ભાનુભાઈ મિસ્ત્રી : કાર્યનિષ્ઠાથી ઓતપ્રોત પ્રસન્‍ન કાર્યકર

૧૮ ઓગસ્ટ ૨૦૨૦ની વહેલી સવારે ભાનુભાઈએ દેહ છોડયો. પરિવારજનોએ, મિત્રોએ, સામાજિક કાર્યકરોએ, સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO’s) એ સાત્યપૂર્વક હસતો એક ચહેરો ગુમાવ્યો. નામ “ભાનુ’ પણ શિતળતા ચંદ્રસમી ! ‘Down To Earth’ કામ કરનારા ખૂબ ઓછા મિત્રોમાંથી એક જ્ઞાનસંપન્ન તારાનો વિલય થયો.

જીવનયાત્રા

શ્રી રમણલાલભાઈ અને સુશીલાબહેનના પરિવારમાં તા. ૫-૧૦-૧૯૫૪ના રોજ ભાનુભાઈનો જન્મ થયો. પરિવાર આર્થિક રીતે પ્રમાણમાં નબળો ગણી શકાય. બાંધકામ તેમજ સામાન્ય નોકરી દ્રારા પિતા પરિવાર ચલાવતા હતા. ભાનુભાઈએ બાળપણ ગરીબીમાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પસાર કર્યું. અનુપમ વિદ્યાલયમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવી, અમદાવાદમાં જ વર્ષ ૧૯૦૫માં Civil Engineeringમાં ડિપ્લોમા ડિગ્રી પ્રાપ્ત કરી. ભણવામાં હોંશિયાર. વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લેતા. ચિત્રકામમાં ગુજરાત લેવલે ઈનામ મેળવ્યું હતું. ભાનુભાઈએ 6-૫-૧૯૭૭ના રજ તિલાબહેન સાથે લગ્ન કર્યા. થોડોક સમય સરકારી નોકરી તેમજ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં કામ કર્યા. પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ લોકો સુધી પહોંચે, કંઈક સેવા કરવાનો લાભ મળે તેમ માની તે નોકરી છોડી. જીવનના ચાર દાયકા સામાજિક ક્ષેત્રે સેવામાં વિતાવ્યા.

ભાનુભાઈએ આર્થિક ઉન્નતિને સામે ન રાખી પરિવારનું પોષણ થાય તેટલી આવકમાંથી સંતોષ માની ક્યારેય સેવાક્ષેત્ર છોડ્યું નહીં.

કાર્યક્ષેત્રો

ભાનુભાઈ જે વ્યક્તિ સાથે કે સંસ્થા સાથે જોડાય તેની સાથે સદાને માટે સંબંધો જાળવે. સંસ્થા છોડી કે ઓફિસ છોડી એટલે સંબંધો શૂન્ય બનવાના સ્થાને વિસ્તૃત બનતા રહ્યા. તેમણે જે સંસ્થાઓ સાથે કામ કર્યું તેની થોડી યાદી આવી થાય.

 • વર્ષ ૧૯૮થી ૧૯૯૪ અમદાવાદ સ્ટડી એકશન ગ્રુપ – અસાગ સાથે.
 • વર્ષ ૧૯૮૧થી ૧૯૯૩ વાલોડ અંત્યોદય ગૃહનિર્માણ યોજનામાં.
 • વર્ષ ૧૯૯૩ થી ૧૯૯૫ મહારાષ્ટ્રમાં ૩0 સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ ભયંકર ભૂકંપમાં લાતુર વિસ્તારમાં મોટી સંખ્યામાં આવાસોને નુકસાન થયું હતું. તેથી આવાસરચનામાં માર્ગદર્શન આપવાનું કામ કર્યુ.
 • ઉન્નતિ સાથે રહીને વર્ષ ૧૯૯૮થી જાન્યુઆરી ૨૦૦૧ પંચાયત ક્ષેત્રમાં માર્ગદર્શન તેમજ તે સાથે સંકળાયેલાં ક્ષેત્રોમાં કામ કર્યું. ઉન્નતિ સંસ્થા.
 • વર્ષ ૨૦૦૧માં કચ્છમાં ભૂકંપ આવ્યો. ભચાઉમાં ૨૦૦૧થી ૨૦૦૪ રહ્યા. રાહતનાં કામો  પુનઃર્વસનનાં કામો ‘ઉન્નતિ’ સાથે રહીને કર્યાં. “ટેક્નોલોજી પાર્ક’ બનાવ્યો.
 • વર્ષ ૨૦૦૬ પછી Disaster Preparedness Learning Centre- કચ્છ ચાલુ કર્યું.
 • વર્ષર૨૦૧૧-૨૦૧૨ આગાખાન ટ્રસ્‍ટ, રાજકોટ આવાસ સુધારણા કાર્યક્રમ – જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગરમાં ટેકનિકલ સલાહકાર રહ્યા.
 • વર્ષ ૨૦૧૩થી Cohesion Foundationમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ ચાલુ રાખ્યું.

