અલવિદા ઇલિના સેન…

લેખક, કાર્યકર અને અધ્યાપક ઇલિના સેન, જેઓ ઘણાં વર્ષોથી કેન્સર સામે લડત આપી રહ્યાં હતાં, તેમનું 9મી ઓગસ્ટના રોજ 69 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન થયું.  ઇલિના સેન માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના કર્મશીલોમાં જાણીતું નામ. તેમણે છત્તીસગઢમાં ઘણાં વર્ષો ગાળ્યાં હતાં, જ્યાં તેમણે અનેક ટ્રેડ યુનિયનો અને આદિવાસી સંગઠનો સાથે કામ કર્યું.

ઇલિના મૂળે અધ્યાપક. મહારાષ્ટ્રના વર્ધામાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયમાં ભણાવતાં અને પછી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ ખાતે એડવાન્સ્ડ સેન્ટર ફોર વુમન્સ સ્ટડીઝ- મુંબઈમાં જોડાઈને તેમણે પોતાની સેવાઓ આપી. તેઓ દેશભરના મહિલા આંદોલન સાથે પણ સંકળાયેલાં રહ્યાં. અધ્યાપક હોવાની સાથે તેઓ સામાજિક-રાજકીય કાર્યકર પણ હતાં. ઇલિના મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં આંદોલનોમાં સક્રિય. અન્ય રાજ્યોમાં ચાલતા લોકઅંદોલન વિશે જાણે, કર્મશીલોના સંપર્કમાં રહે અને તેના સમર્થનમાં પણ ખરાં. ખાસ કરીને મહિલાઓ અને આદિવાસીઓના અધિકારો માટે અને પિતૃસત્તાક અને મૂડીવાદી વ્યવસ્થાનાં અન્યાય-જોખમો સામે આજીવન લડતાં રહ્યાં.

એંસીના દાયકાની શરૂઆતમાં, ઇલિના તેમના જીવનસાથી વિનાયક સેન સાથે છત્તીસગઢના આદિવાસી વિસ્તારોમાં મજૂર નેતા શંકર ગુહા નિયોગીની આગેવાની હેઠળના આંદોલનમાં કામ કરવા માટે પહોચ્યાં. અહીંના ડોક્ટર તરીકે વિનાયક સેને બાળકો અને લોકઆરોગ્ય પર કામ કર્યું.

છત્તીસગઢમાં શરૂઆતનાં વર્ષોમાં ઇલિના બિયારણની પરંપરાગત જાતોની જાળવણી અને સંરક્ષણ જેવા ‘ટકાઉ વિકાસ’ના કામમાં જોડાયાં. તેમણે ‘રૂપાંતર’ નામે સંસ્થા પણ શરૂ કરેલી, જેના અંતર્ગત સેન દંપતીએ છત્તીસગઢમાં ચોખા અને સ્થાનિક જાતોની બીજબેંક બનાવી તેની જાળવણી અને તેના પર સંશોધન કરવાનું શરૂ કર્યું હતું. એક મુલાકાતમાં ઇલિનાએ કહ્યું હતું કે, ‘આ ઉપક્રમમાં અમે અનાજનાં ઘણાં દેશી બીજને સાચવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેની પૂરતી નોંધ લેવાઈ નથી.’ પછીનાં વર્ષોમાં તેમણે ટ્રેડ યુનિયન સાથે કામ કરવાનું શરૂ કર્યું. અહીં ઇલિનાને મહિલા મજૂરના હકોની સમજ મળી.

લગભગ આ જ સમયમાં તેમનું મહત્ત્વનું પુસ્તક પ્રકાશિત થયું, “અ સ્પેસ વિધીન ધ સ્ટ્રગલ.” મહત્ત્વના લેખોના સંગ્રહનું આ અનન્ય પુસ્તક છે. સામાન્યથી અલગ જમીની-તળના મહિલા આંદોલનની દૃષ્ટિથી લખાયેલ આ પુસ્તકમાં ઇંટ-ભઠ્ઠાના મજૂરો, ખેતમજૂરો, માછીમારો, પર્યાવરણ સંરક્ષણના સંઘર્ષો જેવાં પાસાઓ આવરી લેવામાં આવ્યાં છે, જે ઘણી વાર જેન્ડરનો અભ્યાસ કરતા સંશોધનકર્તાઓ ચૂકી જતા હોય છે.

ઇલિના સેન જાહેર જીવનમાં 2007માં વધુ સક્રિય રીતે ઊભરી આવ્યાં; જ્યારે  વિનાયક સેન, જેઓ વ્યવસાયે  તબીબી અને માનવાધિકાર કાર્યકર છે, તેમની માઓવાદીઓના મદદગાર હોવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ વિનાયક સેનને રાયપુરની સેશન્સ કોર્ટે રાજદ્રોહના આરોપ હેઠળ અને કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને છત્તીસગઢ  જાહેર સલામતી અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યા. ઇલિના સેને પતિ વિનાયક સેન અને છત્તીસગઢની જેલોમાં નિર્દોષ હોવા છતાં કેદ કરવામાં આવેલા સામાન્ય નાગરિકોને જેલમાંથી મુક્ત કરવા માટે કાયદાકીય લડત ચલાવી. તેમજ મધ્ય ભારતમાં યુવાનોની ખોટી રીતે થતી ધરપકડની વિરુદ્ધ અભિયાન ચલાવ્યું.

