વિનોબા – જીવન અને દર્શન :

ઇતિહાસનાં ઓછાં વંચાયેલા પાનાં (ભાગ-8)

આ લેખમાળામાં સ્વરાજ શાસ્ત્ર પુસ્તક વિશેનો આ ત્રીજો લેખ છે. સ્વરાજ્ય શાસ્ત્ર પાંચ પ્રશ્ર્નોના જવાબને સમાવતું પુસ્તક છે આપણે ત્રણ પ્રશ્નોના વિનોબાજીએ આપેલ વિસ્તૃત જવાબો જોયા. આખો ઝોક અહિંસક સમાજ રચના તરફનો છે. અંગ્રેજી પુસ્તકના નામ નીચે તો લખ્યું જ છે – ’The Principles of a Non-Violent Political Order’.

ત્રણ પ્રશ્ર્નોના જવાબ વાચકને મનમાં ઠસાવી દેવામાં કામયાબ થાય કે સમાજ રચનાના પાયામાં, તેના સંચાલનમાં અહિંસા પાયાનું તત્વ હોવું જોઈએ. વાચક તે માટે તૈયાર પણ થઈ જાય પણ મનમાં પ્રશ્ર્ન થાય –

(૧) અહિંસા ઉપર રચેલી રાજ્ય પદ્ધતિ ટકી શકે ખરી?

(૨) જ્યારે બીજા બધા રાષ્ટ્રો હિંસાવાદી હોય ત્યારે કોઈ એક જ રાષ્ટ્ર અહિંસાવાદી રહી શકે ખરું?

આજે પણ દેશમાં ગાંધી દર્શનમાં શ્રદ્ધા ધરાવતા ઘણા બધાને આ પ્રશ્ન સતાવતો જ હોય છે. વિનોબાજી પોતાની વાતને સમજાવવા માટે જરૂર પડે તર્કની મદદ પણ લે છે. પ્રશ્ન પૂછનારના મન ને, વિચારને તપાસે છે અને કહે છે પ્રશ્ન પૂછનારના મનમાં એવી માન્યતા દેખાય છે કે, હિંસા ઉપર રચાયેલી રાજ્ય પદ્ધતિ ટકી શકે છે.

વિનોબાજી ઇતિહાસના આધારે કહે છે, કોઈ પણ રાજ્ય પદ્ધતિ હિસાના આધારે ટકી હોય એવો અનુભવ ક્યાંય દેખાતો નથી. આગળ ઉપર કહે છે હિંસાની છાપ મન પર એટલી બધી પડી છે કે  હજાર વાર હિંસા નિષ્ફળ ગઈ હોય તો પણ તેની યશશ્વિતા બાબતમાં આપણા મનમાં હજી શ્રદ્ધા ટકી રહી છે.

હવે વિનોબાજી તર્કની ભાષામાં વાત કરે છે – હિંસા ઉપર રચાયેલી કોઈપણ પદ્ધતિ ટકી શકી નથી, એ નિષેધક પુરાવો પણ અહિંસા વિના રાજ્ય પધ્ધતિ ટકી શકે નહીં, એવો નિષ્કર્ષ કાઢવા પૂરતો મનાવો જોઈએ. (The negative evidence provided by the fact that no state based on violence has survived should suffice to make us conclude that a state can not survive except through non-violance.)

વિનોબાજી આગળ ઉપર કહે છે – જે ગણીગાંઠી રાજ્ય પદ્ધતિઓ ભૂતકાળમાં ટકી શકી અથવા આજે ટકી રહી છે તે લોકમત શક્તિનું, એટલે જ એના પર્યાયરૂપ અહિંસાનું, પીઠબળ મેળવવા માટે સદાય ઉત્સુક હોય છે એ વાત ધ્યાનમાં લેતાં, ગમે તેવા કટ્ટર હિંસાવાદીને પણ એવી જબરદસ્ત શંકા ઊઠવી જોઈએ કે, રાજ્ય પદ્ધતિના સ્થાયિત્વનું અધિષ્ઠાન અહિંસા તો નહીં હોય ?

