રવીન્દ્રનાથની પુણ્યતિથિએ : મૃત્યુ અંગેનો એમનો અભિગમ જેમાં વ્યક્ત થયો છે એવાં બે લખાણો

1940માં પોતાના પરમ મિત્ર ચાર્લ્સ એન્ડ્રુઝને શાન્તિનિકેતનમાં
રવીન્દ્રનાથે આપેલ અંજલિ

આપણા પ્યારા મિત્ર એન્ડ્રુઝનો પાર્થિવ દેહ આ ઘડીએ સર્વની શરણદાતા ધરિત્રીમાં સમાઇ રહ્યો હશે. મૃત્યુ એ કાંઇ જીવનનો અંતિમ મુકામ નથી એવી પ્રતીતિ આજની શોકની ઘડીએ આપણી દુ:ખ જીરવવાની શક્તિને સંકોરે તો પણ એ આપણો દિલાસો ન હોઇ શકે. દૃશ્ય તેમજ વાણીની પ્રભુ-અર્પી પ્રેમની અખૂટ અમીપ્યાલીઓ આપણું જીવનપાત્ર છલકાવતી રહે છે. દુન્યવી પરિસરનાં બંદી આપણાં મન ઇંદ્રિય-આધારિત સંવાદથી ટેવાયેલાં છે. મૃત્યુ આ સંવાદ-વહેણ સૂકવી નાખે છે ત્યારે જુદાઇનો ભાવ અસહ્ય શોક બની જાય છે. એન્ડ્રુઝને આપણે લાંબા સમયથી વિધવિધ રીતે પિછાન્યા છે. હવે આપણે નિયતિને માથે ચડાવવી રહી : એમના પ્રત્યક્ષ પ્રિય સંગથી આપણે વંચિત રહેશું. જે માનવી સાથેનો આપણો સબંધ જગતના વહેવારો પૂરતો જ હોય તો આવી જુદાઇ એ સંબંધનો અંત લાવી દે છે. પણ પ્રેમનો નાતો અનંત અને અકળ હોય છે. એ આવા દુન્યવી વહેવારોથી પર હોય છે. એ નાતો દેહના જીવનને આધીન નથી હોતો.
આત્માનું આવું વિરલ સખ્ય, આવો મૃત્યુ-નિરપેક્ષ સબંધ મારો અને એન્ડ્રુઝનો હતો. ઇશ્વરે માગ્યાવિણ મને આપેલો એ અણમૂલ ઉપહાર હતો. એક દિવસ કોણ જાણે ક્યાંથી એ અણજાણ આત્મા અચાનક આવ્યા અને મારી ઉપર એમની મૈત્રીનો કળશ ઢોળાયો : આ ઇસુસેવક સાધુની પ્રભુપ્રીતિના વીરડામાંથી ફૂટેલી સરવાણી સરખી એ મૈત્રી. કેન ઉપનિષદનું કથન મને સાંભર્યું : ‘કોની કૃપા થકી આ આત્મા મારી કને સંચર્યો? રહસ્યના કયા ઊંડાણે તેનાં મૂળિયાં હશે?’ પહેલીવાર લંડનમાં મળ્યા એ દિવસે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે અમારાં જીવન-ઝરણ અંતકાળ સુધી એક વહેણે વહેવાનાં હશે, અમે આટલા અંતરંગ બનવાના હશું.
આજે આ ઘડીએ એમનો ચેતનહીન દેહ માટીમાં સમાઇ રહ્યો હશે ત્યારે કહું કે આપણને – આપણને જ શા માટે, તમામ માનવબંધુઓને – સર્વથી ઉદાત્ત સોગાદ તો એમનું જીવન છે જે મૃત્યુને પણ પાર કરીને શાશ્વત બનીને આપણામાં વિલસે છે.

