સલામ દોસ્ત !

ઉટી જેવા હીલ સ્ટેશનમાં આવેલ ટી એસ્ટેટના મેનેજરની પદવી કંઈ નાની-સૂની નહોતી. તમામ સુખ-સુવિધા સાથેનો વિશાળ બંગલો, ફરતે સુંદર બગીચો, ઘરની સંભાળ રાખવા એક દંપતી, માળી, બાવર્ચી અને એસ્ટેટની દેખરેખ રાખવા ઘણું ફરવું પડે એ માટે એક પાણીદાર ઘોડો. પૉલ રૉબર્ટ આ બધાથી ખુશ હતો. અહીં ભારતમાં આવીને રહેવા એણે પત્નીને કેટલું સમજાવી હતી !

‘ડાર્લિંગ, તું એક વાર આપણાં વિલીને લઈને ઇન્ડિયા આવ તો ખરી! મને ખાતરી છે; તમને બંનેને અહીં બહુ ગમશે.’ પણ કેથી તૈયાર નહોતી.

‘ના, હું તો આ જ દેશમાં રહીશ અને વિલીને પણ અહીં જ રાખીશ. તારે જે કરવું હોય એને માટે તું સ્વતંત્ર છે.’

કેથી નથી જ માનવાની એ જોયા પછી પૉલે એકલા રહેવાનું સ્વીકારી લીધું હતું. વર્ષમાં એકાદ મહિનો કુટુંબ સાથે રહીને ફરી પાછું કામે લાગી જવું એવું એણે નક્કી કર્યું હતું. ઘરની દેખભાળ રાખતો ઈકબાલ અને એની પત્ની શબનમ વિશ્વાસુ હતાં. પૉલ એસ્ટેટ પર જવા નીકળે પછી શબનમ આખું ઘર સાફ કરી નાખતી. એ પાછો ફરે પછીનું બધું કામ ઈકબાલ સંભાળતો. એક સાંજે પૉલ આરામ ખુરશીમાં બેસીને ચિરુટના કશ ખેંચતો હતો ત્યારે ઈકબાલે વિનયપૂર્વક પૂછ્યું,

‘ હુજૂર,  શું આપને આ બૉલ કંઈ કામમાં આવે એમ છે?’ પૉલે જોયું તો એના હાથમાં સાવ જૂનો થઈ ગયેલો એક રબરનો બૉલ હતો. આવો બૉલ ઘરના કોઈક ખૂણાંમાં પડ્યો હતો એવો પૉલને ખ્યાલ પણ નહોતો. એણે પૂછ્યું,

‘કેમ, તારે એનું શું કામ છે?’

‘હુજૂર, મારો ચાર-પાંચ સાલનો દીકરો છે- મહમ્મદ. એને આનાથી રમવાની બહુ મજા પડશે. જો આપની મહેરબાની હોય તો…’

‘ઠીક છે, ઠીક છે. લઈ જા. આપજે તારા દીકરાને.’

બીજે દિવસે સાંજે એ કામેથી પાછો ફર્યો ત્યારે એણે જોયું કે એક બાળક પેલા બૉલથી રમી રહ્યો હતો. એને સમજતાં વાર ન લાગી કે એ મહમ્મદ હતો. સાહેબને પોતાની આટલા નજીક જોઈને એ ઘડીક ગભરાયો પણ તરત મીઠું હસીને, પોતાની નાજુક હથેળી કપાળ સુધી લઈ જઈને એ બોલ્યો, ‘સલામ સા’બ.’

પૉલને એને જોઈને વિલી યાદ આવ્યો. છોકરાને ખભે જરાક ટપલી મારતાં એણે કહ્યું, ‘સલામ, સલામ.’

ધીમે ધીમે પૉલને મહમ્મદમાં રસ પડવા માંડ્યો. એસ્ટેટ પરથી આવીને હજી ઘરમાં દાખલ પણ ન થયો હોય ત્યાં એની નજર  મહમ્મદને શોધવા માંડતી. બગીચામાં પડેલા તૂટેલી ઈંટના ટૂકડા, કપચીઓ, પ્લાસ્ટીકના પાઈપના ટૂકડા જેવી નકામી વસ્તુઓમાંથી મહમ્મદ અવનવી આકૃતિઓ બનાવતો રહેતો. કોઈ કલાકાર પોતાની કલાકૃતિને આખરી ઓપ આપી રહ્યો હોય એવી તન્મયતાથી રોજ કંઈક નવું સર્જન કરતાં આ માસૂમ બાળકને જોઈને એનાં હૈયામાં વાત્સલ્ય ઊભરાતું.

