
‘સાત પગલાં આકાશમાં’ વાંચી ત્યારે વડોદરાની હોસ્ટેલમાં રહીને ઇજનેરી કોલેજમાં ભણતી હતી. પ્રસ્તાવના વાંચ્યા વગર નવલકથા વાંચેલી. નવલકથાને મુલવવાના માપદંડો ત્યારે માત્ર ‘ગમી જવું’ હતા મારા માટે. ને મને ગમી હતી નવલકથા..પછી તો એમની બીજી નવલકથાઓ પણ વાંચી. એ પણ ગમી. એક લાંબો પત્ર લખ્યો હતો. એમને….
જવાબ નહોતો મળ્યો. વર્ષો પછી છેક હમણાં બે-ત્રણ વર્ષ પહેલાં જ બે-ચાર મિત્રો સાથે એમના નિમંત્રણથી નંદીગ્રામ ગયેલી. દરવાજા પર જ પુષ્પવર્ષાથી સ્વાગત કરી એમણે મને આશ્ચર્યમાં નાખી દીધી હતી. મારે જે બોલવાનું હતું તે બોલી લીધા પછી વાતો અને જમવાના સમય દરમિયાન મને સતત ‘ઈશામા’ની ઇમેજ કરડી રહી હતી. કોઇ પણ માણસ, ગમતા સર્જક આમ જીવતે જીવ ‘મા’ કે ‘બાપ’ થઈ પૂજાવા માંડે એ મને ગળે ન ઉતરે…
એટલે ઘરે પહોંચતાની સાથે જેટલી ગરમી ભેગી થઈ’તી મગજમાં એ બધી કાગળ પર ઠાલવી દીધી ને બીજો વિચાર આવે તે પહેલાં પત્ર કુરિયર કરી દીધો. વર્ષો પહેલા વખાણ કર્યા હતા મેં એનો જવાબ નો’તો મળ્યો અને હવે રીતસરના ભાંડ્યા હતા. પણ ચોથા દિવસે એમનો લાંબો જવાબ આવ્યો ! જેમાં શક્ય તેટલા ખુલાસા એમણે કર્યાં હતાં…..ખેર મને ઈશામાં સાથે લગાવ નો’તો, નથી. મને ગમે છે કુન્દનિકા કાપડિયા એટલે હું એમની જ વાત કરીશ.
‘સ્નેહધન’ ઉપનામધારી કુન્દનિકાબહેન લીમડી ગામે જન્મ્યા, ગોધરામાં નિશાળ ને ભાવનગરમાં કોલેજનું ભણતર લીધું. મુંબઈ ખાતે રાજનીતિશાસ્ત્રમાં એમ.એ. થયા. બે વર્ષ ‘યાત્રિક’ના સંપાદક રહ્યાં. ૧૯૬૨થી છેક ૧૯૮૦ સુધી ‘નવનીત’ સામયિકના સંપાદક રહ્યાં.
‘પ્રેમના આંસુ’, ‘વધુને વધુ સુંદર’, ‘કાગળની હોડી’, ‘જવા દઈશું તમને’ આ ચાર એમના વાર્તાસંગ્રહો અને ‘પરોઢ થતાં પહેલા’, ‘અગનપિપાસા’ તથા ‘સાત પગલાં આકાશમાં’ આ ત્રણ એમની નવલકથાઓ. નિબંધો અને દળદાર અનુવાદો પણ ખરા. ‘પરમ સમીપે’ પ્રાર્થનાઓનું એમણે કરેલું સંકલન અતિ લોકપ્રિય થયું.

પણ એક ઘટાદાર વડલા નીચે બાકીના બધા છોડવા ઢંકાઈ જાય એમ ‘સાત પગલાં આકાશમાં’ નવલકથાની લોકપ્રિયતાએ એને કુન્દનિકા કાપડિયાની પર્યાય બનાવી દીધી. 1985નો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર આ કૃતિના હિંદી તથા મરાઠી અનુવાદોને પણ સાહિત્ય અકાદમીના અનુવાદ પુરસ્કાર મળ્યા છે.
‘જન્મભૂમિ-પ્રવાસીમાં’ હપ્તાવાર છપાયેલી આ નવલકથાની જેટલી પ્રશંસા થઇ એટલી જ ટીકા પણ થઇ. એક ચોક્કસ હેતુથી લખાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૧૬ કે ૧૭ જેટલી આવૃત્તિઓ થઈ તે એની લોકપ્રિયતા દર્શાવે છે.