વિનોબા હજુ વધુ ઊંડાં જઈને વાત કરે છે, કોઈને એમ પણ લાગતું હશે હિંસાના પ્રયોગો નિષ્ફળ ગયા, હિંસાના પાયા પર રાજ્ય વ્યવસ્થા ચલાવવા ગયા, તેમાં સફળતા ન મળી, તેમાં બીજો કોઈ દોષ હોવો જોઈએ. આવી શંકા કે તર્કનો લાભ ક્યાં સુધી હિંસાને આપ્યાં કરવાનો ? સાચી વાત તો એમ છે કે, ‘શેરને માથે સવા શેર’ એ ન્યાયે, એક હિંસા કરે તો બીજો તેનાથી વધુ હિંસા કરે, ત્રીજો વળી બીજાથી પણ એ બાબતમાં ચડી જાય; એમ કરતાં કરતાં આપણે સંપૂર્ણ યુદ્ધ – Total War, સુધી આવી પહોંચ્યા છીએ.

એક કસોટી

ગાંધીજીએ કોઈ કામ કરવું કે ન કરવું તેવી જ્યારે કોઈને મુંઝવણ અનુભવાતી હોય ત્યારે આપણને એક રસ્તો બતાવ્યો હતો. જે કામ કરવાથી છેવાડાના માણસને લાભ થતો હોય તે કામ અવશ્ય કરવું. વિનોબાજી આપણને એક બીજા પ્રકારની મુંઝવણમાં માર્ગ બતાવે છે. કોઈ પણ સિદ્ધાંત કે તત્વ નૈતિક દૃષ્ટિથી યોગ્ય કે અયોગ્ય છે તથા વ્યાવહારિક દૃષ્ટિથી લાભદાયક છે કે હાનિકારક છે, તે નક્કી કરવાની નીતિશાસ્ત્રકારોની એક કસોટી બતાવે છે. આપણે તે સિદ્ધાંતને સાર્વત્રિક કરી જોવો, એ સિદ્ધાંત બધાને લાગુ કરી જોવો, આમ કરતાં શું પરિણામ આવે તેનો વિચાર કરવો.આમ વ્યાપકતમ પ્રયોગનું શું પરિણામ આવે છે તે જેવું. આમ વ્યાપક કરી જોતાં જે સિદ્ધાંત નાશ પામવા લાગે છે અથવા તે ટકી ન શકે તેવું લાગે, આત્મધાત કરી લે એ સિદ્ધાંતને નીતિ તેમજ વ્યવહાર બન્નેની દૃષ્ટિથી ચોક્સ પ્રમાણે નકામો માનવો જોઈએ. દાખલા તરીકે આપણને પ્રશ્ન થાય કે ભીખ માંગવી યોગ્ય છે કે અયોગ્ય છે ? હવે આપણે વિચારીએ સમગ્ર સમાજ ભીખ માગે તે શક્ય બને ? આવું શક્ય ન બની શકે. ભીખ ત્યારે જ ટકે જ્યારે સામે કોઈ આપનાર હોય. આમ ભીખ માગવી અયોગ્ય છે તેમ નિર્ણય લઈ શકાય.

આવો જ નિર્ણય કરવાની પ્રક્રિયા વિશ્વના બધા રાષ્ટ્રોએ હિંસાની બાબતમાં અપનાવવી જોઈએ. પરંતુ આપણે તો ‘શેર ને માથે સવા શેર’નો માર્ગ અપનાવતા અપનાવતા આગળ વધતા રહ્યા છીએ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં હારેલા રાષ્ટ્રો અન્ય રાષ્ટ્રોનો સાથ મેળવીને ફરી યુદ્ધ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. હવે માત્ર હિંસા એ આત્મધાત કરીને અહિંસાને માર્ગ કરી આપવા સિવાય બીજો કોઈ અન્ય માર્ગ રહ્યો નથી.

