વાતુંની યાદી !
ગરીબની વાતું
ભૂખની વાતું
પ્યાસની વાતું
ખેડૂતની વાતું
મજૂરની વાતું
શ્રમિકની વાતું
શિક્ષકની વાતું
નર્સની વાતું
ગૃહિણીની વાતું
બાળકની વાતું
તબીબોની વાતું
સંશોધકોની વાતું
શાકવાળાની વાતું
કરિયાણા ને દવાની દુકાનોની વાતું
સેક્સવર્કર્સની વાતું
એઈડ્સની વાતું
સફાઈ કામદારોની વાતું
માનસિક-શારીરિક રીતે પડકારભરી જિંદગી જીવતા લોકોની વાતું
એમની સંભાળ રાખતાં સ્વજનોની વાતું
કુટુંબ પ્રેમની વાતું
સંવાદ-વિખવાદની વાતું
રાજા ને રંકની વાતું
કોરોના કાળની વાતું
ગૌરાંગ જાની લિખિત કેતન રૂપેરા સંપાદિત પુસ્તક ‘કોરોના : બિંબ-પ્રતિબિંબ : વાત લોકડાઉનની’ના પાના નંબર 92 પર ઉમેરણની છૂટ સાથે વાતુંની યાદી આપી છે. પુસ્તકમાં એમણે કોરોનાકાળની તૃણમૂળથી વૈશ્ર્વિક સ્તરની વાતું માંડી છે. આમ તો ઝલક છે છતાં એ ગાગરમાં સાગર છે. મહત્ત્વ એટલે છે કે એ અધિકૃત સમાજશાસ્ત્રી દ્વારા લખાયેલી છે, જ્યાં કાવ્યો, ઘટનાઓ અને લેખો છે પણ કવિની કોઈ પરિકલ્પના નથી. વાસ્તવવાદી કાવ્યો છે.
અધિકૃત આંકડાઓ, વર્તમાનપત્રોના સમાચારો, સમાજસેવી સંસ્થાઓના અનુભવો, શિક્ષકોથી લઈ પોલીસ સુધીના વ્યવસ્થાતંત્ર વિશે કોરોના ડાયરી અને લેખો સંકલિત થયાં છે. માર્ચથી મે સુધીનો સમયખંડ આવરી લેવાયો છે. અઢાર પાનાં ડાયરીનાં, બાર લેખો (ફૂલછાબમાં પ્રકાશિત) અને એકત્રીસ કાવ્યો સંદર્ભસૂચિ સાથે એકસો દસ પાનાંમાં સંકલિત છે. પોતાનાં મા સહનબેન અને સાસુમા મૃદુલાબહેનને પુસ્તક અર્પણ થયું છે. કોરોનાકાળમાં જીવનસંગિની હર્ષા અને દીકરા અણમોલના સાંનિધ્યમાં લખાયેલું પુસ્તક છે. કેતન રૂપેરાએ એને ધ્યાનાકર્ષક રીતે પ્રસ્તુત કર્યું છે.
તાઈવાનના ચેનની કામગીરી હોય કે બારસો કિલોમીટર સાઈકલ ચલાવીને પિતાને વતન સુધી લઈ જનાર ભારતીય બેટી જ્યોતિ હોય, કે કચ્છના અંતરિયાળ ગામમાં વસતા ઘનશ્યામ ગુરુની કથા હોય – અહીં એની નોંધ નજરે ચડે છે.
સેક્સવર્કર્સની વિટંબણા કે વિડંબના, ઘરમાં રહેતી ગૃહિણીઓની વધી ગયેલી કામગીરી, ઓનલાઈન ભણવાની ને ભણાવવાની વાત, પાણીની સમસ્યા, બંગલામાં કે મોટાં ઘરોમાં રહેનારાંની સુવિધા અને લાખોની સંખ્યામાં પગપાળા વતનની વાટે ચાલી નીકળેલા શ્રમિક પરિવારોની બેહાલી અને મુશ્કેલીની વ્યથાકથાની વાત ગૌરાંગભાઈએ લખી છે.