‘સરસ્વતીચંદ્ર’ના સર્જકે કલ્યાણગ્રામની કલ્પના કરેલી. આ લેખિકાએ આનંદગ્રામનું સપનું જોયું છે. ‘સાત પગલાં…’ની વસુધાનો પ્રશ્ન આમ તો મારા તમારા સૌનો પ્રશ્ન છે. ‘માણસ પોતાની રીતે જીવવા માંગે તો જીવી શકે ખરો? અને ખાસ કરીને સ્ત્રી?’ વસુધાને જે પ્રશ્નો થતા હતા એ આમ તો લગભગ દરેક સ્ત્રીને થાય જ છે : પુરૂષ કોઈના વિધુર તરીકે ઓળખાય છે ખરો? માતા બાળકોને પોતાનું નામ, ધર્મ કે જ્ઞાતિ આપી શકે છે ખરી? પુત્રી જન્મના વધામણાં થાય છે ખરા? આ સવાલોના જવાબો બધા જાણે છે.
તમામ સ્ત્રીઓની જેમ જ વસુધાએ પતિ અને સંતાનોના સુખ માટે જાત ઘસી નાખી છે. પરંતુ પ્રેમ અને મહેનતથી સીંચેલા આ ઘરમાં એ પોતાની બહેનપણીને રાખી શકતી નથી, કોઈને રૂપિયા 500ની મદદ કરી શકતી નથી. છોકરાં પોતપોતાનાં જીવનમાં ગોઠવાઈ ગયા પછી વસુધા આ છીછરા સંબંધોની સંકડામણમાંથી નીકળી જાય છે. મુક્તિની કેડી પર માંડેલા પગલાં વસુધાને ‘આનંદગ્રામ’માં લાવે છે. જ્યાં ઈશા-સ્વરૂપ, આભા-ગગનેન્દ્ર, એના-વિનોદ, અલોપા, મિત્રા, જયાબહેન જેવા સંવેદનશીલ મિત્રો વસે છે. પાકટ ઉંમરે આદિત્ય સાથે હિમાલયની દિશામાં પ્રયાણ કરતી વસુધા કદાચ નવું આનંદગ્રામ ઊભું કરી શકે.
ગુજરાતી પ્રજાએ આ નવલકથાનો એટલો તો પ્રચંડ પ્રભાવ ઝીલ્યો હતો કે નારીવાદી આંદોલનને એનાથી વેગ મળ્યો. સમાજજીવન પર આ કૃતિનો પ્રભાવ કળાવાદીઓએ પણ સ્વીકારવો પડે એટલો પ્રચંડ હતો. સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધની વાત કરનાર કોઈને પણ આ કૃતિની વાત કર્યા વગર નથી ચાલતું. નારીજીવનના વિવિધ પ્રશ્નોને નિરૂપવાનું પ્રયોજન અહીં પ્રમુખ બની ગયું છે તેથી નવલકથાએ વેઠવાનું થયું જ છે પરંતુ લેખિકાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, ‘આ નવલકથાએ સામાજિક ચેતના જાગૃત કરવામાં પોતાનો નમ્ર ભાગ ભજવ્યો છે. અને મારે માટે એ ઘણાં સંતોષની વાત છે. છેવટે હું એમ કહું છું કે મારે મન હંમેશા કલા કરતાં જીવન મોટું રહ્યું છે. જીવવું એ પ્રથમ કોટિની બાબત છે, લખવું એ બીજી કોટિની.’ એટલે ફરિયાદ કરવાનો અર્થ નથી રહેતો.
૧૯૫૧માં પ્રથમ વાર્તા ‘પ્રેમના આંસું, ‘જન્મભૂમિ’માં છપાયેલી. કુલ ૧૦૪ વાર્તાઓ લખનાર કુન્દનિકાબહેને વાર્તાઓ વિશે પણ એવું જ કહ્યું છે કે : ‘મને અંગત રીતે લેખન કરતાં જીવનમાં વધુ રસ છે.’
‘સાત પગલાં આકાશમાં’ નવલકથાના બીજ જેમાં પડેલાં હોય એવી ઘણી વાર્તાઓ કુન્દનિકા કાપડિયા પાસેથી મળે છે. એમની વાર્તાઓમાં માત્ર સમસ્યા, અન્યાય કે શોષણના ચિત્રો નથી. એમાંથી બહાર આવવા મથતી, પુરુષની અંતિમ સત્તાનો વિરોધ કરતી, જરૂર પડ્યે માથું ઊંચકતી સ્ત્રીઓ એમની વાર્તાઓમાં વધારે છે.
‘આ ઉંમરે એકલી?’ વાર્તામાં વહુ-દીકરો આદર ન આપે, સાથ ન આપે ત્યારે ઉષાબેન બેઉને ‘આ ઘર ખાલી કરો’ એમ કહેવાની હિંમત દાખવી શક્યાં છે. લાગણીવેડામાં તણાઈને રોદણાં રડવાં, રોજ હૈયું બાળવું એના કરતાં આવો વિરોધ આવકાર્ય ગણી શકાય.
‘ડંખ’ વાર્તાની નાયિકા ‘કાયદેસર રીતે આ ઘર પર મારો પણ હક છે. હું એ છોડીને બીજે કશે જવાની નથી’ એવું પતિને કહી શકે અથવા ‘ખુરશી’ વાર્તાની સીતાનો ‘હવે વધારે સહન નહીં કરું’ વાળો નિર્ણય ગમે.
