એક અભૂતપૂર્વ પરિસ્થિતિમાં આવીને આજે ઊભા છીએ. સમાચાર પત્રો, ટી.વી. ચેનલો હોય કે સોશિયલ મીડિયા કોરોના સિવાય બીજા સમાચારો જાણે કે અદ્રશ્ય થઈ ગયા છે. કોરોના સિવાયની બધી જ વાતો નેપથ્યમાં જતી રહી છે. ધર્મ, આર્થિક પરિસ્થિતિ, જાત-પાત ભૂલવાનો સંકેત આપતો હોય તેમ આ કોરોના, રાજા રજવાડાથી લઈને સામાન્ય માણસને લાગુ પડે છે. તેણે જાણે કે સૌને-સમસ્ત વિશ્વને એક સ્તર પર લાવીને મૂકી દીધા છે.
માણસજાત એક એવા અભિમાનમાં જીવી રહી છે કે, તેના જેવું તો કોઈની નહીં ! ‘દુનિયા મેરી મુઠ્ઠી મેં’ અનેક સ્તરે જાણે તેણે કુદરત સામે યુદ્ધ ન છેડ્યું હોય તેવું તેનું વર્તન છે. કુદરત વારંવાર ચેતવણીના સૂર છેડે છે, પણ ગણકારવાની માણસને પડી નથી. એવે વખતે આ અત્યંત સૂક્ષ્મ પદાર્થ જે નરી આંખે જોઇ પણ શકાતો નથી તેણે ચીન, યુરોપ, અમેરિકાને ગોઠણભેર લાવી દીધા છે! કલ્પના ન કરી હોય તેટલી ઝડપથી આ રોગ ફેલાયો અને લોકોના મૃત્યુ થયા.
કોરોના કેવી રીતે આવ્યો તે અંગે જુદી જુદી થિયરીઓ ચાલે છે. એક થિયરી પ્રમાણે ચીનમાં જે જુદાં-જુદાં પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી કોરોના વાયરસ આવ્યો. આ બાબત પણ નજરઅંદાજ કરવા જેવી તો નથી. માનવજાત એમ માને છે કે આખી સૃષ્ટિ તેના ઉપભોગ માટે જ બની છે, તે અંગે કોઈ સંદેશ તો નથી આપી રહી ને કુદરત? વિખ્યાત ફિલસૂફ સ્ટાઇનરનું માનવું છે કે રેડિયો એક્ટિવ વિકિરણો અને વાયરસને સંબંધ છે. આ બધી સાબિત ન થયેલી બાબતો જરૂર છે પણ માણસે વિચાર કરવા જેવી તો ખરી જ.
વખતોવખત શાણા લોકોએ, વૈજ્ઞાનિકોએ માણસની જીવનશૈલી, અમર્યાદ ઉપભોગવાદ તેમજ ભૌતિકતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. માણસની વધુ ને વધુ મેળવવાની, ભોગવવાની લાલસાએ ક્લાઈમેટ ચેન્જ, આર્થિક અસમાનતા અને તેના પરિણામે હિંસા તેમજ યુદ્ધો જેવા પ્રશ્નોને આપણા માળા પૃથ્વી પર નોતર્યા છે. કોરોનાને બહાને કહો માનવજાતને સ્લો ડાઉન કરવાની, ફરજિયાત વિચાર કરવાની તક મળી છે. શું ક્યાંક ને ક્યાંક જુદાંજુદાં રોગો માટે આપણી જીવનશૈલી જવાબદાર નથી? માણસે પોતાની footprint ઘટાડવાની વાત પણ પર્યાવરણવિદો વારંવાર કહે છે, આજે આપણે અઢી પૃથ્વી જેટલા સંસાધનોના ઉપભોગ પર તો પહોંચી જ ગયા છીએ.
