આપણે કરીશું શું?

કોરોનાની મહામારીનો સૌથી જબરદસ્ત કોઈ સંદેશ કહો કે સલાહ કહો – જે છે તે એ કે, માનવો સહુ કોઈ સમાન છે. ‘વસુધૈવ કુટુંબકમ્’. ‘વન હ્યુમન કોમ્યુનિટી’. તમે ભલે અનેક પ્રકારના ભેદભાવ પર જોર લગાવતા હો- નાતજાત, ઊંચનીચ, રાયરંક, ધોળા-કાળા, દેશી-પરદેશી, સ્ત્રી-પુરુષ, શહેરના-ગામડાના… પણ કોરોના તો ગમે તેનો સંગ સાધે ને ચાહે તો તેને સાથે ઉપાડી જાય. કોરોના ગાઈ ગજાવીને કહે છે કે તેને મન ‘હમ સબ એક હૈં’ ! આ છે મહામારીનો સંદેશ.

આનું નામ જીવનકળા

“જીવનકળા શીખીએ, શીખવીએ” – આ છે ગાંધીજીના શબ્દો… ગાંધીજીએ કહ્યું કે લખ્યું તેમાંથી મેં જે વાંચ્યું તે અદ્ભુત છે ! તેમના જ શબ્દોમાં :

“આજે તો આપણને નથી ચોખ્ખું પાણી મળતું, નથી ચોખ્ખી હવા, નથી ચોખ્ખી માટી મળતી. આપણે સૂર્યથી સંતાઈને રહીએ છીએ. આ બધાનો વિચાર કરી યોગ્ય ખોરાક યોગ્ય રીતે લઈએ તો કેટલાય યુગોનું કામ થયું સમજો. તેનું જ્ઞાન મેળવવા માટે નથી ડીગ્રી જોઈતી, નથી કરોડો રૂપિયા, કેવળ ઈશ્વર ઉપર શ્રદ્ધા, સેવાની ધગશ, અને પંચમહાભૂતોનો થોડો પરિચય તથા યુક્તાહારનું જ્ઞાન જોઈએ.”

(લ્યો, આ ગૂજરાત વિદ્યાપીઠનો પાંચ વરસનો અભ્યાસક્રમ મળી ગયો !)

જો કે આ કોઈ નવી વાત નથી કરતી હું, ઈશ્વરે હવા-પાણીની માફક જ્ઞાન પણ માનવને મબલખ અને વિનામૂલ્ય આપ્યું છે. માનવે શું કર્યું તેનું ? પહેલાં જ્ઞાનને પ્રદૂષિત કર્યું અને પછી બજારમાં વેચવા મૂક્યું…. આવું કર્યું છે આજ પર્યંત આખી માનવજાતે. શું હજી પણ આપણે તેવું જ કરીશું ?

મહામારીનો ઊંચે ચઢેલો તાવ હજુ નોર્મલ થયો નથી. જાણવા મળે છે કે હજુ ઉપર ચઢી રહ્યો છે. વહેલો મોડો નીચે ઊતરશે, નોર્મલ થશે એવી આશા રાખી શકીએ ? હા ? કે ના ? નોર્મલ લાવવા માટે શું કરવું તેની દવા પણ હજી હાથમાં આવી નથી.

પણ, મુખ્ય સવાલ એ છે કે આપણે કેવું ‘નોર્મલ’ જોઈએ છે ? જેણે કરોડો પ્રામાણિક મજૂરી કરતાં નાગરિકોને ઘડીના છઠ્ઠા ભાગમાં શહેરમાંથી પહેરેલે લૂગડે હાથેપગે કરીને ભગાડી મૂક્યા તેવું જ નોર્મલ પાછું જોઈએ છે ? શહેરોને હિંસક થવા દેવાં છે ? દમનકારી ? આવા હિંસક વિકાસને અંતે મળનારી સમૃદ્ધિનું નોર્મલ જોઈએ છે ? શહેરનું પ્રદૂષણ ઘટવાનું છે તેવું મને નથી લાગતું. હું બોલવા જતી હતી કે, ‘હોપ આઈ એમ રોંગ’. પણ ત્યાં તો સંદેશ સાંભળ્યો કે મેટ્રોનું કામ શહેરમાં ચાલુ કરી દો.

