આપણા મહાન દેશની મુલાકાતે, અમેરિકાના પ્રમુખ શ્રી ટ્રમ્પ પધારી રહ્યા છે ત્યારે આપણી ભવ્ય સંસ્કૃતિને અનુસરી તેમની સરભરામાં કોઈ મણા ન રહી જાય, તેમની સલામતીમાં કોઈ છીંડાં ન રહી જાય, જરા સરખી અગવડ માટે કોઈ ફરિયાદને અવકાશ ન રહે તે માટે આપણા શાસકો અને ઉચ્ચ અધિકારીગણ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી રહ્યા છે. બિચારી જનતા, વિસ્મય અને વિષાદથી, સામાન્ય દિવસોમાં જોવા મળતા આ કાચબાઓનું, સસલામાં થતું રૂપાંતર જોઈ રહી છે.
આ આધુનિક જગન્નાથની નજરે આપણા દરિદ્ર, કંગાળ, ઉપેક્ષિત દેશબાંધવો નજરે જ ન પડે તે માટે ઝૂંપડપટ્ટી ઢાંકી દેવા, દીવાલ ચણી લેવાયાના સમાચાર વાંચી, આવો અદ્ભુત વિચાર જેના દિમાગમાં સ્ફૂર્યો, તેની બૌદ્ધિક નાદારી પ્રત્યે કયા શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરવો તે જ સમજાતું નથી !

જે દેશના પ્રધાનમંત્રી ક્યારેક પોતે ભૂતકાળમાં ચા વેચતા હતા, એની છાશવારે દુહાઈ દઈ, સંઘર્ષશીલ કારકિર્દીનું વર્ણન કરી, કરોડો લોકો (મતદારો વાંચવું) સાથે ઐક્ય અનુભવતા હોય, તેમના જ રાજમાં ગરીબોને કલંકરૂપ ગણી પાર્શ્ર્વભૂમાં ધકેલી દેવામાં આવે, તે અસહ્ય, ક્રૂર મજાક છે. મહેમાન આવવાના હોય ત્યારે શું કોઈ માતાપિતા પોતાનાં ખોડખાંપણ ધરાવતાં, કદરૂપાં, મંદબુદ્ધિ સંતાનોને બીજા ઓરડામાં પૂરી દે છે ! જો કે, આમાં નવાઈ પામવા જેવું પણ નથી કારણ કે, આપણા રાજકર્તાઓનું મૂળ કામ જ દીવાલ ચણવાનું છે – પછી તે ધર્મના નામે હોય કે ભાષાના નામે, અનામત અને બિન અનામત વર્ગ વચ્ચે, પ્રદેશ પ્રદેશ વચ્ચે હોય. સારુ છે કે નાગરિકતા પુરવાર કરવા પ્રમાણપત્રોના અભાવે ગરીબોને દેશનિકાલ કરવામાં આવ્યા નથી. શ્રીમંતો વડે, શ્રીમંતોની, શ્રીમંતો માટે ચાલતી સરકાર – આજના સંદર્ભમાં લોકશાહીની નવી વ્યાખ્યા.
આપણે વાંચીએ છીએ, પોતાના ગરીબ સખા સુદામાને ભેટવા, સિંહાસન પરથી ઊતરી કૃષ્ણ દોડી ગયા હતા. ટ્રમ્પના મિત્રવર્તુળમાં કયાં કોઈ સુદામા છે, જેને ભેટવા તે આતરુ હોય ? જેની મૈત્રી માટે ગર્વ હોય ? પ્રશ્ર્ન થાય છે, શું તમામ અમેરિકનો ધનાઢ્ય છે ? ત્યાં ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે ? તેમનાં નામે ચૂંટણીની વૈતરણી તરી જઈ તેમને ભૂલી જવામાં આવે છે ?
હિંદીમાં કહેવત છે, ‘ઇંળયપિૂ ્રુ્રૂળ ઉંઢજ્ઞ ણવિં વળજ્ઞટજ્ઞ ?’ આપણા દેશમાં આર્થિક રીતે ગરીબ કરતાં, બૌદ્ધિક રીતે દરિદ્ર વધુ છે, જેમને શું બોલવું, કોની સાથે કેવો વ્યવહાર કરવો તેની સૂઝ નથી.
તમામ દુર્ગુણોનો ભંડાર ગરીબો જ હોય એમ માની લેવામાં આવે છે. તેમનું શોષણ સરળતાથી થઈ શકે છે. સિતમ ગુજારી શકાય છે. લાલુપ્રસાદ યાદવને જેલમાં બાદશાહી સવલત મળે ત્યારે કોઈ ગરીબને ‘થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ’ આપવામાં આવે, અસહ્ય જુલમને કારણે કોઈ કેદી આપઘાત પણ કરી બેસે.
આપણા જનપ્રતિનિધિઓ સારી રીતે જાણે છે કે એકાદ દીવાલ ચણાવી લેવાની બેઅદબી બદલ કોઈ ગરીબની ‘આર્થિક લાગણી’ નહીં દુભાય, કોઈ વિરોધ કરવા રેલી નહીં કાઢે, કોઈ ઉપવાસ પર નહીં ઊતરે (આમેય બિચારાનાં પેટ ખાલી જ હોય છે ને !)
એક ધનાઢ્ય પિતાના સંતાને ‘એક ગરીબ’ પર લખેલો નિબંધ વાંચો. ‘એક ગરીબ હતો. તેનો ડ્રાઈવર ગરીબ હતો, પી.એ.ગરીબ હતો. માળી ગરીબ હતો. તેનો દીકરો ઓક્સફર્ડમાં અભ્યાસ કરતો હતો, તે ‘પોશ’ વિસ્તારમાં ભીખ માગતો હતો, તે ‘બેગર્સ યુનિયન’નો પ્રમુખ હતો’ વગેરે.
આપણા શાસકો માટે રાજકારણ સેવા નહીં, ખેતી બની ગયું છે, જ્યાં મબલખ પાક લઈ શકાય છે. વારસામાં તેમનાં સંતાનોને આ ફળદ્રુપ ખેતર મળે છે. ટ્રમ્પ સાહેબ આભાર આપનો. આપના આગમનને કારણે રસ્તાઓની મરામત થઈ ગઈ. ગાંધીઆશ્રમ તરફ ધ્યાન ગયું. અસામાજિક તત્ત્વોની હકાલપટ્ટી થઈ. ગંદકીનું નામોનિશાન ન રહ્યું. હવે કોના આવવાથી અમારા જાહેજીવન અને રાજકારણની ગંદકી દૂર થાય છે, તેની રાહ જોઈએ.
– રમેશ કોઠારી
મો.: 9427650664