
દક્ષિણ-પશ્ચિમ ઓડિશામાં આવેલા છે નિયમગીરીના ડુંગરો. ભારતનાં બચી ગયેલાં જૂજ સારાં જંગલોમાંનું એક અહીં છે. અહીંની મુખ્ય પ્રજા છે કોંધ. ડુંગરો ઉપર વસે છે ડોંગરિયા કોંધ અને તળેટીઓમાં તલિયા કોંધ. હજારો વર્ષોથી વસતી આ આદિમજાતિ ભારતની પ્રાચીનતમ્ જાતિઓમાંની એક ગણાય છે. દુનિયાભરના નૃવંશશાસ્ત્રીઓ (Anthropologists) તેમનો અભ્યાસ કરતા થાકતા નથી. નિયમગીરી રાજા તેમનો દેવ છે! ભાષા તેમની કૂઈ અને કૂવી! આ પ્રજાના ખોરાકનો લગભગ ૩૦% હિસ્સો જંગલના ફળ-ફૂલ-મૂળ-કંદ છે. ઉપરાંત જંગલના અમુક હિસ્સાને બાળી ઝૂમ ખેતી દ્વારા બાવટો, બંટી, કાંગ, અડદ, મગ, કળથી, થોડા શાકભાજી પકવી લે. જંગલમાં ઉગતા પાઈનેપલ, ફણસ, કેળા અને પપૈયા પણ તેમનો ખોરાક છે. બકરાં-ભેંશ-મરઘાંમાં તેમનુ મૂડી રોકાણ અને જરૂર પડે તો તે ખાવા માટે ય વપરાય. દૂધની તેમને જરૂર નહીં અને દોહતા તેમને આવડે નહિ. આઠ-દશ કિ.મી.માંથી ભેગી કરેલ સામગ્રીમાંથી પરંપરાગત મકાનો બનાવે. સ્થાનિક કાળી માટીથી લીંપેલાં ઘર અને તેમાં કથ્થઈ રંગની ધારવાળી ડિઝાઈન તેમના ઘરની ઓળખ. એકધારાં સરખાં મકાનો. ક્યારેક છાપરાં ય સળંગ. જોતાં જ ખબર પડે કે આ કોંધ વસાહત છે. સરકારી મકાનો બનતાં થયાં ત્યારે સિમેન્ટ-પતરાં ગામમાં આવ્યાં. દરેક પરિવાર પાસે જંગલની ખેતી તો હોય જ! છેલ્લી બે-ત્રણ પેઢીથી કાયમી ખેતરોવાળી ખેતી શીખ્યા હશે. સરકારી માણસો અને સ્વૈચ્છિક સંસ્થાઓના હસ્તક્ષેપ વિના સ્વાવલંબી-ગૌરવપૂર્ણ-સાદું-સમૃદ્ધ-સુખી જીવન! અલબત્ત, સદી પહેલાં સુધી માનેલા શ્રદ્ધાસ્થાને માનવબલિ અને સ્ત્રીબાળ હત્યા પણ થતાં. પશુબલિનો રિવાજ આજે ય ખરો! દાક્તરી ધોરણોનુસાર કુપોષણ પણ થોડું ખરું!
ત્રીસ-ચાલીસના પરિવારના કસ્બામાં રહેનારી, સંપીલી અને બહાદૂર પ્રજા. દોઢ-બે સદી પહેલા બ્રિટીશરોને ય હંફાવેલા. કોંધ જાતિનાં પોતાનાં સામાજિક નિયમનો છે. મહિલાઓ પુરુષ સમોવડી! વાલીઓની સંપતિના વારસામાં સ્ત્રીઓ સમાન હકદાર. વિધવા વિવાહ થાય, છૂટાછેડાનો છોછ નહિ. સમગ્ર કસ્બો એક પરિવાર ભાવનાથી જ જીવે, બાળકો સૌના. નિર્ણયો સાથે મળીને લેવાય. વડીલો આદરને પાત્ર. કસ્બામાં બે ઓરડા એવા કે જ્યાં ગામના તમામ કિશોર-કિશોરીઓ મા-બાપથી અલગ રહે! સાજે-માંદે ઉપયોગી થવા એક સામૂહિક ભંડોળ પણ રાખે. નિયમગીરી રાજા (દેવ) પ્રત્યે ભક્તિ ભરપૂર. જંગલનો sustainable ઉપયોગ તેઓ કરે. કહે, ‘જંગલનું ધાવણ લેવાય, લોહી ન ચૂસાય’.
