મારા જીવનનો અર્થસભર દાયકો

2010 જૂનથી 2020 જૂન-ભૂમિપુત્રના છેલ્લા પાનાની વાર્તાની લેખિકા તરીકે આ પખવાડિક સાથે જોડાયાને એક દસકો થઈ ગયો. સાત દાયકાના પ્રલંબ પટ પર વિસ્તરેલા જીવનમાંથી એક દશકનો ગાળો ઓછો તો ન જ કહેવાય અને એ પણ મારા જેવી કોઈ એક કામને લાંબો સમય વળગીને ન રહી શકનારી વ્યક્તિ માટે. દિવંગત હરવિલાસબેન અને કાંતિભાઈના પ્રેમાગ્રહ આગળ નમતું જોખીને આ કામ સ્વીકાર્યું તો ખરું પણ બહુ ગંભીરતાથી લીધેલું નહીં. જોઉં, થાય ત્યાં સુધી કરીશ, નહીં થાય ત્યારે ના કહી દેવામાં ક્યાં વાર લાગવાની છે? -એવી બેફિકરાઈ પણ ખરી ! એમાં વળી કાંતિભાઈએ એવી વાત કરી કે આપણે આ કામ માટે ત્રણ મહિનાનો પ્રોબેશન પિરિયડ રાખીએ- ત્યાં સુધીમાં તમને ન ફાવે તો તમે ના કહી શકો અને અમને એવું લાગે કે વાર્તાઓ જોઈએ એવી નથી લખાતી તો અમે ના કહેવા અથવા બીજા કોઈને આમંત્રણ આપવા છુટ્ટા. મને એમની આ વાત ગમી ગઈ. થયું કે એક-બે વાર્તાઓ લખી જોઈએ, પછી ના કહી જ શકાશે ને?

આજે પાછું ફરીને જોઉં છું ત્યારે સમજાય છે કે મારી એ આનાકાની પાછળ અસ્વીકારનો ભય હતો. જે બંને બહેનોને ખુદ વિનોબાજીએ ‘હરિશ્ચંદ્ર’ નામ પ્રદાન કરેલું એમની કલમથી 45-45 વર્ષોથી ટેવાયેલા વાચકો મારા જેવી શિખાઉને સ્વીકારશે? જો શરૂઆતથી જ કદાચ વાચકોના નકારાત્મક પ્રતિભાવો આવશે તો? આવી બધી મથામણ સાથે કામની શરૂઆત તો કરી પણ 2010ના 1લી જૂનના અંકમાં જ્યારે પહેલવહેલી વાર્તા છપાઈ ત્યારે તો દિલ એવું ધડક ધડક થતું હતું કે એવું તો અત્યાર સુધીમાં આપેલી કોઈપણ પરીક્ષા વખતેય નહોતું ધડક્યું. મારે કેટકેટલી તાવણીમાંથી પસાર થવાનું હતું ! મારા સૌથી પહેલા અને કડક પરીક્ષક હતા કાંતિભાઈ,એ પછી ભૂલ દેખાય ત્યાં હંમેશા કાન આમળતા રહેલા મુરબ્બી નારાયણકાકા,  ત્યાર બાદ નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન- એવું માનનારા મારા અંતરંગ મિત્રો, આલોચકો અને આ પરીક્ષાના પરિણામનો જેમના પર સૌથી વધુ મદાર હતો એવો વાચકગણ. જો કે ત્યારે અવર્ણીય આનંદ થયો હતો જ્યારે બધાએ ભેગા મળીને પાસ થયેલી જાહેર કરીને વધાવી હતી.

