
રાજુભાઈ મૂળે ભરૂચ જીલ્લાના નાનકડા જંત્રાણ ગામના વતની, તેથી જંત્રાણિયા કહેવાયા. ખેતીવાડી અને શાહુકારીનો બાપિકો ધંધો. રાજુભાઈને આગળ ભણવાની હોંશ પણ સારો એવો ફેલાયેલો ધંધો રાજુભાઈ સંભાળી લે એવી વડીલોની ઇચ્છા. પણ રાજુભાઈ નોખી માટીના. તે કાળે ઊચ્ચ અભ્યાસ માટે યુવાનો ક્યાંક આર્ટસ, ક્યાંક સાયન્સ વિષય રાખીને ગ્રેજ્યુએટ થવાનું પસંદ કરતા. ત્યારે આ વાણિયા દીકરાએ તો ખેતીવાડીનું શિક્ષણ લેવાનું પસંદ કર્યું. અને સીધા દાખલ થઈ ગયા આણંદની ખેતીવાડી કોલેજમાં. તે કૃષિસ્નાતક થઈને જ બહાર પડ્યા.
હવે બનેલું એવું કે દાંડીકૂચ વેળાએ ગાંધીજી આ જંત્રાણ ગામમાંથી પસાર થયેલા. અહીંની સભામાં એમણે આઝાદી અને તેમની કલ્પનાના ભાવિ સમાજનો નકશો રજૂ કરેલો. સમગ્ર ગામ પર તેનો ઘણો પ્રભાવ. ગાંધી વિચારના સ્પંદનો લાંબા કાળ સુધી ગામમાં ગુંજતા રહેલા. રાજુભાઈ આ વિચારમાંથી કેવી રીતે બચે ? એમના આદર્શવાદનાં મૂળીયાં અહીં નંખાયા અને કાળે કરીને પલ્લવિત થયાં.
રાજુભાઈએ સરકારી કે બીજી કોઈ ચીલાચાલુ નોકરી ને બદલે રાષ્ટ્રીય વિદ્યાલયની ખોજ આરંભી. તે કાળે ખેતી સ્નાતકોનો દુકાળ. વેડછી આશ્રમ અને પૂ.જુગતરામકાકાનું નામ એમણે સાંભળ્યું. ક્યાં ભરૂચ જીલ્લાને ખૂણે આવેલું. મધ્યમ વર્ગનું જંત્રાણ અને ક્યાં બીજે ખૂણે દૂરસુદુર આદિવાસી પટ્ટીમાં આવેલું, નકશે શોધ્યું ન જડે એવું (તે કાળે) સુરત જિલ્લાનું કેવળ આદિવાસીઓથી વસેલું વેડછી. ગમે એમ ભાળ મેળવી શોધતા-શોધતા રસ્તા-વાહન વ્યવહાર વિહોણા વેડછી ગામે રાજુભાઈ પહોંચી ગયા.
તેઓ વેડછી આશ્રમમાં પહોંચ્યા ત્યારે જુગતરામકાકા વિદ્યાર્થીઓ સાથે ખેતરમાં કંઈક કામમાં. આ ખેતીસ્નાતકની ખેતરમાં કાકા સાથે મુલાકાત. કેવો યોગ ! કાર્યકર્તા પારખુ કાકાને રાજુભાઈની આદર્શઘેલી વાત ગમી ગઈ. પ્રથમ દૃષ્ટિએ જ મિત્રાચારીનો આ કિસ્સો. અલપઝલપ વાતો પછી સૌ કાકાની ઝૂંપડી ‘પ્રાચી’ (ઓફિસ-રહેઠાણ બધું)માં ભોંય પર ગોઠવાયા. વાતો જામી. એક બાજુ ગાંધીનો ધક્કો પામેલા રાજુભાઈ અને બીજી બાજુ ગાંધીની પ્રતિકૃતિ જેવા કાકા. રાજુભાઈ તરત પસંદ થઈ ગયા. ત્યારબાદ એમણે કદીયે પાછું ફરીને જોયું નથી કે કોઈ પ્રચલિત નોકરી-ધંધામાં પડ્યા નથી.
રાજુભાઈનો અભ્યાસ ખેતીનો, આથી આશ્રમના ઉત્તરબુનિયાદી વિદ્યાલયમાં ખેતી શિક્ષક તરીકે તે લાગી ગયા. આશ્રમી વાતાવરણમાં પલોટાતા ગયા. પણ મુદ્દે રાજુભાઈને તો એકાદી શાળામાં ભણાવવાનું માત્ર નહીં પણ કંઈક અવનવું કરવાની હોંશ, કારણ એમનો મૂળ જીવ સંશોધકનો. તે કાળે મોહનભાઈ પરીખે બારડોલીમાં અનોખું યંત્ર-વિદ્યાલય – સુરુચિ વસાહત ખાતે શરૂ કર્યું. તે પૂર્વે મોહનભાઈ નઈ તાલીમના પ્રથમ પ્રયાસરૂપે નારાયણભાઈ દેસાઈની સંગાથે વેડછી આશ્રમની ગ્રામશાળા ચલાવતા રાજુભાઈ તેમનાથી પરિચિત. ખેતી-યંત્રવિદ્યાને પ્રાધાન્ય આપતો આ પ્રયોગ તેમને ગમી ગયો. આથી એમણે પણ આ અવૈધિક શિક્ષણ કેન્દ્રમાં ઝંપલાવ્યું. ત્યાં ખેતીવાડીના પ્રયોગો કરવાની, સજીવ ખેતીના ધરૂવાડિયા કરવાની અને ખેડૂતો સમક્ષ આ નવા વિચારનું પ્રત્યક્ષ નિદર્શન કરવાની રાજુભાઈને મજા પડી ગઈ.