વિનોબાજી કહે છે હવે માત્ર વિવેકી લોકમત જ નહીં, પણ સર્વ સામાન્ય લોકમત પણ એ નિર્ણય પર ધીરે ધીરે આવી રહ્યો છે કે હિંસાનો માર્ગ છોડીએ.

અહિંસામાં એકની જીત બીજાની હાર નથી

હિંસાનો માર્ગ છોડી દેતાં હવે અહિંસાનો માર્ગ જ બાકી રહે છે. અહિંસાના માર્ગમાં ‘શેર ને માથે સવા શેર’નો ન્યાય લાગુ પડતો નથી. એકની જીત એ બીજાની હાર એ ન્યાય હિંસાનો છે. અહિંસામાં તો એકની જીત એજ બીજાની જીત હોય છે. આમ કરવા છતાં જો કોઈ વિવાદ રહેતો હોય તો ઉકેલ લાવવા માટે કોઈ તટસ્થ પંચની મદદ લઈ શકાય છે. અહિંસાની પદ્ધતિ આટલી સરળ છે.

અહિંસાનો રાષ્ટ્રવ્યાપી પ્રયોગ

વ્યક્તિગત ક્ષેત્રે અહિંસાનો પ્રયોગ કરતાં બેમાંથી એક અહિંસક વ્યક્તિની સામેની હિંસક વ્યક્તિના મન પર અસર થાય તે પહેલાં જ હિંસક વ્યક્તિ પોતાનો મિજાજ ખોઈ બેસે તેમ બનવાની શક્યતા છે.  તે અહિંસક વ્યક્તિને મારી પણ નાંખી શકે છે. વ્યક્તિ વચ્ચેના ઝઘડામાં આમ શકય બની શકે છે. પરંતુ રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના ઝઘડામાં આમ બનવું અશક્ય છે. બે રાષ્ટ્રોમાં એક રાષ્ટ્ર એકા એક ગાંડપણમાં આવી જાય અને અહિંસક રાષ્ટ્રને ખતમ કરે તેવું ન બને. વિનોબાજી ખાસ કહે છે રાષ્ટ્રીય યુદ્ધમાં અહિંસાનો આશરો લેનારું રાષ્ટ્ર શા સારું વિજયી ન નીવડે, એને માટે આપણી પાસે કોઈ તૈયાર જવાબ નથી. તેમજ જેમ હિંસાના યુદ્ધમાં જ્યાં એકનો જય એ બીજાનો ક્ષય બરાબર છે તેવું સમીકરણ ન હોય ત્યાં અહિંસક રાષ્ટ્રના વિજયની બાબતમાં શંકા ઉઠાવવાને જરાય કારણ નથી.

અહિંસક રાજ્ય પધ્ધતિમાં સંગઠન, કેળવણી અને ત્યાગ

જેમ યુદ્ધની તૈયારી માટે લશ્કરની ટ્રેઇનીંગ આપવામાં આવે છે, તે માટેના વિવિધ જૂથ કે સંગઠનો બનાવવા પડે છે, તે પ્રમાણે અહિંસક રાજ્ય પદ્ધતિ માટે પણ સંગઠન અને શિક્ષણ પ્રચાર વગેરેની જરૂર રહેવાની. તેવા સંગઠનો જુદા પ્રકારના હશે. સમાજની દરેક વ્યક્તિના જીવનને સ્પર્શી શકે એટલું વ્યાપક તે હોવું જરૂરી છે. જ્ઞાનપૂર્વક અહિંસાના પથ પર ચાલવાનું હોય છે, અહિંસામા માત્ર શ્રદ્ધા નહીં નિષ્ઠા કેળવવી પડશે. સર્વ સામાન્ય જનતાની વૃત્તિ મોટા ભાગે અહિંસક જ હોય છે તેણે હવે સિદ્ધાંત તરીકે અહિંસા અપનાવવી જોઈએ. એનો અર્થ એ થયો કે નિષ્ક્રય અહિંસાથી કામ નહીં ચાલે, તેના સ્થાને જીવનનાં બધાં ક્ષેત્રોને વ્યાપનારી સક્રિય અહિંસા હોવી જોઈએ.