એવું તો નહોતું કે, મેં આ વાર્તાઓથી જ લેખનકાર્યની શરૂઆત કરી હતી. એમ તો લગભગ 15-20 વર્ષોથી જુદાં જુદાં સામયિકોમાં, અખબારોમાં કે પત્રિકાઓમાં મારી વાર્તાઓ, હાસ્ય લેખો, પ્રવાસ વર્ણન કે નિબંધ છપાતાં રહેતાં. પણ આ કામ સાવ જુદા પ્રકારનું હતું. પોતાના બાળકનો ઉછેર કોઈ માને અઘરો ન લાગે પણ અન્યના બાળકની સંભાળ રાખવાની, એની માવજત કરવાની આવે ત્યારે ગભરાટ થવો સ્વાભાવિક છે. અત્યાર સુધી મેં મૌલિક જ લખ્યું હતું પણ ભૂમિપુત્રની વાર્તાઓ ભારતની અથવા વિશ્વની કોઈપણ ભાષાના લેખકની વાર્તાનો આધાર લઈને લખવાની હતી. એમ કહી શકાય કે મારે જશોદામૈયાની ભૂમિકા ભજવવાની હતી. કહેવાય છે કે, ‘કામ કામને શીખવે’ એ પ્રમાણે જેમ જેમ વાર્તાઓ લખાતી ગઈ એમ એ અંગેની સમજ સ્પષ્ટ થતી ગઈ. આઠ કે દસ પાનાંની વાર્તાનો ભૂમિપુત્રના છેલ્લા એક જ પાનામાં એ રીતે સમાવેશ કરવો કે વાંચનારને ક્યાંય રસક્ષતિ થતી ન લાગે અને એને આખી વાર્તા વાંચ્યાનો સંતોષ પણ મળે. એ માટે કયો મુદ્દો બાદ કરવો અથવા કઈ અગત્યની ઘટનાનો વિસ્તાર કરવો એ બાબતની ફાવટ આવતી ગઈ. પૂર્વસૂરિઓને આપેલું વચન નિભાવવા ખાતર જ જે કામ હાથમાં લીધેલું એમાં ધીરે ધીરે એટલો રસ પડવા લાગ્યો કે જાણે એનું વ્યસન થઈ ગયું.

આ દસ વર્ષના ગાળામાં 40-40 વાર્તાઓનો એક એવા બે સંગ્રહ તર્પણ-1 (2013) અને તર્પણ – 2(2014) પ્રગટ થયા. તર્પણ ભાગ 3, 4 અને 5 ની 120 વાર્તાઓ પોતે ક્યારે પ્રકાશમાં આવે એની રાહ જોતી તૈયાર ઊભી છે. હરિશ્ચંદ્ર બહેનોની 45 વર્ષો દરમ્યાન લખાયેલી વાર્તાઓના 18 સંગ્રહો ‘વીણેલાં ફૂલ’ નામથી પ્રકાશિત થયેલા અને ખૂબ લોકપ્રિય થયા છે. મારી વાર્તાઓ એમને તર્પણરૂપે હોવાથી ‘તર્પણ’ નામ આપવાનું નક્કી કર્યું. દસકાના ગાળામાં અનેક સારા-માઠા પ્રસંગો આવ્યા, ઘર ગ્રૃહસ્થીની, વ્યાવહારિક એવી અનેક જવાબદારીઓ આવી પણ ગમે તેવા સંજોગો છતાં દર પંદર દિવસે ભૂમિપુત્રના કાર્યાલય પર વાર્તા પહોંચાડવાનું કામ અચૂકપણે નિભાવી શકાયું એનો ખૂબ સંતોષ છે. આટલા ગાળામાં લગભગ 250 વાર્તાઓ થઈ. એક એક વાર્તા પસંદ કરતા પહેલાં ઓછામાં ઓછી 10 વાર્તાઓ વાંચવી પડે છે. આ હિસાબે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ભારતની અલગ અલગ ભાષાઓ જેવી કે, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી વગેરે અને કેટલીય વિદેશી ભાષાની એમ બધું મળીને 2500 જેટલી વાર્તાઓમાંથી પસાર થવા મળ્યું.