આ છે તેમના વિશાળ કાર્યફ્લક પર ઊડતી નજર. ટૂંકાણમાં આપીનેભાનુભાઈના કામની રજૂઆતને અન્યાય કર્યો છે. એક એક કામ માટે એક એક લેખ તૈયાર થાય. લંબાણ ટાળવા આટલાથી સંતોષ માનીએ.

ભાનુભાઈ અને પરિવાર

ભાનુભાઈના જીવનસાથી તિલાબહેન. દીકરો આનંદ. દીકરી સેજલ, આનંદનાં પત્ની ઝરણાબહેન. ભાઈઓમાં મોટા ભાઈ ભૂપેન્દ્ર, મોટી બહેન નિરંજનાબહેન. નાના ભાઈઓ રામકૃષ્ણ અને બાલકૃષ્ણ. આશરે ૧૫૦ કુટુંબોનો બહોળો પરિવાર.

ભાનુભાઈ પરિવારજનોની સેવા માંટે સદ્ય તૈયાર. તિલાબહેને ભાનુભાઈને સંપૂર્ણ સહયોગ આપ્યો છે. પરિવારમાં વાત થાય ત્યારે પરિવારજનો કહે, “ચરણરજ લેવા જેવું વ્યક્તિત્વ ભાનુભાઈ ધરાવે છે.’ આ ભાનુભાઈની સેવાને અંજલિ આપતો ઉદ્ગાર છે, જે દિલમાંથી સહજભાવે નીકળ્યો છે.

ભાનુભાઈ અને મિત્રોનો વ્યાપક પરિવાર

અમદાવાદના મિત્રો દ્રારા જાણ્યું કે ભાનુભાઈને કોરોના થયો છે. ત્યારે મોટા ભાગના એમ જ માનીને ચાલ્યા કે અનેકને થાય છે અને થોડા દિવસમાં નોર્મલ થઈ જાય છે. પરંતુ શરૂઆતના ઓગસ્ટના ૧૫ દિવસ ખૂબ જ કપરા ગયા. કલાકે કલાકે મિત્રોના દિલની ધડકન વધતી જતી હતી. કોનાં નામ નોંધીએ અને કોને ભૂલીએ ? સંજય દવે, રાજેશ ભટ્ટ, વિવેક અલકા, રાજેન્દ્ર રૂપલ, પ્રણવ દિનકર દવે, વિનય ચારુલ, કલાબહેન, મિત, જયદી, ગીતાબહેન, કે. સુધીર, દઢણિયા શાંતિલાલ, વિનોદિની ભટ્ટ, કિર્તી શાહ (અસાગ), મનસુખભાઈ સલ્લા, સુષ્માબહેન અને કચ્છના મિત્રો…

કોરોનાના વોર્ડમાં તો જવાય નહીં. ડોક્ટરનો ફોન આવે એટલે ક્યારેક આશાનો ગ્રાફ ચડે કે ભાનુભાઈ જરૂર આપણી વચ્ચે પાછા આવશે પરંતુ સ્હેજ ચેતવણીનો, સાવધાનીનો સંદેશ આવે અને નિરાશાની ખાઈમાં સૌ પટકાઈ પડે. ક્યારેક મન મનાવે – કેટલીક વ્યક્તિ ઓછા ઓક્સિજન લેવલ પછી પણ નોર્મલ થઈ જતી હોય છે.

પણ આ બધા વચ્ચે ભાનુભાઈ ગયા. ક્યાં ગયા ? દિનકર દવે વર્ષ ૨૦૧૮માં ગયા. ભાનુભાઈ વર્ષ ૨૦૨૦માં માત્ર અઢી વર્ષના ગાળામાં જ ગયા. દિનકરભાઈ આમ તો ભાનુભાઈ કરતાં ૧૫ વર્ષ મોટા હતા. પણ બે જણની મૈત્રીએ ઉંમરને ઓગાળી નાંખી હતી. દેહથી ભિન્ન બે મિત્રોના આત્માઓનું સંધાન થઈ ગયું. હજુ તો વર્ષ ૨૦૧૯માં ભાનુભાઈએ “રચના અને સમન્વયનો સૈનિક દિનકર’ નામનું સરસ મઝાનું પુસ્તક તૈયાર ક્યું. લાગે છે, ૨૦૨૦માં પુસ્તકની પ્રત હરખભેર હાથોહાથ દિનકરભાઈને આપવા પહોંચી ગયા !

