સુમનભાઈ દેસાઈનો જન્મ 20મી જાન્યુઆરી 1923ના રોજ સુરતમાં થયો હતો. બહુ નાની વયે તેઓ સ્વાતંત્ર્યની લડતના રંગે રંગાયા હતા. 1942માં હિંદ છોડોની થયેલી હાકલને અનેક નવજુવાનિયાઓની જેમ સુમનભાઈએ પણ ઝીલી લીધી હતી. સુમનભાઈ છોટુભાઈ દેસાઈ, ગુણવંતભાઈ ઈશ્ર્વરલાલ દેસાઈ, બિપિનભાઈ ધીરજલાલ દેસાઈ (બિપિનભાઈ-ગુણવંતભાઈ) અને ઈશ્ર્વરભાઈ દેસાઈ એમ ચાર મિત્રો વચ્ચેનું સખ્ય ચાલીસના દાયકાથી શરૂ થયું જે આમરણ ટકી રહ્યું.
1942ની સાલનો જ એક પ્રસંગ છે. સુમનભાઈ અને ગુણવંતભાઈને લડતનું રણશીંગું ફૂંકતી પત્રિકા લેવા જવાનું કામ સોંપાયેલું. બિપિન-ઈશ્ર્વરને પિકેટીંગ માટે જવાનું. જેવી પત્રિકા હાથમાં લીધી અને છાપો પડ્યો. પત્રિકા સહિત સુમનભાઈ ને ગુણવંતભાઈ ઝડપાઈ ગયા. બે મહિના સુરત સબજેલ (તે વખતે) રાખવામાં આવ્યા અને ત્યારપછી સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક વર્ષની સખત કામની કેદની સજા કરવામાં આવી. એટલે સોંપાયેલું કામ પૂરું કરો તો જ જમવાનું મળે તેવી સજા. જેલની અંદર પૂ. રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા જેવા સજ્જનો અને ગુજરાતના રચનાત્મક કાર્યકરો સાથે સુમન-ગુણવંતનો સંપર્ક થયો. અનેક ચર્ચા-વિચારણા થતી રહેતી. ચારેય મિત્રોએ તે વખતે નક્કી કરેલું કે ભણવાનું પૂરું કરીને જમીન-ખેતી પર જીવવું – ટોલસ્ટોય ફાર્મ બનાવવું. જેલવાસ દરમ્યાન કામ, સંપર્કો ઉપરાંત સદ્વાંચન પણ ચાલ્યું.
1945ની સાલમાં સુમનભાઈએ ભણવાનું ફરી પાછું શરૂ કર્યું. બી.એ. અને એમ.એ.ની ડીગ્રી પ્રાપ્ત કરી વલ્લભ-વિદ્યાનગરમાં અધ્યાપન કાર્ય કર્યું. ત્યાર પછી રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયામાં પણ કામ કર્યું અને ગુજરાત રાજ્યની સ્થાપના બાદ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની રચના થતાં જી.એસ.આર.ટી.સી.ના મુખ્ય આંકડાશાસ્ત્રી (ચીફ સ્ટેસ્ટીશીયન) તરીકે નિમણૂંક થઈ હતી. નિવૃત્તિ સુધી તેમણે આ જ કામ કર્યું. આમ તો અગાઉ કહ્યું તેમ મિત્રોએ ઉત્તમ જીવન ખેતીનું અને ટોલસ્ટોય ફાર્મ બનાવવાનું નિર્ધારેલું પરંતુ સંજોગવશાત્ સુમનભાઈએ નોકરી કરી. આમ છતાં આ મિત્રોની મૈત્રી છેવટ સુધી અકબંધ રહી એટલું જ નહીં, સુમનભાઈ અત્યંત સાદાઈભર્યું જીવન જીવી ગયા અને પોતાની સંપૂર્ણ સંપત્તિ કર્મશીલો માટે વાપરવી તેવો નિર્ણય જીવનની શરૂઆતમાં જ તેમણે લઈ લીધો હતો. નોકરી છતા બિપિનભાઈ-ગુણવંતભાઈ દ્વારા ખેતી અને ખેડૂતના પ્રશ્ર્નોથી સુપેરે માહિતગાર રહ્યા તથા જાહેરજીવનમાં રહ્યા.
