઢાંકપિછોડો કરવાનો નથી.
આનો અર્થ એ કે આપણે આપણી વ્યૂહરચનાનું વિશ્ર્લેષણ કરીને કામ કરવાની જરૂર છે – અર્થવ્યવસ્થાને ફરી જીવંત કરવા મોટી સંખ્યામાં લોકોના હાથમાં રોકડ રકમ પહોંચે તેવી વ્યવસ્થા કરવી. દેશમાં વ્યાપક સંકટ છે; ભૂખ છે; બેકારી છે; અને આજીવિકાનો અભાવ છે.
આ અંગે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. કાર્યસૂચિનો પહેલો મુદ્દો એ હોઈ શકે કે જાહેર સુવિધાનો અભાવ છે તે અંગે ધ્યાન આપવું અને તેમાં પણ જાહેર આરોગ્ય સેવાઓ અતિ મહત્ત્વની છે.
આ સેવાઓ આપણા ‘શ્રેષ્ઠ શહેરો’માં પણ નબળી છે. નહિંતર, એવું કેમ બને કે આપણા ગૃહપ્રધાન સહિતના બધા ઉચ્ચ અધિકારીઓને આરોગ્ય સેવાની જરૂર હોય ત્યારે ખાનગી સુવિધાઓનો લાભ લેવો પડે ?
એટલે કે સંદેશ સાફ છે : આરોગ્યની વાત આવે, તો આપણે આપણી સરકારી વ્યવસ્થા પર વિશ્ર્વાસ કરી શકીએ નહીં, પછી ભલેને આપણે જ તેને ચલાવતા હોઈએ. આથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, જે રાજ્યો, જિલ્લાઓ અને ગામડાઓમાં અત્યારે ચેપ વધી રહ્યો છે ત્યાં આરોગ્યસંભાળ માટેની માળખાકીય સુવિધા નહીંવત્ છે.
એક હકીકત એ પણ છે કે જાહેર આરોગ્ય વ્યવસ્થા ક્ષમતાથી વધુ બોજ ઉઠાવીને થાકી ગઈ છે. આ વાસ્તવિક કારણ છે જેને લીધે આજે વાયરસ જીતી રહ્યો છે.
ડોકટરો, નર્સો, સફાઈ કામદારો, મ્યુનિસિપલ અધિકારીઓ, પ્રયોગશાળાના ટેકનિશિયન, પોલીસ બધા દિવસ-રાત કામ કરે છે, શરૂઆતના દિવસોમાં થનારી ગણતરી હવે મહિનાઓમાં ફેરવાઈ છે. તેને મજબૂત કરવા આજે જ કામ કરવાની જરૂર છે, તેને આવતીકાલ પર ધકેલી શકાય તેમ નથી.
જાહેર માળખામાં તાત્કાલિક ધોરણે નાણાંકીય રોકાણ કરવાની જરૂર છે. પરંતુ એનો અર્થ એ પણ થાય છે કે, સરકારે પહેલાં તો આ બધી એજન્સીઓ અને સંસ્થાઓના મહત્ત્વને સ્વીકારવું પડે.
આપણે જાહેર આરોગ્યની સેવાઓને સામાન્ય દિવસોમાં અવગણીએ અને પછી જ્યારે જરૂર ઊભી થાય ત્યારે એવી અપેક્ષા રાખીએ કે ખાનગી આરોગ્ય સેવાઓ કરતાં તે વધુ સારું પ્રદર્શન કરે, તે બાબત યોગ્ય નથી.
આ માટે આગળ વધવાની વ્યૂહરચના આ મુજબની હોવી જોઈએ. જાહેર આરોગ્ય વ્યવસ્થામાં અને નગરપાલિકાઓની શાસન વ્યવસ્થામાં વધુ રોકાણ કરવામાં આવે છે. આ અંગે અવાજ ઉઠાવવાની જરૂર છે અને સાથે સાથે તેનો અમલ સુનિશ્ર્ચિત થાય તેવા પ્રયત્નો કરવા પડશે.
જાહેર સ્વાસ્થ્ય પર આપણો વર્તમાન ખર્ચ ઘણો ઓછો છે – આપણા કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના આશરે 1.28 ટકા જેટલો જ છે! તેની તુલનામાં, ચીન જાહેર આરોગ્ય પર, તેની આપણા કરતાં ઊંચી જીડીપીના આશરે 3 ટકા જેટલો ખર્ચ કરે છે. આવું તે છેલ્લાં ઘણાં વર્ષોથી કરી રહ્યું છે.
હવે આપણે આ કાર્ય પદ્ધતિને અવગણી શકીએ તેમ નથી. કોવિડ -19 એ આપણને સમજાવ્યું છે કે આરોગ્યસેવાઓને પ્રથમ સ્થાન આપવું જ રહ્યું. તેનો અર્થ એ પણ થાય કે આપણા માટે જે બાબત સૌથી વધુ મહત્ત્વની હોય ત્યાં આપણે રૂપિયા ખર્ચ કરવા જોઈએ. દૂષિત હવા, દૂષિત ખોરાક અથવા પાણી અને સ્વચ્છતાના અભાવને લીધે ફેલાઈ રહેલી બીમારીઓને નાથવી જરૂરી છે. આ બધું આપણા જ સ્વાસ્થ્ય માટે છે; આપણા દેશ માટે છે.
(ડાઉન ટુ અર્થમાંથી સાભાર અનુવાદિત) – સુનીતા નારાયણ