સમાજની આજે જે આર્થિક – સામાજિક વ્યવસ્થા ચાલુ છે, તે જ જો જેવીને તેવી જ કાયમ રહે એમ માનીએ, તો તેમાં અહિંસાના પ્રવેશ માટે અવકાશ ક્યાંથી મળે ? રાષ્ટ્રના આંતરિક વ્યવહાર અને આંતરરાષ્ટ્રીય વ્યવહાર અહિંસાના આધારે ગોઠવવા પડે.

હિંસક રાજ્ય પદ્ધતિના સંરક્ષણ માટે રાષ્ટ્રોને ભારે મોટો ત્યાગ કરવો પડે છે. આપણે જ્યારે અહિંસક રાજ્ય પદ્ધતિના બચાવની વાત કરીએ છીએ ત્યારે માત્ર શરીરને તેમજ માલ મિલકતને કશી જ આંચ આવ્યા વિના જ કામ પતી જાય એવી આશા ન રાખી શકાય. આપણે સામા પક્ષનો વાળ પણ વાંકો કર્યા વિના શાંતપણે પ્રત્યાર્પણ કરવાની તૈયારી કરવી પડશે. અહિંસક જીવન એટલે માત્ર પ્રાસંગિક ત્યાગ નહીં. પણ સતત અવિરત ત્યાગ; અને એકલો લૂલો ત્યાગ નહીં, બલ્કે ત્યાગનો આનંદ.

અહિંસક રાજ્ય પદ્ધતિઉચ્ચ કોટિના માણસો

શું અહિંસક રાજ્ય વ્યવસ્થા અતિ માનવો – ઉચ્ચ કોટિના માણસો દ્વારા જ શક્ય બની શકે ?

વિનોબા સ્પષ્ટતા કરે છે કે, આપણે જ્યારે અહિંસક રાજ્ય વ્યવસ્થાના બચાવ કે પ્રતિકારની વાત કરીએ છીએ ત્યારે આપણે સામાન્ય કોટિના માણસોનો જ વિચાર કરીએ છીએ. માણસમાં રહેલા પશુત્વને જ તેમાંથી કેવળ બાદ કરીએ છીએ. એ પણ બધામાંથી સાવ બાદ થઈ જશે કે નાબૂદ થઈ જશે તેવી અપેક્ષા રાખતા નથી. એ પશુતા માનવતાના અંકુશમાં રહે એટલી જ અપેક્ષા રાખવામાં આવે છે. તેથી અહિંસક વ્યવસ્થા નિર્માણ કરવી કોઈ પણ રીતે અશક્ય નથી. આવી અહિંસક વ્યવસ્થા જેટલી ટકશે, તેટલી બીજી કોઈ પણ વ્યવસ્થા ટકી શકશે નહીં.

સ્વરાજ્ય શાસ્ત્રમાંનો છેલ્લો પ્રશ્ન

સામાન્ય રીતે સમાજમાં એવું બનતું હોય છે કે કેટલાક લોકો કહે છે અમે તો શાંતિ ઇચ્છીએ છીએ પણ આજુબાજુવાળા શાંતિ ઇચ્છતા નથી. કોઈ રાષ્ટ્ર પણ આવી જ વાત કરી શકે છે, અમે તો અહિંસાવાદી છીએ પરંતુ આજુબાજુના બીજા રાષ્ટ્રો હિંસાવાદી છે, શસ્ત્રોનો ખડકલો કરતા જ રહે છે. કોઈ એમ પણ બચાવ કરે કે શસ્ત્રોનો આ ઢગલો માત્ર ડરાવવા પૂરતો રાખ્યો છે, વાપરવા માટે નથી. આજના જમાનામાં વપરાતો શબ્દ-Deterrent વિનોબાજીએ સ્વરાજ્ય શાસ્ત્ર લખ્યું ત્યારે કદાચ એટલો પ્રચલિત નહીં હોય.

