ક્યાં છે આપણો જ્યોર્જ ફ્લોય્ડ?

શું ભારતીય સમાજ જીવનમાં જ્યોર્જ ફ્લોય્ડ પળ ક્યારેય આવશે ખરી ? આ કંઈ માત્ર અન્યાયી કૃત્ય સામેનો આક્રોશ નથી. પરંતુ ભોગ બનનારની સાથે ઊભા રહેવાની એક તાકીદ છે; તે હાંસિયામાં રહેલા લોકો માટે વ્યવસ્થાતંત્રએ ઊભા કરેલા પૂર્વગ્રહનો અહેસાસ છે; તે ‘અમે’ અને ‘તેઓ’ વચ્ચેની ભેદરેખા ઓળંગવાની વાત છે. આ બધા ઉપરાંત, આ સામાજિક પહેલની શરૂઆતની પળ છે. છેલ્લા થોડા વખતથી એવું દેખાય છે કે ભારતે કોઈ પણ જાતના અન્યાયને લોકશાહી ઉપરના પ્રહાર તરીકે સાંકળવાનું પ્રેરક બળ ગુમાવી દીધું છે.

છેલ્લા બે મહિનાથી મીડિયા મજૂરોની યાતનાનાં દૃશ્યો બતાવવામાં વ્યસ્ત છે. આ યાતનામાં બે મહત્ત્વની બાબતો દેખાય છે. આ માનવોની કરુણાન્તિકામાં ક્યાંય જનમાનસનો આક્રોશ દેખાતો નથી અને ભોગ બનનારાઓએ આ દુ:ખને ચૂપચાપ સહન કરવાનું મોટેભાગે પોતાની જાતે પસંદ કરી લીધું છે. તેઓએ થોડોક કકળાટ કર્યો, થોડો બળાપો કાઢ્યો, પણ આપણી લોકશાહીએ તેમને તેમના હકો માટે આગ્રહ કરવા કે તે માટેની માંગ કરવાનું પ્રોત્સાહન નથી આપ્યું. માત્ર આ સ્થળાંતરિતો જ નહીં, પણ લઘુમતીઓએ પણ ‘નાગરિક’ની વ્યાખ્યામાંથી બહાર હડસેલાઈ ગયાની વણકહી યાતનાઓ ભોગવી છે. અને દર વખતની જેમ જ સ્ત્રીઓ, ગામડાંના ગરીબો, દલિતો અને આદિવાસીઓ પણ અપમાનોનો ભોગ બન્યા છે.

આ બાબત કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : એક મોટા ક્ષેત્રના લોકોને ભોગ બનવા દેવાય અને એવી વ્યવસ્થા સ્વીકાર્ય બનાવવી કે આ ભોગ બનેલાઓ શાંત અને વિનમ્ર રહે, એવું ભારતની લોકશાહીને કેવી રીતે પોસાઈ શકે? ભારતની આ વિનમ્રતા એ આંતરખોજ અને પરીક્ષણનો વિષય છે. ત્રણ પ્રકારના જવાબો સૂઝે છે :

૧. જે બધા દેશોની લોકશાહીને લાગુ પડે છે;

૨. જે ભારતીય રાષ્ટ્રના સ્વભાવ સાથે ઐતિહાસિક રીતે જોડાયેલા છે.

૩. જે આપણને આજની ક્ષણ સુધી લઈ જાય છે.

લોકશાહીની જાળવણીની આ કુખ્યાત વૃત્તિ છે કે જે વિરોધાભાસી-અસંગત છે. તે તેના નામ મુજબ શરૂ થાય છે ‘લોક’થી, પણ પછીથી એ ‘લોક’નો અર્થ એકદમ સાંકડો થઈ જાય છે. મહદ્ અંશે લોકનો એક ખાસ ભાગ પોતે જાતે જ પોતાને ‘અમે નાગરિકો’ તરીકે જાહેર કરી દે છે; તેઓ પોતાને દેશના નાગરિકો તરીકે ગણાવે છે, તેમના વિચારો પ્રજાના વિચારોનું મહોરું પહેરી લે છે. આ અનિવાર્યપણે નાગરિકોનાં અલગ સ્તરો જન્માવે છે. લોકશાહી જન્મે છે કેટલીક વ્યક્તિઓના પ્રતિનિધિ તરીકે વ્યવસ્થા ઊભી કરીને, પણ કાળક્રમે એ વ્યવસ્થા એ પ્રતિનિધિઓને અજ્ઞાનીઓની દખલ સમજીને વ્યવસ્થામાંથી બહાર હડસેલી દે છે. લોકશાહી પહેલાં તો નગરિકોના હકોને પ્રોત્સાહન આપે છે પણ પછી એ જ હકોને વ્યવસ્થાની જાળવણીના બહાના તળે નબળા પાડી દે છે.