દવે-મિસ્ત્રી પરિવાર

દિનકરભાઈ દવેના જીવનસાથી જયશ્રીબહેન લખે છે – વર્ષ ૧૯૮૨ મેમાં પહેલી વાર ભાનુભાઈ વાલોડ મળ્યા. ગૃહપ્રવેશ કરતા તરત બોલ્યા -કેમ છો જયશ્રીબહેન ! લાગ્યું, જાણે કોઈ વર્ષોના સંબંધવાળી વ્યક્તિને મળી રહ્યા છીએ. તે દિવસથી મિસ્ત્રી-દવે પરિવાર એક બન્યું. આમ તો આવ્યા હતા ઈજનેરની ભૂમિકા અદા કરવા માટે, પણ છેવાડાના લોકોને તરત પારખી ગયા. લોકાભિમુખ થઈ ગયા. આદિવાસીની નાનામાં નાની જરૂરિયાતો સમજી ગયા. તેમના આવાસમાં પશુધન જાળવણીની સગવડનો ખ્યાલ રાખવો જ રહ્યો. આવ્યા હતા, સીવિલ એન્જિનિયરિંગ કરવા, પણ બની ગયા સોશ્યલ એન્જિનિયર !

બંને મિત્રો સવારે ચા પીવા બેસે ત્યારે ભાનુભાઈનો અમદાવાદી મજાકિયો સ્વભાવ અને દિનકરભાઈની કાઠિયાવાડી ટીખળની મઝા માણવા મળે. ઘરમાં હાસ્યની છોળો ઊડતી. ભાનુભાઈ નિખાલસ, ગણીસભર, કર્મનિષ્ઠ, બધાને માટે સમભાવ દાખવનારા હતા. સારા-માઠા પ્રસંગે સાથે ઊભા રહેવાવાળા. અમારો ૩૫-૩૮ વર્ષનો નિઃસ્વાર્થ, નિર્વિવાદ પરિપક્વ  મૈત્રીનો નાતો અકબંધ રહ્યો. અમારી આગળની પેઢીમાં પણ તે ઊતર્યો  છે. દિનકરભાઈના દીકરા પ્રણવે લખ્યું – ‘“એક રજકણ જેવડું કોરોનડું આપણા ‘*ભાનુ’ (સૂર્યને ગળી ગયું !”

રાજેન્દ્ર-રૂપલ

રાજેન્દ્ર રૂપલને આપણે ધરતીકંપ અને આવાસરચનાના એક ઈજનેર તરીકે ઓળખીએ છીએ. તેમના પરિવારને પણ ઓળખવા જેવો છે. પિતા VJTI માં ભણી રેડિયો ઈજનેર બન્યા હતા. તેઓ મુંબઈમાં વર્ષો સુધી મણિભુવનના સંચાલક ઉષાબહેન મહેતાના મામા થાય. ભારત છોડો આંદોલનમાં ઉષાબહેને ખાનગી રેડિયો ચાલુ કર્યો હતો. આ તૈયારીમાં રાજેન્દ્રભાઈના પિતાનો પણ હાથ હતો. ઉષાબહેન સાથે તેમણે પણ જેલવાસ ભોગવ્યો હતો.

રાજેન્દ્રભાઈ કહે છે, અમે અમેરિકાથી આવ્યા બાદ ૧૯૮૪માં ગુજરાતની સંસ્થાઓ જોવા નીકળ્યા હતા. વાલોડ, જ્યાં દિનકરભાઈ, ભાનુભાઈ કામ કરતા હતા ત્યાં પણ ગયા હતા. આ મિત્રોએ અમને વાલોડ ખેંચવા પ્રયત્ન કર્યો હતો, અમને પણ ગમ્યું હતું. પણ વચ્ચે અમે ૧૯૮૫માં વર્ધાના ગ્રામવિકાસ માટેના સાયન્સ સેન્ટર – Centre of Science For Village  , જે દેવેન્દ્રકુમારે સ્થાપ્યું હતું ત્યાં સ્થાનિક કાચામાલમાંથી મકાનોના નિર્માણના પ્રયોગો કરતા. માટે ત્યાં દોઢ વર્ષ રહ્યા. દિનકરભાઈ અમને વાલોડ આવવા સમજાવવા માટે એક વખત મુંબઈ પણ મળવા આવી ગયા. આ વાલોડના મિત્રો અમને  ૧૯૮૪માં વાલોડ ભાનુભાઈ મિસ્ત્રી… ખેંચી લાવીને જ રહ્યા. અમારા મનમાં પણ આ ઇચ્છા તો હતી જ. ત્યારથી દવે-મિસ્ત્રી પરિવાર સાથે અમે પણ જોડાઈ જ ગયો.