સ્ત્રીના માતાના રૂપને પૂજતો સમાજ બળાત્કારે મા બનતી સ્ત્રીને હંમેશા તિરસ્કારતો આવ્યો છે. યુદ્ધના દિવસોમાં ઘર-પતિ -બે દીકરા સઘળું ગુમાવી બેઠેલી ‘તો’ વાર્તાની સુજાતા સામૂહિક બળાત્કારનો ભોગ બની છે. નિરાશ્રિતોની છાવણીમાં રહેતી સુજાતાના મનમાં પ્રશ્ન ઊઠે છે : ‘ધારો કે મારો પતિ જીવતો હોત તો એ મને સ્વીકારત કે તરછોડી દેત?’ હંમેશા પોતાનું ધાર્યું કરનાર પતિએ સુજાતાના બૌદ્ધિક અસ્તિત્વનો કદી સ્વીકાર નહોતો કર્યો. આવા સંજોગોમાં મુકાયેલી સુજાતાને પતિએ ન જ સ્વીકારી હોત એ સ્પષ્ટ છે. માતૃત્વને પવિત્ર માનતો સમાજ બળાત્કારે માતા બનતી સ્ત્રીને હડધૂત કરે છે.
‘ન્યાય’ વાર્તામાં પતિના અહમ્ ને કારણે પત્ની ઘર છોડે છે. લગ્ન પહેલાં સ્ત્રી-પુરુષે સમાનતામાં માનતો શ્યામ, લગ્ન પછી દરેક વાતે ‘તને શું ખબર પડે?’ કહીને રાધિકાને ઉતારી પાડે છે. છંછેડાયેલી રાધિકા ‘તું બધી જ વાતમાં સમજે કેમ? પુરુષ છે એટલે ?’ એવું કહી બેસે છે. ‘તમારા ચરણોમાં’ વાર્તાની શીલાને પ્રશ્ન થાય છે કે, ‘પત્નીત્વ અને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી?’
અનુવાદો અને ‘પરમ સમીપે’ની વાત નથી કરતી. પ
ણ એમણે ‘પૂર્ણકુંભ’ જેવા દળદાર કૃતિનો અનુવાદ કર્યો છે એ નોંધવું પડે વર્ષોથી પોતાનો અલગ રસ્તો શોધીને નંદીગ્રામમાં વસી જનાર કુન્દનિકાબહેને સાહિત્ય જગત સાથે લખવા સિવાયનો નાતો લગભગ નો’તો રાખ્યો. થોડાંક સાહિત્યિક મિત્રો, પણ આ જગતની ખટપટોથી, છવાઈ જવાની વૃત્તિથી, કોઈપણ જાતના પદ-પુરસ્કારથી એ પર થઈ ગયેલાં. એ બાબતે એ નોખા જીવ લાગે.
એમની સ્મૃતિને વંદન. ગુજરાતી ભાવક માટે કુન્દનિકાબહેન હંમેશા શબ્દરૂપે જીવતાં રહેવાનાં છે.
– ડૉ. શરીફા વીજળીવાળા
ખુબ જ સરસ રીતે ‘ઈશા’ નહિ પણ ‘કુંદનીકા કાપડિયા’ની સાહિત્ય ક્ષેત્રે રહેલી સફર, બીજા સાહિત્ય ક્ષેત્રના જોરદાર વ્યક્તિ, શરીફા બહેન, પાસેથી જાણવા મળી.. કૃતિઓનો નિચોડ quotes ટાંકીને મુક્યો અને પોતાના એમની સાથેના અનુભવ, અભિપ્રાય, વગેરે હંમેશની જેમ ખુલીને વાચકો માટે મુક્યા એ સવિશેષ ગમ્યું.
મારા દાદીમા કે જે ભૂમિપુત્રની ઇન્તેજારીથી રાહ જોતા હોય છે તેમને આ લોકડાઉનમાં ‘ભૂમિપુત્ર હવે ઓનલાઈન છે’ના સમાચારથી જાણે ઠેસ પહોંચી હતી (એ મોબાઈલ કે કંઈ વાપરતા ન હોવાથી અને પાછું ક્યારેય બધું પહેલા જેવું થશે ખરું એ ભીતિથી). એમને આ લેખ હાલ જ વાંચી સંભળાવ્યો. અમે બન્ને સાથે અનેક લાગણીઓમાંથી પસાર થયા. વચ્ચે વચ્ચે એમણે આમાંથી શું-શું વાંચ્યું છે, એની વાત.. અને એમની જોડેના કેટલાક સ્મરણો કહેતા ગયા.
મઝા આવી ગઈ! કુંદનીકા બહેનના કેટલાક વિચારો અને લખાણો re/visit કરવાની પ્રેરણા મળી છે. ધન્યવાદ!
LikeLike
તાર્કિક અને રસભર રજુઆત
LikeLike