આજથી ચાલીસેક વર્ષ પહેલાં શીતળા, પ્લેગ જેવી મહામારીઓ કે કુદરતી હોનારત તો મોટાભાગે કહેવાતા ‘ત્રીજા વિશ્વ’ને વધુ અસર કરી જતી. ‘પ્રથમ વિશ્વ’ તેને વિશે ઉપહાસ કરતુ, પોતે વધુ શ્રેષ્ઠ છે એવું દર્શાવતા અને આપણે તેમની સહાય માંગવી પડતી. એક રીતે તેમના ઓશિયાળા હોઈએ તેવો ભાવ ઊભો થતો. આજે હવે ગરમી હોય કે પુર, વાવાઝોડું, ત્સુનામી અને હવે આ વાઇરસ, ‘પ્રથમ વિશ્વ’ને હંફાવી રહ્યાં છે. આપણી પરિસ્થિતિમાં સુધારો નથી થયો, જાણે ‘પ્રથમ વિશ્વ’ બગડી રહ્યું છે.
એક અભ્યાસ પ્રમાણે ૧૯૦૦ની સાલમાં વર્ષે આશરે દસેક હોનારતો થતી. ૧૯૮૦માં આ આંકડો ૨૦૦-૨૨૫ પર પહોંચ્યો અને આજે હવે વર્ષમાં ૮૦૦થી વધુ કુદરતી હોનારતો થાય છે. એમાંની કેટલીય માનવસર્જિત પણ ખરી જ. એક તરફ માનવસર્જિત ગરીબી, આર્થિક વિષમતા વર્ષાનુંવર્ષ વધતા જાય છે. કુદરત જાણે કે સંતુલન સાધવા, આ વિષમતા ઘટાડવાનું કામ ન કરતી હોય તેવું લાગે છે!
આજે વિશ્વભરમાં અને આપણા દેશમાં પણ કોરોના માટે સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. જે પ્રશંસનીય છે. તેને માટે વિશેષ બજેટની ફાળવણી થઈ રહી છે અને વિશેષ પ્રબંધો થઇ રહ્યા છે. પરંતુ આપણા ધ્યાનમાં એ પણ રહેવું જોઈએ કે, ઝાડાને કારણે રોજના 2195 બાળકો મૃત્યુ પામે છે. તો કુપોષણ રોજના પંદર હજાર બાળકોની જાન લે છે. WHOના ૨૦૧૮ના આંકડા પ્રમાણે તે વર્ષે વિશ્વમાં 15 લાખ લોકો ટી.બી.થી મૃત્યુ પામ્યા એટલે કે રોજના 4109 લોકો !
આમ આફ્રિકાના દેશોના દુષ્કાળ, ભૂખમરો – આફ્રિકા-એશિયાની ગરીબી વિશ્વને, સત્તાધીશોને, પ્રસાર માધ્યમોને અને આપણને સૌને હલાવી શકતી નથી. હાલની મહામારી માત્ર ગરીબો કે ‘ત્રીજા વિશ્વ’ને જ નહીં, બોલકા વર્ગને, યુરોપ-અમેરિકા જેવા વિકસિત દેશોમાં ફેલાઈ તેથી સૌને આઘાત લાગ્યો છે. હકીકત તો એ છે કે આ સૌને માટે હંગામી-ટૂંકા સમયની મહામારી (Pandemic) છે. જયારે ગરીબો માટે ભૂખમરી, કુપોષણ કાયમી ધોરણે ચાલનારી મહામારી છે.
ભારતમાં ૨૨મી માર્ચે ટ્રાયલ રન રૂપે ‘જનતા કરફ્યુ’ સરકારે જાહેર કર્યો અને પછી ૨૪મી માર્ચેની રાત્રીથી ૨૧ દિવસનો લોકડાઉન ! રાજ્યે આના માટે આગોતરી વ્યવસ્થા, જાહેરાત કર્યા વિના જ આવું જાહેર કરતા મજૂરી માટે પરપ્રાંત તેમજ બીજા જિલ્લાઓમાં ગયેલા હજારો લાખો મજૂરોને હાલાકી થઇ રહી છે. બસો બંધ થઈ જતાં તેમને પગપાળા ૨૦૦-૫૦૦ કિલોમીટર જવું પડી રહ્યું છે. જેઓ રોજ કમાઇને રોજ ખાતા હોય તેમનો વિચાર પણ પાછળથી કરવામાં આવ્યો. નાણામંત્રીએ ગરીબ કુટુંબો માટે પેકેજ જાહેર કર્યું તો ખરું, પણ તે ૧લી એપ્રિલથી અમલમાં આવશે. ત્યાં સુધી લોકો શું ભૂખ્યાં મરશે? સ્વાસ્થ્ય માટે લોકડાઉન જરૂરી હોય તો પણ તેને માટે પૂરતી વ્યવસ્થા કરવી શાસનની ફરજ છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાણમાં આવ્યો તે પછી આવી તૈયારીઓ માટે પૂરતો સમય હતો જ. (30 જાન્યુઆરી પહેલો કેસ સામે આવી ગયો હતો.)
