કોરોના વાઇરસઃ સીધા સવાલ, સરળ જવાબ

વૈશ્વિક સ્તરે ફેલાઈને અત્યાર લગી ત્રણ હજારથી વધુ મૃત્યુ માટે જવાબદાર કોરોના વાઇરસ/CoronaVirusને જરાય હળવાશથી લેવા જેવો નથી, તેમ માથે આભ પડ્યું હોય એ રીતે બાવરા થઈ જવાની પણ જરૂર નથી. થોડી પ્રાથમિક હકીકતો જાણી લઈએ, તો ઘણીબધી શંકાઓ દૂર થઈ શકે તેમ છે.
કોરોના વાઇરસ પહેલી વારનો છે?
ના. કોરોના ‘પરિવાર’માં સેંકડો વાઇરસનો સમાવેશ થાય છે. તેમાંથી સાત વાઇરસ એવા છે,  જે માણસજાતને ‘વળગે’ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા ટૂંકા ગાળામાં, કોરોના પરિવારના ત્રણ વાઇરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં પહોંચ્યા છે.

Coronavirus
Coronavirus

એક મિનીટ…પ્રાણીઓમાંથી મનુષ્યોમાં, એટલે?
પ્રાણીઓને પાળવાથી માંડીને (મુખ્યત્વે ચીનમાં) અવનવાં પ્રાણીઓને આરોગવા સુધીના સંબંધો માણસે પ્રાણીઓ સાથે બાંધ્યા છે.  તેના કારણે કેવળ પ્રાણીઓના શરીર પર કે શરીરમાં નિવાસ કરતા વાઇરસ ગમે ત્યારે માણસમાં આવી શકે છે.  HIVથી માંડીને અત્યારના SARS-CoV-2 જેવા ઘણા વાઇરસ માણસને આવી રીતે જ લાગુ પડ્યા છે.

SARS-CoV-2…આટલું બધું ભારે નામ? અને પહેલાં તો તે n-CoV કહેવાતો હતો…
બરાબર છે. પહેલાં તેની પાકી ઓળખ થઈ ન હતી. એટલે તેનું કામચલાઉ નામ હતું, ‘ન્યૂ કોરોના વાઇરસ’ n-CoV. પછી તેનાં લક્ષણ પરખાયાં. લાગ્યું કે ઓહો, આ તો વર્ષ ૨૦૦૩માં પ્રગટ થયેલા આ જ પરિવારના વાઇરસ SARS- સીવીઅર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-નો જ પિતરાઈ ભાઈ છે. એટલે  વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ‘ઇન્ટરનેશન કમિટી ઓન ટેક્સોનોમી ઓફ વાઇરસીસ’ તરફથી તેનું પાકું નામ પડ્યું : SARS-CoV-2.  એટલે કે SARSના જ બીજા સ્વરૂપ જેવો કોરોના વાઇરસ. અને આ વાઇરસથી જે રોગ થાય તેનું નામ પડ્યું COVID-19 એટલે કે કોરોના વાઇરસ ડીસીઝ ૨૦૧૯.
એક આડવાતઃ વાઇરસનું વર્ગીકરણ કરીને તેનું નામ પાડતી સંસ્થા એટલા માટે જરૂરી કે જેથી કોઈ વ્યક્તિ કે પ્રદેશ કે લોકસમુદાયની બદનામી ન થાય. બાકી, SARS જેવા એક વાઇરસનું નામ હતું : MERS (મીડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)
બીજી આડવાતઃ આ પ્રકારના વાઇરસની રચના બહારની બાજુએ જાણે મુગટ હોય એવી છે. મુગટને અંગ્રેજીમાં ક્રાઉન/Crown અને લેટિનમાં કોરોના/Corona કહે છે. સૂર્યની ફરતેનો તેજોવલય પણ કોરોના કહેવાય છે.

હવે મુખ્ય સવાલ. આ વાઇરસનો ચેપ કેટલો ઘાતક છે? તેનો ચેપ લાગે તો માણસ મરી જ જાય?
આ વાઇરસનો ચેપ એક વાર લાગે, ત્યાર પછી તેનું પોત પ્રકાશતાં બેથી બાર દિવસ જેટલો સમય લાગી શકે છે. (કેટલાક ઠેકાણે એક-બે દિવસ ઓછાવત્તા જોવા મળે છે). ત્યાં સુધી જેને ચેપ લાગ્યો છે તેને ખબર ન પડે. છેવટે, તાવ, શ્વાસને લગતી તકલીફો, ક્યારેક પેટ- આંતરડાંમાં તકલીફ—એવા કોઈક લક્ષણ તરીકે વાઇરસ પોતાની હાજરી છતી કરે.
એક વાર દર્દી ઓળખાઈ જાય ત્યાર પછી તે બીજાને ચેપ ન લગાડે, એવી રીતે તેની સારવાર કરવી પડે. સારવાર પછી મોટા ભાગના કિસ્સામાં દર્દી બચી જાય છે. જુદા જુદા ઠેકાણે જુદા જુદા આંકડા વાંચવા મળે છે અને હજુ તો વાઇરસની અસરો પૂરેપૂરી પ્રગટ થઈ રહી છે. છતાં, સલામત અંદાજ પ્રમાણે, વાઇરસ ધરાવતા સો દર્દીઓમાંથી બે કે ત્રણ લોકો મૃત્યુ પામી શકે છે.
આ ટકાવારી હજુ ઓછી હોવાનો સંભવ છે. જોકે, ફ્લુ જેવા રોગોમાં દર હજારે એક દર્દીના મૃત્યુની સંભાવના હોય છે. તેની સરખામણીમાં આ પ્રમાણ મોટું ગણાય.