કેટલાય વાચકમિત્રો પૂછતા હોય છે કે, આટલી બધી નવી નવી વાર્તાઓ તમને મળે છે ક્યાંથી? ચાલો, આજે એ રહસ્ય પરથી પડદો ઊંચકી લઉં. વાર્તાઓ તૈયાર કરવા માટે મુખ્યત્વે જુદી જુદી ભાષાનાં સામયિકોનો આધાર લેવાનો રહે છે. દર મહિને મળતાં નવનીત(હિંદી), સમકાલીન સાહિત્ય, નયા જ્ઞાનોદય, મિળૂન સાર્યાજણી(મરાઠી), સ્ટેટ્સમેન(અંગ્રેજી) વગેરેમાંથી ઘણી વાર્તાઓ મળી રહે છે. વળી ઘણાં સામયિકોમાં દરેક અંકમાં એક ઈતર ભાષાની વાર્તાનો હિંદી અનુવાદ પણ મળે છે. આમ એક વખત વાર્તાનું ચયન થયા પછી એને 750 થી 800 શબ્દોમાં સમાવવાની ગડમથલ ચાલુ થાય. ધીમે ધીમે આ બધી મથામણ એટલી રસપ્રદ લાગવા માંડી કે, ઘણી વખત વાર્તાને આ ઘાટ આપવો કે પેલો, એવી દ્વિધામાં રાતની ઊંઘ પણ ઊડી જતી. વાર્તાનાં પાત્રો સાથે મારી સંવેદના એ હદે જોડાઈ જતી કે, ક્યારેક પાત્રની વેદના, એની તકલીફનો વિચાર કરતાં આંખોમાં આંસુ પણ આવી જાય.

આ દસ વર્ષોએ મને કેટકેટલું આપ્યું છે! આત્મ સંતોષ, આંતરિક સમૃદ્ધિ, ભાષાઓની સુંદરતાનો પરિચય, વાચકોનો પ્રેમ અને આદર -આ બધું કદાચ ક્યારેય ન મેળવી શકત, જો આ દાયકો મારા જીવનમાં ન આવ્યો હોત તો ! હમણાના કોરોના કાળની  વાત કરું તો રોજે રોજના આઘાતજનક આંકડાઓ, સમગ્ર દુનિયાની દયનીય પરિસ્થિતિ અને અમંગળની આશંકાને કારણે મન એવું તો ક્ષુબ્ધ રહે છે કે, કશું પણ સર્જનાત્મક લખવાની કે કંઈ નવું  કરવાની કે વિચારવાની ઇચ્છા જ નથી થતી. એક ઉદાસી ચારેકોરથી ઘેરી લેતી હોય એવી પળોમાં ભૂમિપુત્ર માટે વાર્તા તૈયાર કરવાની ચાનકે મને ઉગારી લીધી છે એમ કહું તો ખોટું નથી. ગમે તેટલી નિરાશ પળોમાં પણ બીજું કંઈ નહીં તો વાર્તાઓ વાંચવાનું કામ તો થતું રહે છે અને એ રીતે મનને  સધિયારો રહે છે કે, સમયનો કંઈક તો સદુપયોગ કરી શકાય છે!

દસ વર્ષની આ યાત્રામાં કેટકેટલાનો સાથ, સહકાર, પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે. એમાંથી કોઈનાં નામ ગણાવીને કોઈનીય ઓછી કે વધુ કિંમત આંકવાનો  આશય નથી પણ આ તબક્કે એટલું તો જરૂર કહીશ કે આપ સૌના પીઠબળ વિના અહીં સુધી પહોંચવું શક્ય નહોતું. દસ વર્ષના આ મહત્ત્વના મુકામ પછી આ સફર કેટલી આગળ ચાલશે એ તો આપણે કોઈ નથી જાણતા પણ મારી લાગણી વ્યક્ત કરવા શ્રી નિરંજન ભગતની પેલી પંક્તિઓનો આધાર લેવાનું મને ગમશે કે,

‘કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ,(બહેનો તો કેમ ભુલાય !)

આપણો ઘડીક સંગ  રે…

આતમને તોયે જન્મોજનમ લાગી જશે એનો રંગ…કાળની કેડીએ’

ભૂમિપુત્રની કેડીએ આપણો સંગ કાયમ રહે એવી અભિલાષા.

– આશા વીરેન્દ્ર

Leave a comment