ડોંગરિયા કોંધના ઘણાં ગામો હજી ‘સુધરેલા’ કહેવાતા માણસો માટે દુર્ગમ છે. જ્યાં હજી રસ્તા જ પહોંચ્યા નથી, ત્યાં વળી નિશાળો, દવાખાનાની વાત કયાં? સરકારીતંત્ર કે સ્વૈચ્છિક સંસ્થાઓ ભાગ્યે જ ત્યાં પહોંચે છે. પર્યાવરણને ઝાઝું નુક્સાન કર્યા વગરની આજે જરૂરી એવી ચિરંજીવ જીવનશૈલી (sustainable lifestyle) પરંપરાગત રીતે તેમણે અપનાવી છે. ગ્રામસ્વરાજની દિશામાં ઘણા આગળ! એટલે જ સ્તો બોક્ષાઈટના ખનનની મુરાદ રાખતી વેદાંતા જેવી મલ્ટીનેશનલ કંપનીને ધરાર તગેડી મૂકેલી. સાક્ષર થઈને, સુધરેલા કહેવાઈને ધરતીમાને ભારે પડવાને બદલે નિરક્ષર રહીને પણ જીવનના ઊંચા મૂલ્યોને સહજભાવે જીવવાનો બોધ તે કોમ સહજ રીતે આપતી રહી છે.
પણ હવે મુનિગુડા-રાયગડા પાસે તળેટી વિસ્તારમાં તલિયા કોંધ લોકોની નજીક રસ્તાઓ પહોંચી ગયા છે. નવી પેઢીમાંના કેટલાક શાળા-કોલેજમાં ય જતાં થયાં છે. ઈલેક્ટ્રીસીટી પહોંચી તેની સાથે ટી.વી., મોબાઈલ અને ઈન્ટરનેટ પહોંચ્યાં. સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓઅને ધાર્મિક સંસ્થાઓએ તેમને ‘સગવડો’ આપવાનું અને ‘સુધારવા’નું શરૂ કર્યું. જેમની ભાષામાં ‘ગરીબ’ શબ્દ નથી તેમને સાચું સુખ પડતું મૂકાવી દેખાદેખી અને સુધારાના ગ્લેમર તરફ આકર્ષી ગરીબીનો અહેસાસ કરાવાઇ રહ્યો છે. ઝાડવાં પર ચડી મધ પાડવાના આનંદ કરતા મોબાઈલમાં ફિલ્મ જોવાનો આનંદ સારો લાગવા માંડ્યો છે! ક્યારે ય ન ભાંગનારી ‘ભૂખ’ પેદા થવા માંડી છે.
આ તકનો લાભ લઈને નજીકમાં મોટા કસબા-નગરમાં રહેતા વિશેષ કરીને તેલૂગુ વેપારીઓએ અને પોતાના ગામના જ ડોમ જ્ઞાતિના શાહુકારોએ ખેતીના રસાયણીકરણ દ્વારા ‘ભૂખ’ ભાંગવાને રવાડે તેમને ચડાવ્યા છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓપણ લાંબું વિચાર્યા વિના પરંપરાગત ન હોય તેવા અને સ્થાનિક પર્યાવરણને હાનિ કરનારા નીલગીરી, કપાસ, શેરડી જેવા પાકોનો પ્રવેશ કરાવી ચૂક્યા છે. આમાં સૌથી મોટું જોખમ નિંદણનાશક પ્રતિરોધક (HT-Herbicide Tolerant) કપાસનું છે. આ એવો જનીન રૂપાંતરિત કપાસ છે જે નિંદણને મારનાર ગ્લાયફોઝેટ નામના ઝેરથી બચી જાય છે. એટલે કે ખેડૂત ગમે તેટલું ગ્લાયફોઝેટ છાંટે તો નિંદણ મરે અને કપાસ સલામત રહે. પર્યાવરણ અને આરોગ્યના જોખમો જોતાં હજી ભારતમાં કોઈપણ HT પાકને પરવાનગી મળી નથી. તેની ખેતી કરનાર કે તેનું બીજ પેદા કરનાર અને વેચનાર ગૂનેગાર બને છે. ગુજરાતમાં આવા HT સોયાબીન સાથે સંકળાયેલ વેપારીઓ અને ખેડૂતો ઉપર કેસ થયા છે. ઓડિશાની સરકારે તો બીટી કપાસ સુદ્ધાંને મજૂરી આપી નથી. આવી છડે ચોક ગેરકાયદેસરતા ઉપરાંત આવા કપાસ ઉપર ભારે માત્રામાં રસાયણો વપરાય છે. એકર દીઠ દોઢ-બે લીટર ગ્લાયફોઝેટ છંટાય છે. આ એ ઝેર છે જેને ૨૦૧૫માં વિશ્વ આરોગ્ય સંસ્થા સંભવિત કેન્સરકારક જાહેર કરી ચૂકી છે. ભારતમાં પણ પંજાબ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોએ તેના પર પ્રતિબંધ કે બંધનો જાહેર કરી દીધાં છે. આ વિસ્તારના એક સેવાભાવી દાક્તર કહે છે, ‘સ્થાનિક આદિવાસીઓમાં કીડનીની બીમારી વધી રહી છે, પણ હજી કાર્ય-કારણ સંબંધ જોડી શકાયો નથી. ગ્લાયફોઝેટના વધતા વપરાશ ઉપરાંત ઊંડાં જતા ભૂગર્ભજળમાં આવતી ભારે ધાતુઓ કે ઘર-બનાવટ સિવાયનો દારૂ કારણભૂત હોઈ શકે’. ધ્યાન રહે, શ્રીલંકામાં ગ્લાયફોઝેટને લીધે વીસેક હજાર ખેડૂતો કીડનીની બીમારીનો ભોગ બની ચૂક્યા છે.

