પ્રિય માનવ જાત,
મારા માટે ખાસ યજમાન (સુપર હોસ્ટ) બનવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.
મેં કદી સ્વપ્નેય વિચાર્યું ન હતું કે કે મને તમારી જેવી જાતિમાં કૂદી જવાની, રહેવાની, વિકસવાની અને ફેલાવાની તક મળશે.
મોટાભાગના વાયરસ ફક્ત તેમના મૂળ યજમાન પ્રાણીને જ જાણતા હોય છે. અમે સામાન્ય રીતે પૃથ્વીના ઘણાં અંતરિયાળ એવા વરસાદી જંગલોના ભેજવાળા વિસ્તારોમાં રહીએ છીએ, જ્યાં અમે વૈવિધ્યસભર અને વિપુલ પ્રમાણમાં વન્યપ્રાણી-સૃષ્ટિવાળા વાતાવરણમાં રહીએ છીએ. એ વાતાવરણ અમને સૌને તંદુરસ્તી પૂરી પાડનારું છે.
પરંતુ જ્યારે તમે જંગલોનો નાશ કરો છો. જયારે તમે માંસ અને ખોટા પ્રયોગો માટે તેમજ અતિશય લાલચને પોષવા કરોડો પ્રાણીઓને પકડો છો અથવા મારી નાંખો છો. ત્યારે તમે અમારા જેવા વાયરસને તેના કુદરતી ઘરમાંથી બેઘર બનાવો છો. પછી અમે ઘરની શોધમાં ભટકવાનું શરુ કરીએ છીએ.
ત્યારે અમને વાયરસને તમારા જેવા નવા યજમાનો સાથે ભેટો થઇ જાય છે. આઠ અબજ વ્યક્તિઓ હવે મારા નવા યજમાન (સુપર હોસ્ટ) બનવા તૈયાર છો ! જેઓ સતત ચાલી રહ્યાં છે, ઊડી રહ્યાં છે અને પાણીમાં તરી રહ્યાં છે….માનવ માંસના જથ્થાની બજાર આધારે ગણતરી કરો તો તમારું વજન પૃથ્વી પરના તમામ સસ્તન પ્રાણીઓના ત્રીજા ભાગ જેટલું છે.
અને તમે પોતાના ખોરાક માટે જે પ્રાણીઓનો ઉછેર કરો છો તે આ ગ્રહ પરના બધા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ કરતા વધુ છે.
જ્યારે તમે અમારા કુદરતી યજમાન પ્રાણીઓને વિલુપ્ત કરવામાં લાગી જાઓ છો. તેનાથી ક્યારેક અમારો નાશ થાય છે તો ક્યારેક અમને ફેલાવા માટે મુક્ત અવકાશ મળે છે.
હવે તમે મારા યજમાન થયા, મને આશરો આપ્યો. અને હું માનું છું કે મારા યજમાનોનો નાશ કરવો એ મારા હિતમાં નથી. કારણ કે હું જાણું છું કે જીવનને ખિલવવા માટે આપણને એક બીજાની જરૂર છે. આપણા સંબધો જ પૃથ્વીને સુંદર અને રહેવા યોગ્ય બનાવે છે.
મારા કારણે તમારા શરીરમાં બીમારી થાય છે. પણ જો તમારી આ માંદગી તમારી આંખો ખોલે છે, તો તે આપણા સૌના ફાયદા માટે હશે. કારણ કે આ પૃથ્વી આપણી સહિયારી છે….આપણી કાયમી યજમાન અને આપણા સૌનું વહાલું ઘર.
પરંતુ મને મૂંઝવતો પ્રશ્ન તમને પૂછું છું કે : શું હું આટલો સુક્ષ્મ જીવ પૂરતો છું ? તમારી આંખો ખોલવા માટે? જો જંગલોના ભયંકર દાવાનળ પૂરતા નથી, જો દુનિયાભરના ગ્લેશિયરનું ગાયબ થઈ જવું પૂરતું નથી, જો મહાવિનાશક વાવાઝોડુ પૂરતું નથી.
તો તમારા અને તમારા પ્રિયજનોના જીવનમાં મૃત્યુની જે છાયા રૂપી મારું આગમન થયું છે તે તમને વિચાર કરવા પ્રેરણા આપશે ? હું જે વ્યાપક બીમારીની વાત કરું છું તેનો ઈલાજ માત્ર માનવજાત પાસે જ છે. એટલે માત્ર તમે જ આપણને સૌને ઉગારી શકો તેમ છો….કારણકે આ બીમારીના મૂળમાં ઘણે અંશે તમારી જ પ્રવૃતિઓ જવાબદાર છે.
ફક્ત તમેને માત્ર તમેજ આ વર્ષો જુના મહાસાગરો, જંગલો અને ઘાસના મેદાનોને ફરી સમૃદ્ધ બને તેવું કરી શકો છો. જે તમારું અને સૌ જીવોનું પોષણ કરે છે. તમે જો તેને સમૃદ્ધ ન બનાવી શકો તો તેને નુકસાન પહોચાડવાનું બંધ કરો. બાકીનું કામ કુદરત પોતાની મેળે કરવા સક્ષમ છે. તમારી દૈનિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની પસંદગી એવીરીતે કરો કે પ્રકૃતિને ઓછામાં ઓછી હાનિ પહોંચે.
લાંબાગાળે તમારી જીવન શૈલી એ રીતે વિકસવો કે કુદરતનું અને તેના અદ્દભૂત સ્વરૂપોનું જતન થાય. સાથે પૃથ્વી આવનારી પેઢી માટે વધુ રહેવા યોગ્ય બને. જો આટલું કરશો તો મારું વહાલું ઘર વર્ષાવન આપો આપ જ સમૃદ્ધ બનશે. કહો, પછી મારે બહાર નીકળવાની જરૂર ખરી?!
પૃથ્વી પોતાના અંતિમ શ્વાસ લે તે પહેલાં સામુહિક રીતે આપણે શાંતિથી વિચારવાની આ તક છે. ખાસ તો તમારે મનુષ્યોએ. ભૂલોને સુધારીને સહિયારા ભવિષ્ય નિર્માણ માટેનો મારગ પસંદ કરવાની આ સોનેરી તક છે. તો મને કહો કે તમે ભવિષ્ય માટે કયો રસ્તો પસંદ કરશો?
લિ.
તમારા શરીરનો નવો મહેમાન
કોરોના
રજૂઆત : પાર્થ (એક યુટ્યુબ વિડીયોના આધારે)
👍👏
LikeLike