નોર્મલસી આપણે જ લાવીશું. નોર્મલ થયે જ છૂટકો છે. તો, આપણે કરીશું શું ? મારા વિચારો આપ સૌને જણાવું છું. બહુ જ ટૂંકમાં, ગંભીરતાપૂર્વક, નમ્રતાપૂર્વક આપની સમક્ષ મૂકું છું.

પહેલું :  

તો, મેં પહેલાં જ કહ્યું તે ‘હમ સબ એક હૈં’. સજીવ માત્રનો ભેદભાવ હટાવીએ, કુદરત અને માનવનો સંબંધ અતૂટ રાખીએ.

બીજું : 

સ્થાનિક ધંધાવેપાર, ઉત્પાદનને ઉત્તેજન આપીએ. આપણો મહેનતનો પૈસો મહેનત કરનાર પાસે જાય, આપણો પ્રામાણિક પૈસો પ્રામાણિક વ્યક્તિ પાસે જાય તેવું વિચારીને ખર્ચ કરીશું.

ત્રીજું : 

પ્રવાસનું પ્રમાણ ઘટાડીએ. વાહનનો ઉપયોગ લાંબા અંતર માટે જ કરીએ. સાઈકલ વાપરીએ. ચાલતા જવાય ત્યાં ચાલતા જઈએ. લાંબા અંતરના કારભાર ટાળીએ, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં સ્થાનિકતા લાવીએ. આમ કરીને, કમ સે કમ આપણા પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ તો ઘટાડીએ.

ચોથું :    

સફાઈની કાળજી આજ કરતાં વધુ રાખીએ, સફાઈ કરવામાં કેમિકલ, દવા, પાવડર, સ્પ્રે જેવાનો ઉપયોગ ઘટાડતા જઈએ. વિકલ્પો શોધીએ, કુદરતી વિકલ્પો.

ઉપરાંત, સફાઈ માટે હજુ ય ઘણાં બધાં રહેઠાણોમાં પાણીની ખોટ છે, અથવા નહિવત્ છે. સફાઈ માટે જ્યાં પાણીનો અભાવ યા ખોટ હોય તે દૂર કરવા ઝુંબેશ ચલાવીએ.

પાંચ :

વેસ્ટ તથા કચરાનો નિકાલ ખૂબ જવાબદારીપૂર્વક કરીએ. મૂળે તો, વેસ્ટ-કચરો પેદા કરીએ જ શા સારુ ? વેસ્ટ થવા જ ન દઈએ. ‘વાપરો વિચારીને’, આ સૂત્ર બહુ પ્રચલિત કરવાની જરૂર છે. ઉપરાંત, રિસાઈકલીંગનો ઉદ્યોગ અપનાવીએ, વપરાયેલી વસ્તુને ભસ્મ ન કરીએ, પણ પુનર્જન્મ આપીએ.

છઠ્ઠું :

ઊર્જા, ઊર્જામાતા જય હો ! એના વિના ઘડી નથી રહેવાતું! માટે છઠ્ઠું એ ઘરમાં વપરાતી ઊર્જાનો હિસાબ રાખીએ, તેની ઓડિટ-તપાસ આપણે જાતે કરીએ, વીજળી, ગેસ, કોલસાનો ઉપયોગ ઘટાડીએ, વાપરવામાં સંયમ રાખીએ – તાકિદ રાખીએ. તેની ઉપરાંત, વરસાદી પાણીને ઘરમાં તેમજ બહાર આપણી જમીનમાં સંઘરીએ. આપણા પર વરસેલી એ પ્રભુકૃપાને આપણી પાસે જ રાખીને તેનો સદુપયોગ – થોડીક પણ લીલોતરી, ખાદ્યચીજ ઊગાડીએ – ભાજી, શાક, ઔષધ, કંદમુળ, ફળ, કઠોળ, સુકવણી ઇત્યાદી. કુંડામાં, ક્યારામાં, અગાસી પર, ઝરુખામાં, ઓરડામાં…