સુમનભાઈ રિટાયર થયા પછી મિત્રો સાથે સુરત જ રહેવાની ઇચ્છા પ્રગટ કરતાં આ લખનારે જ બાંધેલા રવિશંકર સંકુલમાં પત્ની પુષ્પાબહેન સાથે સ્થાયી થયા. સુરતમાં આવ્યા પછી આ મિત્રોના નિત્યક્રમ – સુ.શ્રી પદ્માકર ફરસોલે, પ્રો.કિશોર દેસાઈ, ઈશ્ર્વરભાઈ દેસાઈ અને સુમનભાઈ બિપિનભાઈ – ગુણવંતભાઈને ઘેર સાંજે 5 થી 7 ભેગા થાય. વિનોબા, વિવેકાનંદ, જયપ્રકાશજી, બબલભાઈ, ગાંધીજીનાં પુસ્તકોનું વાંચન, ચર્ચા-વિચારણા થાય. દેશની પરિસ્થિતિ-પ્રશ્ર્નો-કર્મશીલોનાં કાર્યોની વાતો થાય. સુમનભાઈ તો સારા રોકાણકાર એટલે પોતાની મૂડી વધારતા રહેતા. જાહેર કામોમાં પૈસા વાપરવા મંગલમ્ ટ્રસ્ટની રચના કરેલી. મંગલમ્ અને બિપિનભાઈ-ગુણવંતભાઈના મૈત્રી ટ્રસ્ટે મળીને ગુજરાત, મહારાષ્ટ્રનાં જાહેર કામો તેમજ કર્મશીલોને વર્ષોથી આર્થિક સહયોગ પૂરો પાડવાની એક પરિપાટી પાડી છે.
સુમનભાઈ હંમેશાં છેલ્લામાં છેલ્લા માણસને કઈ રીતે મદદરૂપ થવાય તેની ચિંતામાં રહેતા, ગાંધીવિચારનું કામ, સજીવ ખેતીનાં કામો. સિદ્ધાંત-પૂર્ણ જીવન જીવનારાઓને મદદ કરવાની ભાવના હંમેશાં રહેતી. આર્થિક મદદ પાછળ સારાં કાર્યો ચાલતાં રહે તેવી લાગણી. આર્થિક મદદ કરે તેની સાથે એ કામો કેવાં ચાલે છે, તેનાથી સમાજને, લોકોને શું ફાયદો થયો તે જાણવાની તેમને હંમેશા ઈંતેજારી રહેતી. ગુજરાતના લગભગ બધા જ કર્મશીલોને તેઓ મદદરૂપ થયા છે – મિત્રો મળવા આવે તો ખૂબ રાજી થતા અને તેમની પાસેથી વિગતવાર કામ વિશે જાણતા. કોઈ કામ પણ ઉપયોગી લાગે તો ઉપરવટ જઈને વધુ મદદ પણ માંગ્યા વિના મોકલી આપતા.
આ મિત્રો જેમ વૃદ્ધ થતા ગયા તેમ સમયસર પોતાનાં કામો યુવાનોને સોંપવાનું પણ મુનાસિબ માન્યું. બિપિનભાઈ-ગુણવંતભાઈની જેમ સુમનભાઈએ પણ મંગલમ્ ટ્રસ્ટનો બધો વહીવટ આ લખનાર ઉપાડી લે તેવી ઇચ્છા વ્યક્ત કરી. તેમનું કહેવું એવું હતું કે મૈત્રી ટ્રસ્ટ અને મંગલમ્ ટ્રસ્ટના ઉદ્દેશ્યો સમાન હોઈ મંગલમ્ ટ્રસ્ટને મૈત્રી ટ્રસ્ટમાં ભેળવી દઈએ. પરંતુ, તેમને સમજાવીને મંગલમ્ ટ્રસ્ટનો ટ્રસ્ટી બન્યો અને બધી મદદ કરવાની બાંહેધરી આપી. વિના વિલંબે સુમનભાઈએ દરેક ખાતામાં મારું નામ જોડી દીધું. આવો વિશ્ર્વાસ અને નિસ્પૃહતા ! પોતાની કમાણીનો કોઈ મોહ નહીં. સુમનભાઈ અને તેમનાં પત્નીની સેવા કરનારને પણ પાછળની જિંદગીમાં મુશ્કેલી ન પડે તેવું આયોજન કરીને તેઓ ગયા. એ લોકોની ચિંતા કરીને એમને માટે જુદા પૈસા મુકાવ્યા.