ટૂંકમાં, આ કશ્મકશ છે ઉચ્ચવર્ગ અને વ્યાપક જનસમુદાય વચ્ચે, સક્રિય નાગરિકો ને આજ્ઞાંકિત નાગરિકો વચ્ચે, હકો અને વ્યવસ્થાની જાળવણી વચ્ચે. અને આ લોકશાહીનું લક્ષણ છે. આ માત્ર સિદ્ધાંત અને કાર્ય, વિચાર અને તેને અનુરૂપ જીવન વચ્ચેનું અંતર નથી. એવું ધારી લેવાનું છે કે લોકશાહીની દિશા પૂર્વનિર્ધારિત છે. રાજકારણની માંગ છે કે મહેનતપૂર્વક લોકશાહીનો આકાર ઘડવામાં આવે. એવું માની નહીં લેવાનું કે બંધારણમાં લોકશાહીને સ્વીકારી લીધી એટલે આપમેળે જ ગતિશીલ લોકશાહી પ્રક્રિયાઓ થવા લાગશે.

ભારતીય સરકારોનો નાગરિકો પ્રત્યેનો અભિગમ હંમેશા ઘમંડ આધારિત રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા પર વધારે પડતો ભાર આપીને જ પ્રભાવ પાડવામાં આવે છે. સરકારો એવું માનીને રાષ્ટ્રને દોરે છે કે નાગરિકો લોકશાહીના સક્રિય પ્રતિનિધિ નથી અને ક્યારેય ન બનવા જોઈએ. તેનો અર્થ કે, નાગરિકોએ પોતાને ગતિશીલ બનાવવા, માર્ગદર્શન આપવા અને તેમનાં કૃત્યો પર દેખરેખ રાખવા માટે નેતાની રાહ જોવાની. તેવી જ રીતે નાગરિકોએ બક્ષિસોની વહેંચણી માટે અને એ નક્કી કરવા માટે કે તેમના માટે સારું શું છે, સરકાર પર આધાર રાખવાનો.

આ બાબત એવા લક્ષણને જન્મ આપે છે કે સરકાર એ સારસંભાળ રાખનાર માવતર છે અને રાજકીય નેતા અણસમજુ, નાદાન નાગરિકોના વડીલ છે, જે તેમનું ધ્યાન રાખે છે. સરકાર કાયદો અને વ્યવસ્થાના વિચારને પોતાનો વિશેષાધિકાર માને છે. જો માવતર તરીકે સરકાર નાગરિકોને પ્રતિનિધિ તરીકે સ્વીકરવાના વિચારને નકારતી હોય તો કાયદો અને વ્યવસ્થા પરનો ભાર તે નકારને કાયદેસરતા આપે છે.  આ રીતે હકો અને માનવીય ગરિમાની વાતોને તો જ મહત્ત્વ મળે જો તે કાયદાનો વિચાર ‘કાયદો અને વ્યવસ્થાની જાળવણી’ સાથે મેળ ખાતી હોય.