ભલે ‘સલામ સા’બ’ અને ‘સલામ, સલામ’થી વધુ સંવાદ એ બે વચ્ચે ન થતો હોય પણ બંનેને એકમેકની આદત પડી ગઈ હતી એટલું નક્કી. વપરાઈ ચૂકેલી બૉલપેનની રીફીલ, બેટરીના સેલ કે જૂનું ઘડિયાળ પૉલ સાચવીને રાખી મૂકતો અને ઈકબાલને બોલાવીને કહેતો,

‘લે, આ બધું મહમ્મદને આપજે. એ આમાંથી જરૂર કંઈક નવું બનાવી કાઢશે. ઈકબાલ, મને લાગે છે કે, તારો દીકરો મોટો કલાકાર બનવા સર્જાયો છે.’
સાહેબની આવી વાત સાંભળીને ઈકબાલ ધન્ય થઈ જતો. ઘરે જઈને એ પત્નીને કહેતો,

‘શબનમ, ખબર છે, આજે હુજૂરે મમ્મદિયા માટે શું કીધું?’ ને પતિ- પત્ની સુખના સાગરમાં હિલોળા લેતાં.
છેલ્લા બે દિવસથી મહમ્મદ દેખાયો નહોતો. પૉલને બેચેની થવા લાગી. સવારથી તો ઈકબાલ પણ જોવામાં નહોતો આવ્યો. એનાથી રહેવાયું નહીં. કોઈ દિવસ નહીં ને આજે એના પગ નોકરોનાં રહેઠાણ તરફ વળ્યા. ખોલીની બહાર ઊભા રહીને એણે બૂમ પાડી. માફી માગતો હોય એમ દયામણા સાદે ઈકબાલ કહેવા લાગ્યો,
‘હુજૂર, હમણાં આપની ખિદમતમાં હાજર થવાનો જ હતો પણ આ મમ્મદિયાને બે દિ’થી તાવ આવતો હતો ને અત્યારે જુઓને, ખેંચ આવવા માંડી તે…’ ઈકબાલની આંખો ભીની થઈ ગઈ.

‘અરે! મને કહેવું તો જોઈએ! હું હમણાં જ ડૉક્ટરને ફોન કરું છું.’
ડૉક્ટરે લગભગ અડધા કલાક સુધી કાળજીપૂર્વક દર્દીને તપાસ્યો. ત્યાં સુધી પૉલે વ્યગ્રતાથી વરંડામાં આંટા માર્યા કર્યા. ડૉક્ટરે એની પાસે આવીને નિરાશાથી ડોકું ધુણાવ્યું, ‘પૉલ, આ લોકોનાં ખાવા-પીવાનાં કંઈ ઠેકાણાં હોય નહીં. સરખું પોષણ મળે નહીં. એવામાં આપણે કરી કરીને શું કરી શકીએ? જોઈએ, હવે શું થાય છે? મેં મારાથી બનતી કોશિશ તો કરી છે.’
ડોક્ટરના આ ‘ જોઈએ, શું થાય છે’ શબ્દોએ પૉલને ચિંતામાં મૂકી દીધો હતો. એણે છ દિવસ સુધી અધ્ધર જીવે રાહ જોયા કરી. રોજ ઈકબાલને પૂછવાનો વિચાર કરતો કે, મહમ્મદને કેમ છે પણ એની સૂની અને ઊંડી ઊતરી ગયેલી આંખો જોઈને પૂછવાનું માંડી વાળતો. સાતમે દિવસે હજી એ એસ્ટેટ પર જવાની તૈયારી કરતો હતો, ત્યાં શબનમનો પોક મૂકીને રડવાનો અવાજ સંભળાયો. પૉલ ઈકબાલની ખોલી તરફ દોડ્યો. મા દીકરાને ગળે વળગાડીને છાતીફાટ રડી રહી હતી અને બાપ ડૂસકાં ભરી રહ્યો હતો.

શું બોલવું કે શું કરવું એ પૉલને સમજાયું નહીં. એણે મહમ્મદ સાજો થાય ત્યારે આપવા માટે સાચવી રાખેલા રંગીન પેંસિલના થોડા ટૂકડા મહમ્મદના માથા પાસે મૂક્યા. ઈકબાલને ખભે હાથ મૂકતા એણે મનોમન કહ્યું, ઊગતા પહેલાં જ એક કલાકારનો અસ્ત થઈ ગયો.
ઈકબાલ પોતાના એક સંબંધી સાથે કબ્રસ્તાન તરફ ભારે હૈયે ચાલવા લાગ્યો. સફેદ કપડામાં વીંટાળેલી દીકરાની લાશનો ભાર લાગતો હોય એમ એ વાંકો વળી ગયો હતો. એ જોઈને પૉલની આંખો ભરાઈ આવી અને એ ધીમેથી બોલ્યો, ‘સલામ દોસ્ત, સલામ. !’

(રુડયાર્ડ કિપલિંગની અંગ્રેજી વાર્તાને આધારે)                 -આશા વીરેંદ્ર 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s