સુમનભાઈની નિષ્ઠા કેવી સો ટચની હતી તે સમજવા માટે અહીં બીજો એક પ્રસંગ પણ ટાંકું. બિપિનભાઈના વીલ માટે સુમનભાઈને સાક્ષી તરીકે કોર્ટમાં હાજરી આપવાની હતી. તે સમયે 95 વર્ષની વયે આખી બાબતનો બરાબર અભ્યાસ કરીને આવતા. ન્યાયાધીશને પણ સૂચના આપતા. તેમને કહેતા આ સારું કામ છે, તેને માટે તારીખ કેમ પાડો છો, મોડું કેમ કરો છો. એટલી જાગૃતિ કે દરેક મુદ્દાના જવાબ લખાવે તે ફરી વંચાવે- ભૂલ હોય તો સુધારે. તેમને કહ્યું કે આ ઉંમરે હવે તસદી ના લો, જજને આપણે ઘરે લઈ આવીએ. તો કહે, પણ મારાથી જવાય એવું છે, તો હું જઈશ. કેટલીક વાર સાંજે સાત વાગ્ય સુધી વગર થાક્યે ક્રોસ એકઝામીનેશનના બધા જવાબો આપે. ન્યાયાધીશ કહે, મારી આખી કારકિર્દીમાં આટલા સારા જવાબો આપનાર મેં ભાગ્યે જ જોયા છે. એમની લગન હતી કે કોઈપણ સંજોગોમાં બિપિનનું સપનું સાકાર થવું જોઈએ.
આગળ કહ્યું તેમ પોતાની બધી મિલકત – પુષ્પાબેન જીવે ત્યાં સુધી એમની વ્યવસ્થાઓ કરીને બાકીનું બધું બચે તે સર્વોદય – અંત્યોદય – છેવાડાના લોકોનાં કામોમાં વહેંચી દેવાય એવું વીલ કરીને તેઓ ગયા છે. ચાર-પાંચ વર્ષ પહેલાં બોલાવીને કહે, “હવે મારા જીવનનો કોઈ ઉપયોગ રહ્યો નથી, સંથારો કરવો છે.” ત્યારે અમે પૂ.મહારાજની વાત એમને યાદ કરાવી. મહારાજ કહેતા, “ઈશ્ર્વરને ઇચ્છા થાય ત્યારે એ આપણને લે. સ્વેચ્છાએ મૃત્યુ માંગવું એ તો આત્મહત્યા કહેવાય.”
પુષ્પાબેન અને સુમનભાઈ બંને ખૂબ સંતુષ્ટ, પ્રસન્ન વ્યક્તિત્વના સ્વામી. ક્યારેય કોઈ ફરિયાદ નહીં, કોઈ નકારાત્મક ભાવ નહીં. તા. 25/1/2020ના રોજ સુમનભાઈએ દેહત્યાગ કર્યો ત્યારે પણ સંપૂર્ણ સ્વસ્થતા અને શાંતિપૂર્વકની વિદાય. વર્ષોથી તેઓ સવારે 4 વાગ્યે ઊઠીને પ્રાણાયામ કરતા. 90-92 વર્ષની ઉંમર સુધી નિયમિત તરવા જતા, ધ્યાન અને યોગાસન કરતા. અત્યંત પવિત્ર વ્યક્તિત્વ. સજ્જન, સાત્ત્વિક, સંસ્કારી પરિવાર. જે કોઈ એમના સંપર્કમાં આવે તેને પ્રેરણા પૂરી પાડે એવું આ દંપતી. આધ્યાત્મિક દૃષ્ટિએ પણ એક ઊંચાઈ પર પહોંચેલા. સજ્જન તેટલા જ નમ્ર. આવા સુમનભાઈના વ્યક્તિત્વમાંથી આપણને સૌને હંમેશાં પ્રેરણા મળતી રહેશે.
– પરિમલ દેસાઈ(સુરત)
I knew him closely since childhood. Sumankaka & Pushpamasi were a great couple. Non complaining & ever smiling. An inspiration for this generation. Far ahead in spiritual journey. Was so happy to see them before he passed away& was equally happy to see Pushpamasi after he left for the heavenly abode. May God bless her good health & I am sure Sumankaka is in a better place .
LikeLike