ફાધર વાલેસ વિશેની થોડી વાતો….

જાણીતા ગુજરાતી લેખક અને સવાયા ગુજરાતી તરીકે જાણીતા ફાધર વાલેસનું  8મી નવેમ્બર, 2020ના રોજ સ્પેનમાં અવસાન થયું.  ચોથી નવેમ્બરના રોજ તેમણે 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ થોડા સમય પહેલાં પડી ગયા હતા અને તેમને ઈજા થઈ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે સરળ ગુજરાતી ભાષામાં લખાણ દ્વારા લોકોમાં નૈતિક ઘડતરનું કામ સતત કર્યું. ફાધર વાલેસને સ્મૃતિ વંદન  કરીને તેમના જીવન-સાહિત્યનો પરિચય મેળવીએ.

ફાધર વાલેસનો પરિચય એમના જ શબ્દોમાં

મારો જન્મ સ્પેનમાં 4/11/19રપના રોજ થયેલ. પંદર વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને ઈસુસંઘની સાધુ-સંસ્થામાં જોડાયો, ને લાંબી તાલીમ પછી સંઘમાં આજીવન બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને આજ્ઞાપાલનનાં જાહેર વ્રત લીધાં. ગ્રીક પ્રશિષ્ટ સાહિત્યમાં અને પ્રાચીન-અર્વાચીન તત્ત્વજ્ઞાનમાં ડિગ્રીઓ પ્રાપ્ત કરી.

1949માં ભારત આવ્યો, મદ્રાસમાં ગણિત સાથે એમ.એ.ની ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો પરિચય, પૂનામાં વિશ્ર્વધર્મોનો અભ્યાસ. 1960માં અમદાવાદ આવીને ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ગણિતનાં પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો, ગણિતનાં આંતરરાષ્ટ્રિય સંમેલનોમાં (રશિયામાં, ફાન્સમાં અને ઇંગ્લેન્ડમાં) ભાગ લીધો.

મારું પહેલું પુસ્તક ‘સદાચાર’. ત્યાર પછી ‘કુમાર’માં, ‘જનકલ્યાણુ’માં, ‘સુવિચાર’માં અને ‘ગુજરાત સમાચાર’માં લેખમાળાઓ ચાલી. ત્રીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. કેટલાંકને ઇનામો પણ મળ્યાં છે; 1966માં ‘કુમાર ચંદ્રક’ અને 1968માં ગુજરાતી સાહિત્ય પરિષદનો ‘શ્રીઅરવિંદ સુવર્ણ ચંદ્રક’ પણ મળ્યા. ભારતીય નાગરિકત્વ પણ હવે મળ્યું છે.

આત્મત્યાગ અને લોકસંપર્કની ભાવનાથી 1973થી કૉલેજનું મારું રહેઠાણ છોડીને અમદાવાદની પોળોમાં વિહારયાત્રા શરૂ કરી. મધ્યમ વર્ગનાં કુટુંબની પાસે આતિથ્યની ભિક્ષા માંગીને, એમની સાથે અને એમની જેમ રહીને, અને થોડા થોડા દિવસે ઘર બદલીને રખડતા મહેમાન તરીકે જાઉં છું. ગણિતનું કામ ચાલુ છે. લખવાનું કામ ચાલુ છે. ધર્મની સાધના પણ ચાલુ છે. પ્રભુની કૃપાથી અને લોકોના સહકારથી ચાલુ જ રાખવાનો દિલનો સંકલ્પ છે.

ફાધર વાલેસની જીવનયાત્રાની સાહિત્ય યાત્રા :

સાહિત્યમાં ફાધર વાલેસનું મુખ્ય પ્રદાન : અંગ્રેજીમાં સિત્તેરથી વધુ પુસ્તકો; ગુજરાતીમાં પચાસથી વધુ. ગણિત વિષયનાં પાઠ્યપુસ્તકોમાં લેખન. ઇનામ-પારિતોષિક : રણજિતરામ સુવર્ણચંદ્રક (વિદેશની વ્યક્તિને પ્રથમ વખત- 1978), નિબંધસંગ્રહો માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સળંગ પાંચ વર્ષ સુધી પારિતોષિક (પાંચ વખતથી વધુ ન આપી શકાય તેવો નિયમ છે).

1973થી અમદાવાદની પોળોમાં વિહારયાત્રાના અનુભવો અંગેનાં બે પુસ્તકો થયાં.

 1. વિહારયાત્રા : પોળે પોળે
 2. વિહારયાત્રા-2 : ઘેર ઘેર સોનાના ચૂલા.

1999માં 74 વર્ષની વયે તેમણે સ્પેનિશ અને અંગ્રેજી ભાષામાં પોતાની વેબસાઈટ શરૂ કરી હતી. વર્ષો સુધી નિયમિત રીતે તેઓ વેબસાઈટ http://www.carlosvalles.com/ningles/indexing.htm નું સંચાલન કરતા.