વિનોબાજી કહે છે – અહિંસક રાષ્ટ્ર એકલું હોય તો પણ તે સાર્વત્રિક સહાનુભૂતિના વ્રજકવચમાં સુરક્ષિત હશે. અહિંસક રાષ્ટ્ર પોતાના હિત સંબંધો જાળવવાની જેટલી કાળજી લેશે તેટલી કાળજી તે આસપાસનાં બીજા રાષ્ટ્રોના યોગ્ય હિત સંબંધોની બાબતમાં પણ લેશે. હિંસાવાદી રાષ્ટ્રો પણ સાવ જ ગાંડા બનેલાં નથી હોતા. બલ્કે રાષ્ટ્રો હિંસાવાદી બન્યાં છે તે એક બીજાની અસરને પરિણામે જ બનેલાં છે. કેવળ હિંસા ખાતર હિંસા માણસને પ્રિય નથી હોતી. જે કોઈ એક રાષ્ટ્ર પહેલાં જાગશે તો તે અન્ય રાષ્ટ્રોને પણ જગાડશે. તેમની વિવેક વૃત્તિ પણ પાસેના રાષ્ટ્ર અનુસાર જાગશે.

અહિંસક રાષ્ટ્રની આચાર સંહિતા

0      અહિંસક રાષ્ટ્ર પોતાનો માલ બીજા રાષ્ટ્ર ઉપર જબરદસ્તીથી લાદશે નહીં.

0      તેનું દરેક ગામડું પરિશ્રમનિષ્ઠ અને સ્વાવલંબી હશે.

0      અન્ય રાષ્ટ્રને લૂંટી લેવાની લોભ વૃત્તિ નહીં હોય.

0      પોતાના હિત સંબંધને અન્ય રાષ્ટ્ર પોતાના હિત સંબંધથી વિરોધી માનશે ત્યારે મિત્રતાના ભાવે ચર્ચા દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે.

0      અન્ય કોઈ રાષ્ટ્રમાં દુકાળ જેવી આપત્તિ આવશે તો બની શકે તેટલી સેવા નિષ્કામ વૃત્તિથી કરશે.

0      અન્ય રાષ્ટ્રો સાથે જ્યાં જ્યાં પ્રશ્ર્નો સર્જાશે ત્યાં પંચને સોંપવા તૈયાર થશે.

0      જે કોઈ રાષ્ટ્ર પંચના ચુકાદાને માન્ય નહીં કરે અને હિંસક હૂમલો કે આક્રમણ કરશે તો અહિંસક પ્રતિકાર કરશે.

0      ઉપરના સિદ્ધાંતને અનુસરીને જીવતા કોઈ રાષ્ટ્ર પર અન્ય કોઈ હુમલો કરશે તો તે આખી દુનિયાની સહાનુભૂતિનું વજ્રકવચ પોતાના માટે નિર્માણ કરશે.

અહિંસક રાષ્ટ્ર સંપૂર્ણ પણે ભયમુક્ત રહેવું

જો અહિંસક રાષ્ટ્ર તેના પર કેવાં કેવા સંકટ આવી શકે તેવું વિચારી લે અને જે તે સમયે કેમ વર્તવું એકવાર નક્કી કરી લે તો પછી હરપળે ભયમાં જીવવાની જરૂર ન રહે.

0 પડોશી દેશ પાસે જમીન ઓછી હોય અને જન સંખ્યા વધારે હોય તો તે કદાચ આક્રમણ કરે. પરંતુ આપણે એવો નિર્ણય પહેલેથી લઈ રાખીએ કે આપણી પાસે જમીન વધારે હોય તો સામેથી જ આપણે તેમનું સ્વાગત કરીએ અને આપણી વ્યવસ્થામાં ગોઠવાઈ જવાનું કહીએ. પારસીઓને હિન્દુસ્તાનમાં આશ્રય આપ્યો જ હતો અને તેને તેનાથી કોઈ ગેરલાભ થયો નથી.