આ લોકોની પૈસાની ભૂખ સંતોષવા માટે રસાયણો આધારિત કપાસની ખેતી એ જુગાર રમવા બરાબર છે. અહીંની પાતળી, પિયત વગરની જમીનમાં એકરે માંડ ૫-૭ મણ કપાસ પાકે છે. ઘરની મજૂરી ન ગણીએ તો પણ બજારમાંથી ખરીદાતાં બીજ, રાસાયણિક ખાતરો, જીવનાશકોનો ખર્ચ બાદ કરતા એકરે માંડ બે-ત્રણ હજારનો નફો થઈ શકે. પણ એવા અનેક કિસ્સા ધ્યાનમાં આવ્યા છે કે આ જુગારમાં લાંબે ગાળે ગૂમાવવાનું આવે છે. એક ખેડૂતના કહેવા મુજબ તેણે ૧૧ એકરમાં કપાસના બીજના ૨૬ પેકેટ વાપર્યા. રૂ. ૧૮,૫૫૦/-નું બીજ, રૂ. ૫૦,૯૫૫/-નું ખાતર, રૂ. ૧૪,૨૦૦/-નાં જીવનાશકો, વીણી પાછળ રૂ. ૩૦,૦૦૦/-, ટ્રેક્ટરથી ખેડના રૂ. ૨૦,૦૦૦/- અને જમીન ભાડાના રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ ખર્ચ રૂ. ૧,૪૩,૭૦૫/- થયો. તેની સામે ક્વિન્ટલ કપાસના રૂ. ૪૮૫૦/- લેખે કુલ ૩૦ ક્વિન્ટલના રૂ. ૧,૪૫,૫૦૦/- આવક થઈ. એટલે કે નફો માત્ર રૂ. ૧૭૯૫/-. આમાં ઘરની મજૂરી તો ગણી નથી. એક મહિલાને રૂ. ૫,૦૦૦નું દેવું થયું, તે તેણે અડદ વેચીને ભરપાઈ કર્યું. એક જુવાન ખેડૂતે ત્રણ એકરમાં ૧૭ હજારનું ઝેર છાંટ્યું. કુલ રૂ. ૩૭ હજારના ખર્ચ સામે રૂ. ૩૩ હજારનો કપાસ પાક્યો. વેપારીએ હવે બાકી રહેલા રૂ. ૪ હજાર પર વ્યાજ ચડાવાનું શરૂ કરી દીધું છે. કરંડીગુડાના સુરેન્દ્રએ દોઢ એકર ખેતીમાં પહેલે વરસે રૂ. ૨૦૦૦ ગૂમાવ્યા, બીજે વરસે રૂ. ૨૦૦૦ મેળવ્યા. હવે કહે છે, ‘છ માસ મહેનત કરીએ પણ ઝાઝું કશું મળતું નથી, આવતે વરસે કપાસ છોડી દેવો છે’. માંડ ખેતી શીખેલી આ પ્રજા લોભમાં ફસાઈને દેવાના ખપ્પરમાં હોમાઈ રહી છે. વેપારીઓ અને શાહુકારો તો ખેત-સામગ્રીના કમિશન, ધીરધાર અને હિસાબી ગરબડમાંથી ભરપૂર કમાય છે. આવી નિર્જીવ ખેતી હજી તો ૫-૭ વર્ષથી જ શરૂ થઈ છે. ભવિષ્યમાં ઉત્પાદન ઘટવાનું, રોગ-જીવાત વધવાના અને ખર્ચ વધવાનો છે. વધતાં જતાં દેવાં ખેડૂતોને નિરાશા અને આપઘાત તરફ દોરી ન જાય તો જ નવાઇ!