તમને આ પણ વાંચવું ગમશે


ફાધર વાલેસનાં કેટલાંક જાણીતાં પુસ્તકો :

 • ગાંધીજી અને નવી પેઢી
 • લગ્નસાગર
 • પરદેશ 
 • વ્યક્તિઘડતર
 • શબ્દલોક
 • હૃદયધર્મ
 • સમાજઘડતર
 • ફાધર વાલેસ લેખસંચય : 
  1. વ્યક્તિ,
  2. કુટુંબ,
  3. સમાજ,
  4. ધર્મ,
  5. જીવન

ફાધર વાલેસના જીવન-વિચારનો પરિચય કરાવતાં તેમનાં જ લખાણો :

પહેલું પુસ્તક :

સાહિત્ય લખવાનો કોઈ દાવો નહોતો ને લેખક કહેવડાવવાની કોઈ આકાંક્ષા નહોતી. પણ વિદ્યાર્થીઓના હાથમાં કંઈક મૂકવું હતું જેથી એ વિચાર કરતા થાય. એટલે કંઈક લખ્યું, સુધાર્યું, નકલો કરાવી, જુદાં જુદાં પરબીડિયાં ઉપર સારા અક્ષરે મોટા મોટા પ્રકાશકોનાં સરનામાં લખીને નકલો રવાના કરી અને કંઈક ફફડાટની સાથે એમના જવાબોની રાહ જોતો બેઠો. કેટલાકે જવાબ જ ન આપ્યો. કેટલાકે વિવેક બતાવ્યો પણ સ્વીકાર ન કર્યો. કેટલાકે એક જ શબ્દ લખીને હસ્તપ્રત પાછી મોકલી : ‘અસ્વીકાર્ય’. ઠીક. ખોટું લાગ્યું. એક પણ જવાબમાં આશા નહોતી, પ્રોત્સાહનનો એક પણ શબ્દ નહોતો. એટલે પૂરી ફજેતી થઈ. ત્યારે લાગ્યું કે હવે રૂબરૂ જઈને સીધી વિનંતી કર્યા વગર બીજો રસ્તો નથી. એ તો ભીખ માગવા જેવું થાય એટલે રુચે તો નહિ.

પોતાની કૃતિ હાથમાં લઈને પ્રકાશક મહોદયની પાસે જવું અને, “મેં એક ખૂબ સુંદર પુસ્તક લખ્યું છે તે આપ પ્રકાશિત કરવાનો અનુગ્રહ કરજો, એવી દીનતાભરી આજીજી કરવી એ કોઈને ગમે એવું કામ નથી. પણ અભિમાન ગળી જઈને કરવું પડ્યું. સંકોચ તો થયો. શરમ લાગી. પણ કંઈ વળ્યું નહિ. કોઈ પણ પ્રકાશક તૈયાર ન થયો.

અજાણ્યા લેખકનું પુસ્તક કોણ છાપે ? પુસ્તક કોઈ વિશ્ર્વસાહિત્યનો મહાગ્રંથ તો નથી, પણ મને શ્રદ્ધા હતી કે છાપવા જેવું જરૂર છે. પણ શ્રદ્ધા સિવાય મારી પાસે બીજું કંઈ નહોતું. અને શ્રદ્ધા પ્રકાશકના કામની નહોતી. એક અનુભવી પ્રકાશકે હાથમાં હસ્તપ્રત લઈને મારી સામે દયાની નજરે જોઈને કહ્યું : ‘આ પુસ્તક કોઈ વાંચવાનું નથી. આવું લખાણ કોણ વાંચે ?’

એક તરફ મારી શ્રદ્ધા હતી ને બીજી તરફ એમનો અનુભવ હતો. હું શો જવાબ આપું ? હું ચૂપ રહીને પાછો ફર્યો. હા, જે નકામું લખાણ કોઈ વાંચવાનું નહોતું એ પુસ્તકની હવે સાત આવૃત્તિઓ થઈ છે, એટલે હજારો વાચકોએ વાંચ્યું હશે. પણ એ વખતે એ ભવિષ્યવાણી કોણ ભાખી શકત ? એટલે લાચારી હતી. ભીખ માગી, પણ પાત્ર ખાલી રહ્યું. પુસ્તક અનાથ રહ્યું.

કોઈ પ્રકાશક ન મળ્યો. છેવટે મિત્રોની પાસેથી થોડા પૈસા લઈને એમને ખર્ચે અને મારે નામે પુસ્તક જેમતેમ છપાવ્યું. મનમાં થયું કે આ મારું પહેલું પુસ્તક હશે અને છેલ્લું પણ હશે. પણ હવે પચીસ જેટલાં પુસ્તકો છપાયાં છે. હવે પ્રકાશકોનો અનુગ્રહ છે.