એ વાંચતાં અમને અમૃત ગંગરની કોરાના સંબંધિત ‘માઇગ્રન્ટ વર્કર્સ ડિસ્કોર્સ’ની પણ યાદ આવતી રહી, કોરોના કથાનો પહેલો દિવસ અને છેલ્લો દિવસ આ બે વચ્ચે જે ફરક નોંધાયો તે આંકડા સાથે મળે છે.
અમદાવાદનું વિશ્ર્લેષણ છે, તો સો વર્ષ પહેલાંની પ્લેગની મહામારીની વાતો, આદરણીય બાળગંગાધર તિલકની નિસબત, વર્તમાન સમયની વાસ્તવિકતાનું ચિત્રણ કરવાનું પણ લેખક ચૂક્યા નથી. પુસ્તકમાં ચિત્રો પણ છે.
સમયને અનુરૂપ મિજાજમાં અભિવ્યક્તિ છે એટલે રંગો શ્ર્વેતશ્યામ છે. અભ્યાસીઓને માટે માર્ગદર્શક પુસ્તક છે. અભ્યાસીએ લખ્યું છે એટલે સામાન્ય વ્યક્તિને ન સમજાય એવું નથી. સ્વૈચ્છિક સંસ્થાઓનાં કાર્યકર્તાઓ માટે પણ એ ઉપયોગી છે.
મેં તો ફેસબુક પર પણ વાંચ્યું હતું છતાં પુસ્તક રૂપે હાથમાં આવે એટલે વાંચવાનું માફક આવે. એનું બૂકમાર્ક પણ નોંધવા જેવું છે. ઇંગ્લેન્ડના બોલી માર્ક વુડનું અવતરણ છે ! “એક એવો પણ સમય હતો કે પ્રોફેશનલ ખેલાડીઓ પોતાની જ દુનિયામાં જીવતા હતા. પરંતુ કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ આ પરપોટો ફોડી નાંખ્યો છે. હું ઇંગ્લેન્ડ તરફથી રમ્યો હોવાના કારણે બચી જઈશ એવું નથી.
હું પણ સુપર માર્કેટની પાછળ લાઈનમાં ઊભો હતો ! (બીબીસી. 7/4/2020) અંતિમ પૃષ્ઠ પર મૂકેલી માહિતી કોષ્ટકની નોંધ લેતાં કહી શકું કે આ સર્વસમાવેશક વાંચનસામગ્રી છે.
‘લોકડાઉન લૂૂક લોકડાઉન ભૂખનાં આંતરની !’ ગૌરાંગની નવ્ય વિભાવનાને કોરોનાકાળની વિવિધ ગતિવિધિ દ્વારા બિંબ-પ્રતિબિંબ રૂપે આબેહૂબ જોવાથી વાચક તરીકે ખબર પણ પડે કે આપણો ચહેરો કેવો છે ! આ બકુલિકા સાથે સમાપન :
લોકડાઉન લૂકને લોકડાઉન ભૂખ
બિંબ-પ્રતિબિંબ થકી પ્રગટી એ ભૂખ
એક તરફ સુખાળવું બિંબ
બીજી તરફ ભુખાળવું પ્રતિબિંબ
બસ, આમ સામે આવી બધી ભૂખ !
– બકુલા ઘાસવાલા
પ્રકાશક : અણમોલ પ્રકાશન : 13/152, પરિશ્રમ એપાર્ટમેન્ટ, ઠાકરશી હોસ્પિટલ સામે, સેટેલાઈટ, અમદાવાદ-380015.
મૂલ્ય રૂ. 225/-.
પ્રાપ્તિ સ્થાન :
ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ,
આશ્રમમાર્ગ,
અમદાવાદ. ફોન : 7926587949