ચિંતા તો એ પણ છે કે ગ્લાયફોઝેટના આ અમર્યાદ છંટકાવથી પાકની વચમાં થતી તેમના રોજિંદા વપરાશની ભાજીઓ, ઔષધીય વનસ્પતિઓ, મશરૂમ અને ઢોર માટેનો ચારો સાવ જ બંધ થઈ રહ્યાં છે. એમને એટલી તો ખબર પડે છે કે કૃષિ રસાયણોને કારણે જમીન કઠણ થતી જાય છે પણ જંગલ પાસેની ખેતીમાં આવા કાતિલ ઝેરની મધમાખી, ફૂદાં-પતગિયાં, અળસિયાં, દેડકાં, સરિસૃપ, આસપાસનાં ઝરણાંનાં જળચરો પર શી અસર થતી હશે તેનો કદાચ તેમને ખ્યાલ નથી. જંગલ વિસ્તારમાં મધમાખીઓ ખૂબ મહત્ત્વની છે. આદિવાસીઓએ નોંધ્યું છે કે મધમાખી ઘટી રહી છે. વળી, આવી બજાર આધારિત ખેતીના નિર્ણયો પુરુષો કરવા માંડ્યા છે. મહિલાઓને કેટલીક જાણ હોતી જ નથી અને પરિવારમાં તેમનું સ્થાન ગૌણ થતું જાય છે. જે ખેતરોમાં તેઓ પેટ માટે ખોરાક ઉગાડતા ત્યાં હવે બજાર માટેનો કપાસ ઊગે છે. માત્ર ખોરાક-સ્વાવલંબન જ તૂટી નથી રહ્યું, બીજ-સ્વાવલંબન પણ જોખમાયું છે. વળી, ગ્લાયફોઝેટથી આજે મરતાં આ નિંદણો થોડા વખતમાં પ્રતિકારકતા કેળવી માથાભારે થવાનાં છે. બીમારીઓ વધતાં દવાખાનાંના ખર્ચ વધશે તે જુંદું!
શિક્ષણ માટે, દવાખાનાં પાછળ અને દેખાદેખીથી થતા ખર્ચ વધતા જાય છે. એક અંદાજ મુજબ ૫-૬ જણના કુટુંબને અહીં વરસે દહાડે ૨૦-૨૫ હજાર રૂપિયાની રોકડ જોઈએ. તેમની વધતી જરૂરિયાતોને સમજવી પડે અને તે બાબતે વિવેક જાગૃત કરવો પડે. બે-ત્રણ એકર જમીન અને પાસેના જંગલમાંથી તમામ જીવન જરૂરિયાતો અને રોકડની પૂર્તિ કરવી અઘરી નથી પણ તેને માટે વિજ્ઞાન, ટેકનોલોજી, બજાર અને જીવનમૂલ્યો વચ્ચેના આદર્શ સુમેળની જરૂર છે. વ્યાજબી જરૂરિયાતોને પહોંચી વળવા ખેતીની ઉત્પાદકતા વધે તેવા પાકો, જાતો, પદ્ધતિઓ દાખલ કરવા પડે. આ જ વિસ્તારમાં કેટલાક એવા માર્ગદર્શક ખેડૂતો છે કે જે નવી પરિસ્થિતિ અને નવી પેઢીને અનુકૂળ એવો સજીવ ખેતી આધારિત આદર્શ અને સંતોષકારક રસ્તો બતાવી શકે. કરંડીગુડાનો મહેન્દ્ર અને તેના પિતા ચાર એકર જમીનમાંથી ૯ જણનું કુટુંબ સન્માનપૂર્વક પોષે છે. બજારમાંથી કોઈ ખેત-સામગ્રી ખરીદતાં નથી. ફળ, શાક, કાજુ સીધા જ હાટમાં વેચીને સિઝન દરમ્યાન અઠવાડિયે ૪૦૦-૫૦૦ રૂપિયા કમાઈ લે છે.
કોંધ જાતિ પરનો આ છૂપો હુમલો માત્ર ખોરાક, ખેતી, સ્વાસ્થ્ય કે પર્યાવરણ ઉપર નથી, તેમના કુદરતમય સુખી જીવન અને તેમની સંસ્કૃતિ ઉપર પણ છે. તેને કોઈપણ રીતે રોકવો રહ્યો. ત્યાં કામ કરતાં કેટલાંક મિત્રોએ તે માટે બીડું ઝડપ્યું છે. તેમને મદદની જરૂર છે.
– જગત જતનકર