પહેલું પુસ્તક અઘરું હતું, વળી લખવામાં, છપાવવામાં અને પ્રસિદ્ધ કરાવવામાં અઘરું હતું. પણ બીજાં સહેલાં થયાં, શરૂ કરો એટલી જ વાર, ચાલુ કરો એટલી જ શરત. સફળતાનો રસ્તો લાંબો છે અને શરૂઆતમાં જ વિશેષ કષ્ટ પડે છે. બધાને પડ્યું છે. પાછળની સફળતામાં શરૂઆતનો ત્રાસ ભુલાઈ જાય છે.

દિવસનું ચક :

હું શિક્ષક છું. દૂરથી આવ્યો છું. ગણિત ભણાવું છું. જીવન સામાન્ય છે. સવારે પ્રાર્થના ને અભ્યાસ. દિવસે વર્ગોની વણઝાર. કોલેજ પછી વિદ્યાર્થીઓના સંપર્ક, તેમના કાગળ, તેમની મુલાકાતો, તેમની સાથે થોડી ચર્ચા ને થોડી પ્રાર્થના. પછી એકાદ વ્યાખ્યાન કે એકાદ લેખની તૈયારી, એટલે એક દિવસનું ચક પૂરું થયું.

આ જીવનથી મને સંતોષ છે, આનંદ છે, ઉત્સાહ છે, કૃતાર્થતા છે. હા, આ શ્રદ્ધાની પ્રતીતિ, આ કૃતાર્થતાની લાગણી કેવળ ગણિત ભણાવવાથી તો આવતી નથી. એ તો સ્થૂળ કાર્ય છે. એ કામ જરૂરી છે પણ ફક્ત શરૂઆત છે, પાયો છે. હવે એ પાયા પર આખું જે જીવન બંધાયેલું છે એ જ મહત્ત્વનું છે.

હું સવારે વિદ્યાર્થીઓના ટોળામાંથી પસાર થઈને વર્ગમાં જાઉં છું ત્યારે બધાના ચહેરા ઉપર જુદા જુદા ભાવ અંકાયેલા દેખું છું. જાણું છું કે એકને ઘેર દુ:ખ છે, બીજાને અભ્યાસની ભારે ચિંતા છે, ત્રીજાને આર્થિક મુશ્કેલીઓ છે. અને મારા હોઠ ઉપર હું સ્મિત લાવું (કોઈ વખત એ માટે સભાન પ્રયત્ન કરવો પડે તોપણ), મનમાં ને મનમાં ભગવાનને યાદ કરીને તેના દિવ્ય પ્રેમનો પડઘો પાડવા પ્રયત્ન કરું, ત્યારે એ વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ આપોઆપ સ્મિત ખીલતાં જોઉં છું.

એકને આશ્ર્વાસનની એકબે વાતો કરી એટલે એનું દુ:ખ કંઈક ઓછું થયું; બીજાને ઉત્તેજન આપ્યું એટલે એનું મન પ્રફુલ્લિત થઈ ગયું; ત્રીજાને પ્રેમથી ચેતવણી આપી એટલે એ સમજીને સામો આભાર માનીને ફરીથી એવી ભૂલ ન કરવાનો દિલનો નિર્ણય એણે બતાવ્યો.

ભણાવું, (એમ તો પરીક્ષા લક્ષમાં રાખીને કરવું પડે છે ને !) પરંતુ એમાંય વિશાળ દષ્ટિ આપવા પ્રયત્ન કરું છું. દરેક પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બને એ માટે અનુરોધ કરું છું. આટલું ભણીને જનતાની કેટલી સેવા કરી શકશો, સમાજને કેટલા ઉપયોગી થઈ શકશો, એનું ભાન સતત કરાવું છું.

આજનાં નાનાં કામમાં ભાવિ આદર્શનો ઉત્સાહ રેડવા પ્રયત્ન કરું છું. અને બને તેટલા ઉત્સાહી યુવાનોને એ જીવનનો સંદેશ મળી શકે એ માટે જે કાંઈ સમય મળે (કે ન મળે) એમાં કલમ હાથમાં લઈને કંઈક લખતા રહેવા પણ કોશિશ કરું છું. આમ દિવસો જાય છે. પણ દિવસનું ચક્ર પૂરું થાય ત્યારે મનમાં સંતોષ રહે છે અને જીવન જીવવા જેવું લાગે છે.

(‘ફાધર વાલેસ સાથે વાચનયાત્રા’ તેમજ તેમનાં અન્ય પુસ્તકમાંથી સંકલિત રજૂઆત)


તમને આ પણ વાંચવું ગમશે


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s