ટૂંકમાં, આ બાજુ વાઇરસ લાગ્યો ને આ બાજુ વિકેટ પડી, એવું નથી. ઠીક. પણ એનો ચેપ લાગે શી રીતે?
વાઇરસનો ભોગ બનેલી વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય,એ વખતે જે છાંટા ઉડે તેનાથી. આવી વ્યક્તિની ત્રણેક ફૂટ સુધીના અંતરે ઊભેલા લોકોમાંથી કોઈનાં આંખ, નાક કે મોંમાં એ છાંટાનો નરી આંખે ન દેખાતો અંશ જાય, તેમાં વાઇરસ હોવાની પૂરેપૂરી સંભાવના.
આવી રીતે ઉડેલા છાંટા ઓફિસમાં કે બીજાં ઠેકાણે આજુબાજુ રહેલી ચીજવસ્તુઓ પર ઉડે. (દા.ત. ફોન કે ટેબલ કે એવી કોઈ બધાના ઉપયોગની વસ્તુ), એ વસ્તુને સ્વસ્થ માણસ હાથમાં પકડે અને પછી પોતાનો જ હાથ તે આંખો, નાક કે મોં પર અડાડે, તો પણ વાઇરસનો ચેપ લાગી શકે.

દર્દી છીંક ખાય ને આપણે વધારે દૂર ઊભા હોઈએ, તો પણ વાઇરસ હવામાં તરીને આપણા સુધી પહોંચી ન જાય?
ના, અત્યાર સુધીનો અભ્યાસ કહે છે કે આ વાઇરસ હવાથી ફેલાતો નથી. તે આંખ, નાક અને મોં વાટે જ ફેલાય છે. શરીરના એ સિવાયના ભાગો પરથી પણ તે ચેપ લગાડતો નથી.

અચ્છા…તો પછી આવા ચેપની સંભાવનાથી બચવું શી રીતે?
ઉપદેશ આપનારા તો કહે છે કે લોકોના સમુહથી દૂર રહેવું. પણ સવા અબજના દેશમાં આવી સલાહ આપવાથી, સલાહ આપ્યાના સંતોષ સિવાય ખાસ કશો અર્થ નથી. વાસ્તવિક કામ એટલું થાય કે આપણી બાજુમાં કોઈને છીંક આવતી લાગે, તો આપણે આપણા રૂમાલથી મોં-નાક અને શક્ય હોય તો આખો ચહેરો ઢાંકી દેવો. ફક્ત મોં-નાક ઢાંકવાથી નહીં ચાલે, એ આપણે ઉપર જોયું.
આટલું પણ પૂરતું નથી. ચેપ લાગવાની સૌથી વધુ શક્યતા શબ્દશઃ આપણા હાથમાં હોય છે. વાઇરસ-દૂષિત જગ્યા પર આપણો હાથ અડે અને પછી એ હાથ આપણા જ આંખ-નાક-મોં પર અડે તે સૌથી મોટું જોખમ. એટલે આવી કોઈ પણ અજાણી ચીજને અડ્યા પછી પહેલી તકે હાથ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા. ફક્ત પાણીથી પખાળવાને બદલે સારી રીતે ધોવા. થોડો વખત સાબુની કરકસર નહીં કરો તો ચાલશે. પણ આ ઉપાય સૌથી અકસીર છે.

તમે આટલી પારાયણ કરી, પણ મૂળ ઉપાય તો બતાવ્યો જ નહીં…
કયો? માસ્ક પહેરવાનો?

હા, દુનિયાભરમાં લોકોએ માસ્ક પર દરોડો પાડ્યો છેસાંભળ્યું છે કે એમેઝોન પર પણ માસ્ક ખૂટી પડ્યા છે
ઉપર આપેલી વિગત વાંચ્યા પછી તમને લાગે છે કે આપણે માસ્ક પહેરવાની જરૂર હોય? માસ્ક દર્દીઓ માટે જરૂરી છે અને તેમની સારવાર કરનારા કે તેમની પાસે રહેનારા માટે. એ સિવાય બધા હઈસો હઈસોમાં માસ્ક લેવા દોડે, એટલે ઉલટાનો ગભરાટ ફેલાય, જરૂર વગરના લોકો માસ્ક પહેરીને ફરવા માંડે ને જરૂર હોય ત્યાં માસ્ક ખૂટી પડે…આવું હું નથી કહેતો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કહે છે. તેણે લોકોને અપીલ કરવી પડી છે કે મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ વિવેકપૂર્વક કરો. આ રહ્યું WHOની વેબસાઇટ પરનું લખાણઃ If you are not ill or looking after someone who is ill then you are wasting a mask. There is a world-wide shortage of masks, so WHO urges people to use masks wisely.

તમારી વાત પરથી એટલું લાગે છે કે પ્રાથમિક ધ્યાન રાખીએ તો બહુ હાયવોય કરવા જેવી નથી પણ તો પછી દુનિયામાં ને અર્થતંત્રમાં પણ આટલી કાગારોળ કેમ મચી છે?
વાઇરસનો ચેપ ધમધમાટ પ્રસરવા ન લાગે, એ માટે બધા દેશો સાવધાન થઈ જાય, એટલે બીજા દેશોમાંથી ચીજવસ્તુઓ અને માણસો–એ બંને પર સીધી અસર પડે. એ આવજા ઓછી થાય, તેની સીધી અસર અર્થતંત્ર પર પડે.

 -ઉર્વીશ કોઠારી(બ્લોગ પરથી થોડાં ફેરફાર સાથે)

મૂળ લેખ વાંચવા : http://urvishkothari-gujarati.blogspot.com/2020/03/blog-post_6.html

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s