અમને જ્યારે બજાજ એવોર્ડ મળ્યો ત્યારે અમે જણાવ્યું કે આ એવોર્ડ અમારા ઘણા બધા સાથીઓના સહકારથી શક્ય બન્યો છે, તેમાં અમારે ભાનુભાઈ દિનકરભાઈનું નામ લેવું જ પડે તેમ છે. ટેકનોલોજી સાથે માનવીય પાસાનું જોડાણ, લોકભાગીદારીની અગત્યતા વગેરેના ખૂબ જ મહત્ત્વના આયામની સમજ આ મિત્રોના કારણે વધારે સ્પષ્ટ થઈ.

મનસુખભાઈ સલ્લા

ભાનુભાઈની ઓળખ મિત્ર દિનકર દવેના કારણે થઈ. દિનકરભાઈ સાથે મારો ૫૮ વર્ષનો સંબંધ રહ્યો હતો.

ભાનુભાઈના સહજ હાસ્ય અને સરળ સ્વભાવના કારણે મૈત્રી તરત જ બંધાઈ જાય. ભાનુભાઈ પોતાના ઉપર, સામેના ઉપર, પરિસ્થિતિ ઉપર, કોઈ વાંકો ચાલે તેના ઉપર, કોઈ જ્યારે આત્યંતિક વલણ દાખવે તેના પર હસે અને હસાવે. પણ મઝાની વાત એ કે, તેમના મનમાં રતીભર પણ ડંખ જોવા ન મળે. પોતાની, સામેના માણસની મર્યાદાઓને સમજે. પણ કોઈમાં દંભ કે બેવડાં ધોરણ જુએ ત્યારે અકળાય. કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાય ત્યારે તેના કામમાં એકદમ ઓળઘોળ થઈ જાય. તે વખતે બાકીનું બધું ગૌણ બની જાય.

જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં બીજી હરોળ સાચવીને મહત્ત્વનું પ્રદાન કર્યું. ધરતી સાથે, સામાન્ય માણસ સાથે જોડાયેલા, નિઃસ્પૃહ, નિષ્ટાવાન, સમર્પણનો ભાવ ધરાવતા નરવી પ્રસન્નતા ધરાવતા આપણા એક સાથીને આપણે ગુમાવ્યો છે.

સેવારૂરલ ઝઘડિયાના શ્રી બંકિમ શેઠે ભાનુભાઈની ગરીબો માટેની નિસ્બત અને સંવેદનાના અનેક પ્રસંગો અનુભવ્યા છે, તેને તેઓ યાદ કરે છે. સ્પષ્ટવક્તા, પોતાનો અભિપ્રાય નીડરતાથી કહેતા. ગુજરાતે એક કર્મશીલ ગુમાવ્યો છે. સેવા રૂરલના વિવેકાનંદ ટેકનિકી કેન્દ્રમાં તેમજ ગ્રામોધોગ કેન્દ્રમાં તેઓ મદદરૂપ થયા હતા. રાજેશભાઈ ભટ્ટ કહે છે, ધોળકા “અંત્યોદય વિકાસ યોજના’માં મારી સાથે કામ કરવા વાલોડથી ધોળકા રહેવા આવ્યા. સંજય દવે કહે છે, “ચરખા’ના એક અભ્યાસુ, નિષ્ટાવાન લેખક હતા. મકાનનિર્વાણ, ડિઝાસ્ટર, પંચાયત રાજ, ગ્રામ ટેકનોલોજી વગેરે વિષયો પર ટૂંકા છતાં ભાવસભર, [નિરીક્ષણોમાંથી      ઉદ્ ભવેલા, સચ્ચાઈના રણકાવાળા માહિતીસભર, માર્મિક લેખો લખતા હતા. ફેસબુકમાં પણ લેખો મૂકતા હતા. “નર્મદા બચાવો’ આંદોલનના મિત્રો પણ તેમને યાદ કરે છે.