ઇલિના અને વિનાયક સેન

વિનાયક સેનની ધરપકડ થયા પછી તરત જ, ઇલિનાએ તેમની મુક્તિ માટે અભિયાન શરૂ કરી દીધું, જેમાં તેમણે કોઈ કસર છોડી નહી. પોતાની જાતને સંપૂર્ણપણે આ અભિયાનમાં ધકેલી દીધી. નીચલી અદાલતોથી સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈમાં તે અને તેમની બે પુત્રીઓ સતત સક્રિય રહ્યાં. તેમના અને અન્ય સાથીઓના પ્રયત્નોને કારણે દેશ અને દુનિયામાંથી આ અભિયાનને જબરદસ્ત સમર્થન મળ્યું. આ સમયમાં ઇલિનાએ દેશ અને વિદેશમાં ઘણા સમર્થકો અને કાર્યકરોનું ધ્યાન આકર્ષિત કર્યું.

આ સાથે નવી આર્થિક નીતિના પરિણામે છત્તીસગઢ અને આસપાસના વિસ્તારમાં ખનીજ સહિતની કુદરતી સંપત્તિ મેળવવા રાષ્ટ્રીય અને વૈશ્વિક કંપનીઓ આવવાથી ખનીજ અને જંગલોનું થયેલું શોષણ, કાર્યકર્તાઓની ધરપકડ અને અત્યાચાર તેમજ સ્થાનિક લોકોનું વિસ્થાપન, તેમના પર થતી હિંસા વગેરે જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં દાખલ થયા. આ માટે ઇલિના સહિત અનેક લોકોના યોગદાનને કેમ ભુલાય ! અહીં યાદ રહે કે કે 2000માં સ્વતંત્ર છત્તીસગઢ રાજ્ય બન્યાના બીજા જ વર્ષથી સીઆરપીએફ છત્તીસગઢમાં કાયમી ધોરણે તૈનાત કરવામાં આવી. તેને કારણે નક્સલવાદીઓ-માઓવાદીઓ ઉપરાંત સૈન્યની હિંસાનો પણ ભોગ સ્થાનિક આદિવાસીઓ બને છે.

એક તરફ વિનાયક સેનની મુક્તિ માટેની લડત, યુવાનોને પ્રેરણા આપતું અધ્યાપનકાર્ય સાથે સાથે તેમણે સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. જુલાઈ 2013થી 2015 સુધી નહેરુ મેમોરિયલ લાઇબ્રેરીમાં સિનિયર ફેલો તરીકે કામ કરતી વખતે ઇલિનાએ માંદગી અને સારવાર વચ્ચે પણ દંડકારણ્યમાં ભાગલા-શરણાર્થીઓની વાર્તાઓ એકત્રિત કરી. તેઓ પોતાના કામ પ્રત્યે એટલાં સમર્પિત હતાં કે, તેમને એ ડર હંમેશા સતાવતો કે બીમારી વચ્ચે આ કામ ક્યાંક અધૂરું ન રહી જાય.

સામાજિક કાર્ય, લેખન, અદાલતોની અરજીઓથી માંડીને યુવાન વિદ્યાર્થીઓ સાથેના સંવાદો સુધી, ઇલિના જીવનમાં ગળાડૂબ રહ્યાં. તેઓ માનતાં હતાં કે વ્યક્તિગત અભિવ્યક્તિ સામાજિક અને રાજકીય અભિવ્યક્તિ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. આશ્ર્ચર્યની વાત છે કે બીમારી વચ્ચે પણ તેમણે છત્તીસગઢ અંગેનાં પોતાનાં રાજકીય સંસ્મરણો વિશેનું પુસ્તક ‘Inside Chhattisgarh a Political Memoir’ પૂરું કર્યું. તેમાં વિનાયક સેન અને અન્ય મિત્રોની ધરપકડ અને કોર્ટમાં તેમની કેદ અટકાવવાના પ્રયત્નો માટે કરેલો અંગત તેમજ પારિવારિક સંઘર્ષ તો લખાયેલો છે જ, સાથે તેમણે એ સમયના છત્તીસગઢના રાજકીય-સામાજિક પ્રવાહોને પણ વણી લીધા છે.

પીડાના દિવસોમાં પણ ઇલિના મુક્ત મને હસતાં…. રમૂજ કરતાં. લોકોના જીવનમાં ઊંડો રસ રાખવો અને અન્યાય સામેની લડત માટેના તેમના જુસ્સાએ અનેક લોકો પર અમીટ છાપ છોડી છે. સમાજમાં આજે ઇલિના સેન જેવા લોકોની જરૂર છે. એમને વધુ જાણીએ, જીવવા મથીએ. તે સાથે ઇલિનાને છેલ્લી સલામ.

– પાર્થ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s