નાગરિકનો ‘વિરોધ કરનાર’ તરીકેનો વિચાર, કાયદાકીય કલ્પનાઓ મુજબ કોર્ટે કરેલો અર્થ અને સમાજની સમજણ, એ બન્ને એક્મેકની વિરુદ્ધમાં સામસામે છે. સ્વતંત્રતા આંદોલનના ભવ્ય વારસાની વિરુદ્ધમાં, લોકશાહી અને લોકપ્રિય સામેલગીરીનો વિચાર, સૈદ્ધાન્તિક અને કાયદાની દૃષ્ટિએ, બન્ને રીતે,  વ્યવસ્થાપ્રિય સમાજ માટે જોખમી છે. તે એ.કે. ગોપાલનનો કેસ હોય (૧૯૫૦) કે હાલનાં વ્યક્તિગત સ્વતંત્રતા વિરુદ્ધ બહુચર્ચિત કાયદાકીય પગલાં જેવાં કે અત્યારનો કુખ્યાત ઞઅઙઅ, તેને માટે બે બાબતો પર ભાર અપાય છે : તેમાંની એક એ કે સરકાર જાણે છે, સરકાર સાચી છે, સરકાર પાસે વિશેષાધિકાર હોવો જોઈએ, અને બીજી, નાગરિકનું કૃત્ય શંકાસ્પદ છે, તેનાથી સામાજિક સૌહાર્દ ડહોળાય તેવી શક્યતા છે અને એથી તે સજાને લાયક છે.

આમ સરકારે કબજે કરી લીધેલા પોતાના હકો વિષેની સમજણ અને નાગરિકની લોકશાહીના સક્રિય પ્રતિનિધિ તરીકે કાયદેસર અમાન્યતા આપણી લોકશાહીની પશ્ર્ચાદ્ભૂ છે, જેણે અત્યારની વાસ્તવિકતાને ઉજાગર કરી છે. એમાં સરકારની આલોચના રાજદ્રોહ બને છે, હાંસિયામાં રહેલા લોકો માટે હકો માંગવા એ રાષ્ટ્ર સામે બગાવત તરીકે જોવાય છે, સામાજિક અન્યાયના ભોગ બનેલાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવી એ વખોડવા લાયક છે અથવા એ માટે બંધી ફરમાવવામાં આવે છે. હાલની સત્તાએ દેશમાં થતી આવી લોકશાહી પ્રવૃત્તિઓને ડરામણી કલામાં ફેરવી નાખી છે.

 જ્યારે આપણે આ વાતોની ચર્ચા જૂનના મહિનામાં કરીએ છીએ ત્યારે એ વાત ભૂલી ન શકીએ કે ૧૯૭૫ના વર્ષમાં સરકારે આખા દેશની વ્યવસ્થાને બહુ શીખાઉ ઢંગે પોતાના હાથમાં લઈ લીધેલી. આજે વધુ સંકલિત સ્વરૂપે, વ્યવસ્થિત આયોજન સાથે નાગરિકોનો અવાજ રૂંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જ્યારે ‘બીજા કોઈને’ અન્યાય થઈ રહ્યો હોય ત્યારે આ ઘડીએ ભારતના નાગરિકો શા માટે ચૂપ રહેવાનું પસંદ કરે છે તેનો જવાબ, વિરોધ કરનારા નાગરિકો પર સરકાર દમન કરવા તેનું તંત્ર કેવું છુટ્ટું મૂકી દે છે તેટલો જ નથી.

આ વાત થોડી દુખદ લાગશે, પણ પ્રમાણમાં વધુ માત્રામાં દમન કરવા છતાં લોકોના વિરોધની ગેરહાજરીનું કારણ તો બીજું છે. વિરોધોને ગેરકાયદેસર ગણવાની અને લોકોની વેદનાઓ, અન્યાય અને નિર્દોષોને ભોગ બનાવવાની વાતોને મહા જુઠ્ઠાણા તરીકે રજૂ કરીને સરકાર દ્વારા સફળતાપૂર્વક ફેલાવેલી, જોડી કાઢેલી વાર્તાઓ તેના કારણમાં છે. હકીકતોને ઊલટાવીને વાસ્તવિકતાથી ઊંધું ચિત્ર બતાવવાની બાબત છે.