પરિવારજનોનું સુક્ષ્મ અવલોકન

ભાનુભાઈના નાના ભાઈ બાલકૃષ્ણભાઈને ભાનુભાઈ માટે વિશેષ લગાવ છે. તેમણે યાદ કરેલી કેટલીક વાતો –

 • ભાનુભાઈ થોડા તોફાની, બળવાખોર પણ હતા. ૧૦મા ધોરણમાં હાઈસ્કૂલમાં જાહેર કરવામાં આવ્યું, ‘નોટબૂક સ્કૂલમાંથી ફરજિયાત ખરીદવી. ભાનુભાઈએ ૩ દિવસ હડતાલ પડાવી. તેથી ફરજિયાત ખરીદવાનો પરિપત્ર રદ થયો.
 • ફળિયામાં એક ગરીબ બહેનને સૌ અપશુકનિયાળ ગણે, સફાઈ કામદારને હલકી રીતે બોલાવે, કોઈ પસાર થાય તો કામ બંધ કરાવે. ભાનુભાઈ આની સામે આક્રોશ રજૂ કરે.
 • પરિવારે એક સાધુ મહારાજને આમંત્રણ આપ્યું. તેઓ ઘરેઆવ્યા. આવીને કહે, “સ્રીઓનું મોં હું નહીં જોઉ.’ ભાનુભાઈએ પૂછ્યું – તમને તમારી જાત પર વિશ્વાસ નથી ?
 • મારા કામની ‘સાઈટ’ પર આવે, કામદારોને પૂછે, કામનાં નાણાં તરત મળે છે કે નહીં ? મને નફો પણ વહેંચીને ખાવાનું કહે.

મારી ઓફિસ પર માલ લઈ જવા લારી ચલાવતા એક ગરીબ પરિવારને ૩ દીકરીઓ. તેઓ જાહેર જાજરૂમાં જાય. ભાનુભાઈએ આ લોકો માટે ઓફિસમાં જ જગ્યા ફાળવી જાજરૂ બંધાવડાવ્યું.

માનવીય ટેકનોલોજી ફોરમ

ફોરમે એક અગત્યના સાથીને ગુમાવ્યો છે. વર્ષ ૧૯૮૪ તા. ૮ અને ૯ સપ્ટેમ્બરમાં વનસ્થલી, વાલોડ, જિ.સુરતમાં ગ્રામીણ આવાસ અંગેનું એક મિલન રાખ્યું હતું. તેમાં ભાનુભાઈનું ખાસ પ્રદાન રહ્યું. અમારો પરિચય ત્યારથી થયો. ૧૯૯૬માં ‘પ્રયાસ’ પછી અમદાવાદ આવતાં દિનકરભાઈ, ભાનુભાઈ, રાજેન્દ્રભાઈ, રૂપલબહેન સાથે ઘણી વખત મળવાનું દિનરભાઈ થોડાક દિવસ ન દેખાય તો ભાનુભાઈ પાસેથી જાણી લઉં. આ ગ્રુપ સાથે થોડો નાતો સઘન બન્યો. ભાનુભાઈ જ્યાં કામ કરતા હોય તે વિષે જાણી લઉં. રાજેન્દ્રભાઈની ઓફિસમાં સહચિંતન માટે મળીએ. ક્યારેક શારીરિક, ક્યારેક પારિવારિક પ્રશ્નોનું દબાણ તેમના પર રહેતું. દિનકરભાઈનો ખભો તેમના માટે મજબૂત રહેતો. મળીએ ત્યારે ખૂબ ખૂબ આનંદ છવાઈ જતો.

જયશ્રીબહેન કહે છે, વાલોડમાં હાસ્યની છોળો ઊડતી હતી. હવે સ્વર્ગમાં ભાનુભાઈ દિનકરભાઈ ચોક્કસ હાસ્યની છોળો ઉડાડતા હશે. ક્યારેક તેનાં અમીછાંટણાં ધરતી પણ પણ પડશે તેવી આશા સાથે ઝીલવા તત્પર રહીએ.

ભાનુભાઈના બૃહદ્‌ પરિવારને પ્રણામ સાથે અહીં વિરામ લઈએ.

– રજની દવે

સંપર્ક : આનંદ ભાનુભાઈ મિસ્ત્રી. મો.: ૯૪૨૬૫૦૨૧૭૩

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s