સાતમું :

ટેકનોલોજી. સમુચિત, સંપોષક તેવી ટેકનોલોજીને વિકસાવીએ. આપણા કાબૂમાં રહે તેવી, નહિ કે આપણે તેના ગુલામ બની જઈએ. આમ થશે ત્યારે જ આપણા કારીગરોને માટે અનુકૂળ ‘ટૂલ’ ઓજારો બનાવી શકીશું. તે માટે સ્થાનિક સ્તરે આર એન્ડ ડી સેન્ટર મતલબ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેન્દ્રો ઊભાં કરીએ. હું ટેકનોલોજીની વિરુદ્ધ નથી. આખરે તો આપણને સ્થાનિક સંશોધન જ સાચું ઉપયોગી તથા ઉત્પાદક થશે. ટૂંકમાં, સૌ યુવાન સ્ત્રી-પુરુષ કમ્પ્યુટરની આવડત મેળવે. કમ્પ્યુટરના ડિજીટલ વિશ્ર્વથી પૂરા વાકેફ થઈએ, શીખીએ, શીખવીએ. નહિ તો ફરી આપણે ગુલામ બની રહીશું, આસપાસની વાસ્તવિકતાથી અજાણ અને અબૂધ રહી જઈશું. હા, અવશ્ય ખાતરી રાખીએ કે યંત્ર કહે તેમ નહિ પણ યંત્ર આપણે કહીએ તેમ ચાલે તેવું આયોજન કરીએ. આ અઘરું હશે, પણ શક્ય છે જો આપણે સ્થાનિકતામાં દૃઢ માનતા હોઈશું.

કરીશું શું ?

પરિવર્તન. એવું પરિવર્તન જે ટકાઉ-સસ્ટેઇનેબલ હોય… આપણે એવી પરિવર્તનમય નોર્મલસી લાવીએ કે જે સમજણપૂર્વક તથા જાતે વિચારેલ હોય. ‘કોપીકેટ’ તો નહિ જ. હરગિજ નહિ.

આજના સપ્લાય અને ડિમાન્ડના અર્થતંત્રની દમનકારી જાળમાંથી તો બહાર નીકળવું જ છે. આપણે, સહુ કોઈ સજીવસૃષ્ટિ તમામને સંપોષણ દે તેવી અર્થવ્યવસ્થા સર્જીશું. એમ થાય તેવું કરીશું. આવી હોય જીવનકળા ‘નવા નોર્મલ’ની આવતી કાલની. ગાંધી ચીંધ્યા માર્ગે આજની મહામારીના યુગમાં નિત્યજીવનની આવી રીત શીખીએ, આચરીએ.

ગાંધીચીંધ્યાં કામ કરવાનું આપણે શીખ્યા છીએ. આપણા પ્રત્યેક કામ – કર્મ જે સત્ય, સચ્ચાઈને પ્રકાશિત કરે, જે પ્રેમ અને કરુણાના માર્ગે લઈ જાય એ સર્વ કર્મો આપણાં, ગાંધીમાર્ગે જ ચાલતાં કામો છે. આગળ જતાં જે સૌને પોતાની જાત, સમાજ અને પ્રકૃતિ માંહ્યના અનુબંધને સજાગ કરવા તરફ લઈ જાય, જે ગુલામીમાંથી મુક્તિ અપાવે-એ બધાંય ગાંધીનાં જ કામો છે જે આપણે કરીએ પણ છીએ…. તેવાં કામો આપણે કરીશું : પછી ભલેને ગાંધીનો ‘ગ’ પણ લખાયો ન હોય… મારાથી વધુ પડતું કહેવાઈ જાય છે, ગાંધી-ગાંધી કરશું તો ક્યાંક ગંધાઈ ન જાય !

યાદ રહે કે હમ સબ એક હૈં ! 

– ઈલા ર. ભટ્ટ (ગાંધી સંગોષ્ઠિ પૂર્ણાહુતિ સમયે આપેલું વ્યાખ્યાન)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s