વૈકલ્પિક વાસ્તવિકતાના આ જગતમાં, યાતનાઓનો ભોગ બનનાર હુમલાખોર છે. (મુસ્લિમોના સંદર્ભે), યાતના ભોગવે છે તેને ‘બલિદાન’ ગણાવાય છે, (સ્થળાંતરિત મજૂરોના સંદર્ભે) અને હાંસિયામાં રહેલા કે જેમને છોડી દેવાયા છે તેમને અગાઉની સરકારની રાજનીતિના ભાગ તરીકે ગણાવાય છે (દલિતો કે આદિવાસીઓના સંદર્ભે). આ પ્રકારનો વૃત્તાંત સમાજને બે ખેમામાં વહેંચી નાખે છે.  એક ખેમામાં રાષ્ટ્ર છે. તે એકતા, વિકાસ અને ભૂતકાળનાં હજાર વર્ષના સોનેરી યુગના અભિમાનનું પ્રતિનિધિત્વ કરે છે. બાકીનાં બધાં રાષ્ટ્રને વેરવિખેર કરનારા, ટુકડા કરનારા છે. તો કોઈપણ અવાજ જ્યારે કોઈ ખાસ સમાજની વેદનાની વાત કરે છે ત્યારે તેને દેશની આગેકૂચમાં રુકાવટ કરનાર માની લેવામાં આવે છે, હાંસિયામાં રહેલા સમૂહોના કોઈપણ જોડાણને દેશ વિરોધી કાવતરા તરીકે માની લેવામાં આવે છે.

આ વૃત્તાંતની તાકાત એટલી છે કે લોકોની વેદના, અન્યાયો અને અપમાનો સામેનાં આહ્વાનો કોઈ અસર નથી કરતાં, તેને કાવતરાના ભાગ તરીકે જોવાય છે; તે કોઈ નૈતિક પ્રતિભાવ મેળવવામાં નિષ્ફળ જાય છે. લોકશાહીને આવા અનેક અન્યાયો અને મૂગા નાગરિકો ત્યારે જ પોસાઈ શકે, જ્યારે આવાં વૃત્તાંતો જેમાં હકીકતોને નવા સ્વરૂપે ઘડવામાં આવે અને તેવા સ્વરૂપને બહુમતી જનતાને પ્રમાણભૂત માનવા સમજાવી શકાય. અત્યારની આ શાંતિ એ વાસ્તવિકતાના પુન:ઘડતરના વ્યાપક સ્વીકાર અને વૈકલ્પિક નૈતિકતાને વળગી રહેવાનું પરિણામ છે.

જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કહે કે ‘જ્યોર્જ ફ્લોય્ડ એ બહુ નાની ઘટના છે અને બેરોજગારીમાં ઘટાડો એ મહાન ઘટના છે.. જે આ દેશમાં બની રહી છે.’ ત્યારે એ ફ્લોય્ડના નસીબને ઊલટાવી નાખે છે, તે લોકશાહીના વ્યાકરણની નવેસરથી રચના કરે છે. ફ્લોય્ડની હત્યા નહીં પણ બેરોજગારીમાં ચપટીક સુધારો તે આ સમયની મહત્ત્વની બાબત છે. ફ્લોય્ડ તેના હત્યારા પર ગુસ્સે નહીં હોય, તેને તો અર્થતંત્ર પર ગુસ્સો હશે; એટલે આ ઘડીએ જેને દુરસ્ત કરવાની જરૂર છે તે કોઈ ખાસ સમુદાય વિષે સંસ્થાકીય ભેદ દૂર કરવાની નહીં પણ વિરોધોને કારણે આપણને જે અવમાનના મળી છે તે દૂર કરવાની છે.

જો આ પ્રતિભાવને તમે ધ્યાનપૂર્વક વાંચશો તો એ તમને કહેશે કે ભારત સાચેસાચ એની પોતાની ફ્લોય્ડ ક્ષણમાં જીવી રહ્યું છે.

– સુહાસ પળશીકર

 ૧૧મી જૂન ૨૦૨૦ ઇન્ડિયન એક્સપ્રેસના લેખનો અનુવાદ : મુનિ દવે

(સુહાસ પળશીકર પૂનામાં રહેતા લેખક છે. તેમણે કોલેજમાં રાજ્યશાસ્ત્ર ભણાવ્યું છે. હાલમાં તેઓ  સ્ટડીઝ ઈન ઇન્ડિયન પોલિટિકસના ચીફ એડિટર છે.)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s