સૂર્યકૂકર ત્યારે નવું નવું શોધાયેલું. રાજુભાઈને યંત્રશાસ્ત્રમાં પણ રુચિ. ત્યાં વળી વિજ્ઞાનને લોકભોગ્ય બનાવાના એવા જ રસિયા મીનુભાઈ કકલિયા પણ જોડીદાર તરીકે મળી ગયા. આ રાજુભાઈ-મીનુભાઈની જોડીએ સુરત જીલ્લાના ગામોમાં અનેક અવનવા પ્રયોગો ‘સુરુચિ’માં રહીને કર્યા. સૂર્યકૂકરને લોકભોગ્ય અને બને તેટલું સસ્તુ બનાવવામાં આ રાજુભાઈ-મીનુભાઈની બેલડીનું આગવું પ્રદાન. ભાળ મળતાં આ વિષયના તજજ્ઞ એક વિદેશી મિત્રને પણ બારડોલી તેડયા અને કૂકરના સંશોધને જાણે કે હરણફાળ ભરી. નવસંસ્કરણ પામેલા સૂર્યકૂકરનું બારડોલીમાં ઉત્પાદન થવા લાગ્યું. સામાન્ય પરિવારો હોંશે હોંશે કૂકરને અપનાવવા લાગ્યા. શરૂઆતમાં સૂર્યકૂકરમાં કેવી રીતે રસોઈ કરવી, કેવું આયોજન કરવું તેના શિક્ષણ વર્ગો પણ રાજુભાઈ-મીનુભાઈની જોડીએ ચલાવ્યા. પછી તો આ રીતની ઊર્જા-બચત, પર્યાવરણની જાળવણી અને સજીવખેતી એ એમનું મિશન જ બની ગયું.
બારડોલી-વેડછીની રાષ્ટ્રીય ધરીમાં ખૂંપેલા રાજુભાઈને આ ક્ષેત્રના એક મોભી શ્રી ઝીણાભાઈ દરજીનો સંપર્ક થયા વિના કેવી રીતે રહે ? એઓ પણ પાછા સજીવખેતી વાળા. પછી તો એમને વ્યારા તેડી લીધા. રાજુભાઈની પ્રતિભા (ટેલેન્ટ)નો બહોળા પટે લાભ લેવો જોઈએ એ યુવા-ખોજી સ્વ. ઝીણાભાઈએ માપી લીધું. તે વેળા વ્યારામાં અનોખું ‘સફાઈ વિદ્યાલય’ ચાલે. તેમાં રાજુભાઈને પ્રથમ તો જોડ્યા. સાથે જ ગ્રામ સેવા સમાજ વ્યારા દ્વારા તાલુકામાં ઘણા ઉત્તરબુનિયાદી વિદ્યાલયો ચાલે. તેમનો મુખ્ય ઉદ્યોગ ખેતી. રાજુભાઈને ખેતી સંયોજક બનાવ્યા. ત્યાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેમના વાલીઓને પણ શિબિરો યોજીને નવી ખેતી, સજીવખેતી અને ઊર્જા બચતના વિચારો સમજાવવા – ગળે ઉતારવા લાગ્યા. પછી તો ઝીણાભાઈએ એમને ‘આદિવાસીઓના આદિવાસી’ માટેના સહકારી જીનમાં જોડી દીધા. અહીં ખેડૂત શિબિરોની ભરમાર ચાલી અને રાજુભાઈ પોતાના રુચિક્ષેત્રમાં કોળી ઉઠ્યા. તેમને પોતાના વિચાર પ્રસારવાનો સુંદર મોકો અહીં પ્રાપ્ત થયો.
આ પ્રતિભાશાળી કાર્યકરને ઝીણાભાઈએ બધીજ વાતે મોકળાશ આપી. પછી તો કાર્યકરો માટે વ્યારામાં બનેલી સ્નેહકુંજ કોલોનીમાં રાજુભાઈને પણ જમીન આપી જ્યાં એમણે પોતાનું નાનકડું ઘર બનાવ્યું.
પાછલી ઊંમર લાંબી અને અસાધ્ય બિમારીને કારણે રાજુભાઈની સક્રિયતા ઓછી થઈ ગઈ. પરંતુ, ગાંધી-જુગતરામના આ સૈનિકે પોતાનું સમગ્રજીવન નવી ખેતી-સજીવખેતી ને સમર્પી દીધું.
– ભીખુભાઈ વ્યાસ
જનપથની એક બેઠક જંત્રાણમાં રાખી હતિ ત્યારે એમનો પરીચય થયો હતો. તેમના લેખો દ્વારા તો પરોક્ષ પરીચય હતો જ.દીવંગતને મારા સલામ
LikeLike
It’s an wonderful Thumb Nail sketch of Respected Rajibhai, who had devoted his life to to advocate India Lives In Rural Areas ! Such an Iconic personality, simple leaving, highthinking established his status AS HIGH RANKING GANDHIAN!
Me in person have not seen Gandhiji…but have seen Gandhiji in his act and action! For me he was a source of inspiration and a great guide and philosopher ,will miss him for ever!I offer my prayer with bow 🙇♂️ of respect and gratitude! When I think of him it always occured to my mind..LEGEND NEVER PAASES AWAY….
LikeLike