આમ લોકડાઉનના શરૂઆતના દિવસોમાં ભય, ગભરાટ, અંધાધૂધી, વસ્તુઓની અછત અને અવ્યવસ્થાના કિસ્સા સામે આવ્યાં. પોલીસતંત્ર પણ લોકોની મદદ કરવાને બદલે બેરહેમીથી પેશ આવ્યું તે દુઃખદ ઘટના છે. આવા કોઇપણ સમયે માનવતા મહોરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. તે પણ આવ્યા જ. શાસન દ્વારા વ્યવસ્થાની રાહ જોયા વિના ઠેર-ઠેર લોકોએ ભૂખ્યા હતા તેમને જમાડ્યા અને રખડી પડેલાને આશરો આપ્યો-યોગ્ય સ્થાને પહોંચાડ્યાના દાખલાઓ પણ સામે આવ્યા છે.
વાસ્તવિકતા તો એ છે કે છેલ્લા થોડા વર્ષોમાં જાણે આપણે એક કટોકટીમાંથી બીજી ને ત્રીજીમાં જતા હોઈએ તેવી પરિસ્થિતિમાં મુકાયા છીએ. જેને ‘Living on edge’(હંમેશા મુશ્કેલીમાં રહેવું) કહેવાય તેવી છે. માણસની સંવેદનશીલતા જાણે બુઠ્ઠી થતી જાય છે. બાબરી મસ્જિદનું તૂટવું હોય કે તે પછી થયેલા દેશ વ્યાપી તોફાનો, કચ્છનો ભૂકંપ, ૨૦૦૨ની હિંસા, કશ્મીરનો ભૂકંપ, કોસી નદીનું પૂર, અતિવૃષ્ટિ, દેશમાં વધતું જતું અસહિષ્ણુતાનું વાતાવરણ કે કશ્મીરનું લોકડાઉન દેશની કથળેલી આર્થિક પરિસ્થિતિ વગેરે વગેરે. એ ઉપરાંત પર્યાવરણ પરનું સંકટ-વાતાવરણના ફેરફારો અને તેને કારણે ઊભા થતાં માનવ અસ્તિત્વના સવાલો તો ખરા જ!
આ બધું જોતાં થાય છે કે માણસજાતે જે રીતે પૃથ્વીને વાપરી છે, તહસ-નહસ કરી છે. તે અંગે ફેરવિચાર કરવા કુદરતે જાણે ફરજિયાત બધું થંભાવી દીધું છે. હજુયે સમય છે કે ચેતી જા-તારી જીવનશૈલી જ આ બધા સંકટોનું મૂળ છે. (ફરી ફરી યાદ આવે છે ગાંધીજીની હિન્દ સ્વરાજની ચેતવણીને સોક્રેટિસની ફિલસુફી) જો આપણે આ કોરોનાને લીધે આ બે-ત્રણ મહિના બહાર ગયા વિના, પ્લેનમાં પ્રવાસ કર્યા વિના, કાર વિના ચાલી શક્યું તો તેના પરથી કંઈ પ્રેરણા લઇ શકાય ખરી?
દેશ વ્યાપી લોક ડાઉનને કારણે ૧લી એપ્રિલનો અંક પ્રિન્ટમાં જઈ શક્યો નથી. તેથી સૌપ્રથમ ભૂમિપુત્ર આ સ્વરૂપે બને તેટલા વધુ વાચક મિત્રો સુધી પહોંચવાનો અમારો આ પ્રયત્ન છે. લોક ડાઉન ખુલતા જ રાબેતા મુજબ અંકો મોકલાશે.
-સં.