0 જો કોઈ રાષ્ટ્ર દુષ્કાળ વખતે ચડાઇ કરે તેવું લાગે તે પહેલાં અહિંસક રાષ્ટ્રે થોડાંઘણાં કષ્ટ વેઠીને પણ દુષ્કાળગ્રસ્ત દેશને મદદ કરવી જોઈએ.

0 કોઈ દેશ લોભના માર્યા પોતાના માલના વેચાણ માટે દેશ કબજે કરવા પ્રયત્ન કરે તો શું કરવું ?

આવું ત્યારે જ બને જ્યારે આપણે આળસુ અને વિલાસી બની જઈએ. તો જ પડોશી દેશ તેનો લાભ લે. આપણી જરૂરીયાત મુજબનું ઉત્પાદન આપણે જ કરતા રહેવું જોઈએ. જો આ નિયમ ન અપનાવીએ તો પછી અહિંસક રાષ્ટ્ર બનવા માટેની પાયાની લાયકાત આપણામાં નહીં રહે.

0 સરહદ પરના મિશ્ર સમાજ સાથે સંડોવાયેલા વિદેશીઓના હિતસંબંધને ખ્યાલમાં રાખીને આક્રમણ કરે ત્યારે બન્ને પક્ષને માન્ય થાય તેવું સમાધાન શોધવું અને અમલ કરાવવો.

બધાજ પ્રયત્નોના અંતે અહિંસા જાળવી મૂકાબલો કરવો. આજ સુધી હિંસાથી જેટલું સંરક્ષણ રાષ્ટ્રોને મળ્યું છે તેના કરતાં આમરણ કષ્ઠ વેઠવાવાળાને ઓછું સંરક્ષણ મળશે તેવું માનવાનું જરૂરી નથી.

પુસ્તકના અંતિમ ભાગમાં વિનોબાજી દુબળી અહિંસાને માન્ય કરતાં નથી. આજે હિંસક લડાઈમાં રોકાયેલા લોકો કેટલા બધાં કષ્ટ વેઠવા તૈયાર હોય છે ? તે મરવા પણ તૈયાર રહે છે. અહિંસાનો સૈનિક પણ બલિદાન આપવા તૈયાર રહેશે. આમ કરવાથી ઓછો લાભ મળશે એવી કલ્પના માનસશાસ્ત્ર મંજૂર નહીં રાખે.

માની લો કે બહારનો કોઈ હુમલો ન આવે પરંતુ આંતરિક બળવો કે હુલ્લડ થાય ત્યારે શું કરવું? આના નિવારણ માટે સ્વયં સેના બધે તૈયાર હશે. જે થોડુંક બલિદાન આપવા તૈયાર હશે. જાગરૂક સેવક પોલીસના સ્થાને કામ કરશે. આદર્શ રાજ્ય વ્યવસ્થા સ્થાપવા માટે આપણી કલ્પના શક્તિને એ વર્તમાન સ્થિતિના ભારમાંથી મુક્ત થઈને વિચારવું પડશે.

આપણે લેખમાળાના ભાગ-પના અંતે નોંધ્યું હતું કે આપણે ‘સ્વરાજશાસ્ત્ર’ તેમજ ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તકો અંગે વિચારીશું. સ્વરાજ્શાસ્ત્ર અંગે આપણે ભાગ 6-7-8 માં વિચાર્યું હવે આગળના લેખમાં ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તક અંગેનો અભ્યાસ રજૂ કરીશું. તે પહેલાં વિનોબાજી એ યુદ્ધ વિરોધી સત્યાગ્રહ દરમિયાન આપેલા પ્રવચનો તરફ નજર નાંખીશું.

રજની દવે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s