એક નારીને લખેલા દિલાસા-પત્રમાં કવિએ આ વાત કહેલી :

મારા જીવનની એક કરુણ ઘટનાની વાત કરું. મારો નાનો પુત્ર [સમીન્દ્રનાથ], સોહામણો અને વહાલો લાગે તેવો, અગિયાર વરસનો હશે ત્યારે તેના દોસ્તને ગામ મુંગેર રજાઓ ગાળવા ગયેલો. કોલકાતામાં મને તાર આવ્યો કે એ ગંભીર બીમારીમાં ઝલાયેલો છે, અને હું દોડી ગયો. યજમાન પોતે એક ડૉક્ટર હતા. દીકરો ત્રણ દિવસ સુધી ઝઝૂમતો રહ્યો ને કહેતો રહ્યો કે તેની યાતના જતી રહી છે. અંતિમ ક્ષણ આવવાની હતી ત્યારે હું બાજુના ખંડમાં અંધારામાં એકલો પ્રાર્થનામગ્ન બેઠો હતો, પ્રભુને વીનવતો હતો કે અસ્તિત્વના નવા પ્રદેશમાં પૂર્ણ શાતા સાથે તેને સુખમય પ્રયાણ દેજે. એક ક્ષણ આવી જ્યારે મારું ચિત્ત એવા આકાશે વિચરતું હતું જ્યાં તિમિર નહોતું, તેજ પણ નહોતું, હતી, બસ, ગહન શાતા, હતો ચૈતન્યનો અનંત પારાવાર જેમાં કોઇ બિંદુ નહોતાં, બુદબુદો નહોતા. મારા પુત્રને અનંતના હૃદયખોળે સૂતેલો મેં અંતરચક્ષુથી જોયો. દીકરાની ચાકરી કરી રહેલા મિત્રને હું પોકારીને કહેવા જતો હતો કે બાળુડો ક્ષેમકુશળ છે, એને પરમમુક્તિ પ્રાપ્ત થઇ ગઇ છે. મને લાગ્યું, હું એવો પિતા હતો કે જેણે પુત્રને સાગરપાર વળાવ્યો હોય, અને જેને સમાચાર મળ્યા હોય કે પુત્ર હેમખેમ પહોંચ્યો છે, પોતાનું મુકામ તેને મળી ગયું છે. મારા મનમાં એક ઝબકાર થયો કે પ્રિય વ્યક્તિના શરીરી સ્વરૂપની નિકટ હોવું એ તેના રક્ષણનો અંતિમ મર્મ નથી. એ તો કેવળ આપણા સંતોષનું માધ્યમ છે, આપણે તેને માટે ઇચ્છીએ એવી એ અવસ્થા નથી. વિદાય થયેલા આત્મા પ્રત્યેનો પ્રેમ તો તેને દુન્યવી અસ્તિત્વની સીમા પાર કરીને પોતાનું શરણધામ શોધવામાં સહાયરૂપ થવામાં છે. અને તેથી, આપણી સર્વ નિશ્ચયશક્તિ વડે એ આત્મા પૂર્ણ સંતોષ પામે એ માટે યત્નો કરી છૂટવા એ આપણી પુનિત ફરજ છે. આપણા સંતોષ માટેની મિથ્યા ઇચ્છાઓને તેમાં સ્થાન ન હોય. તમામ મૃત્યુ-પ્રસંગો આપણને પીડા આપે છે ખરા, પણ એ મૃત્યુ દ્વારા અંતિમ મુક્તિ મેળવીએ, પ્રતીતિ પામીએ કે એ આત્માની પરમ મુક્તિ એ આપણું એક બલિદાન છે.
*

‘ગીતાંજલિ’નું આ નાનું કાવ્ય પણ આજે પ્રસંગોચિત લાગશે :

I have got my leave.
Bid me farewell, my brothers!
I bow to you all and take my departure.
Here I give back the keys of my door –
and I give up all claims to my dwelling.
I only ask for last kind words from you.
We were neighbours for long,
But I received more than I could give.
Now the day has dawned and
the lamp that lit my dark corner is out.
Summons have come and I am ready for my journey.
[‘Gitanjali’, 93]

તો રજા લઉં છું.
વિદાયવેણ લેજો મારાં આ, ઓ બંધુજનો!
સર્વને નમું છું ને પંથે પળું છું.
લ્યો આ મારા બારની કૂંચી —
આ ઘર ઉપર મારો હવે દાવો નથી,
યાચું માત્ર આપનાં વેણ છેલ્લાં મધુરાં.
પણ આપણ તો પડોશી પુરાણા,
પામ્યો અધિક, આપ્યું મેં અલ્પ.
આજે હવે પરોઢનો ઉજાસ પ્રસર્યો,
ને ખૂણે જલે એ દીપ બૂઝ્યો.
પરમનો દૂરેથી સાદ આવે,
ને પ્રયાણપંથે હું પળું છું.
[‘ગીતાંજલિ’, 93]


અનુવાદ : જયંત મેઘાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s